મૈત્રી માટેની વિનંતિ મળે છે.
કેટલીક
જેમાંથી પરિચય મળે
તેવી કોઇ વિગત વિનાની
હોય છે.
તો ક્યાંક તસ્વીર નથી હોતી.
ક્યાંક બાળકોની કે ભગવાનની
તો ક્યાંક પ્રાકૃતિક દ્રશ્યની તસ્વીર
ક્યાંક વળી ગ્રુપ ફોટો
તો ક્યાંક પીઠ ફેરવેલો ફોટો હોય છે.
વળી કોઇ છૂપાય છે જીવનસાથી પાછળ .
એમાં હવે એક ઉમેરાઇ છે : Profile Locked !
સહુ પાસે એનાં કારણ હોય જ .
ને એમ તો
જે તસ્વીર મુકાઇ છે એ એમની જ છે
એની ખાત્રી કોણ આપે ?
મૈત્રીની વિનંતિ સ્વીકારવામાં
ધોરણ પણ શું રાખી શકાય ?
સરખાપણું ગમે
પણ ક્યારેક એનો કંટાળો આવે
જૂદા ક્ષેત્ર હોય તો વિગતોનો વિષય બદલાય.
રસ પડે.
કોઇક તજજ્ઞ હોય તોય ગમે
કોઇ પ્રશંસક હોય તે પણ ગમે.
કોઇ વિદ્યાર્થી બને
કોઇ ગુરુ !
હા,
રોજેરોજ રાજકિય ટિપ્પણીઓ
ધર્મ શ્રધ્ધાનો ઉપહાસ
ને ઉફરા ચાલવાની એ અદા દ્વારા
બૌધ્ધિક હોવાનું પૂરવાર કરવા મથનારાથી
બચવું ગમે.
દલીલબાજીમાં મારી ઋચિ નથી.
મંતવ્યભેદ બરાબર
પણ
મૌનને શરણાગતિ માનનારાય છે .
હાથ મિલાવો તો વળતી ક્ષણે
ખભે હાથ મુકનારાય છે.
વયનો આદર મારી આદત છે.
વયનો આદર મારો આગ્રહ છે.
મૈત્રીની વિનંતિ
કેવળ આરંભે જ વિનંતી હોય છે !
તો વળી સાવ સાધારણ સ્તરની વાતો
વખાણ, વાણી વિલાસ પણ મુંઝવે.
કવિતા ગમે પણ હું ચોવીસ કલાક કવિ નથી.
કવિતાનું સમારકામ મારું ગજૂં પણ નહીં.
હું પોતે સરળ લખનારો
કનેક્ટ થાય એ કવિતા એમ માનનારો.
મૈત્રીની વિનંતિ
ક્યારેક નાની વયની વ્યક્તિઓની હોય છે.
એ ભાવુક ભાવક પણ હોય
કેવળ મોકલવા ખાતર વિનંતિ મોકલી હોય
એમ પણ બને.
ક્યારેક જ્ઞાતિનું વળગણ પણ હોય.
બહુ કપરું છે અહીં
મૈત્રીની વિનંતિ સ્વીકારવાનું.
મન તો થાય કે
સહુને સ્વીકારું
પણ એ શક્ય નથી
જેમને સ્વીકાર્યા છે
એમાંથીય કેટલાંક પુનર્વિચાર માંગે છે .
ત્યારે મારી પોસ્ટ
વાંચવા માંગનાર સહુ વાંચી શકે એમ
રાખતો રહ્યો છું.
પણ એમાંય કેટલીક કોમેન્ટ વાંચીને
આ અંગે પણ પુનર્વિચાર કરવો પડે
તેમ લાગે છે.
એવામાં નવા મૈત્રી પ્રસ્તાવ મુંઝવે છે.
~ તુષાર શુક્લ
Related