પ્રેમની પરિભાષા હું શબ્દોમાં લખું તો લાગણીના એ સંબંધની વ્યાખ્યા લખાય જાય જયાં કાયા બે ને દિલ એક છે, અને આ પરિભાષા શબ્દોના આલેખનમાં કેદ થતી પણ નથી. રીત નથી પ્રણયની અહીંયા તો સઘળી રીતે બસ એ થઈ જાય છે. કેમકે એ એક એવો સંબંધ કે એના વર્ણન માટે શબ્દો રૂપી પરિભાષા હંમેશાં ઓછી પડે એવી લાગણીનો તહેવાર છે. લાગણીને તાંતણે રચાતો મનને કોઈ એક પૂરતો સીમિત કરી દેતો તહેવાર છે. સમજી લેજો પ્રેમને કેમ કે નથી એની પરિભાષા અને થયા પછી નથી થતો એ ફરી-ફરી વાર.
લાગણી વચ્ચે સંબંધોમાં પામતા પ્રેમમાં એક અલગ તરી આવતા પ્રેમને હું મારા શબ્દોમાં સિમિત કરવાનું સઘળું સાહસ કરું છું થોડી છૂટછાટ શબ્દોને આપજો……
ન પામી શકાય એવું હોવા છતાં પામવા માટે છેલ્લી હદ સુધી મરણિયો પ્રયાસ કરતાં રહેવું એનું નામ પ્રેમ. પ્રેમ એટલે વાસના થી અલગ અને લાગણીની લગોલગ સ્થાન પામેલું એક બીજ. પ્રેમ એટલે ત્યાગ અને પ્રાપ્તિ, વિરહ અને સુખ જેવા વિરોધાભાસી સંજોગો નો અદભુત સમન્વય. પ્રેમ એટલે બધું જ અણગમતું માત્ર એક કારણ થી ગમતું કરી લેવું “કેમકે એને ગમે છે એટલે!”. સંબંધની અતૂટ સાંકળ ને જકડી રાખતી કડી એટલે પ્રેમ. નિરસતા ના સ્થાન પર પણ સુખ રસનું રસપાન થઈ શકે એવી પરિસ્થિતિ. પ્રેમ એટલે જગત નું સર્વસ્વ પામી લેવાનો જીતી લેવાનો એક અદભુત અહેસાસ. જિંદગીમાં ઇશ્વર પ્રત્યે બીજા માટે જ માત્ર બંદગી રહેવી એટલે પ્રેમ. પળેપળ અને ક્ષણેક્ષણ કોઈના વગર મનોમન કળતું રહેવું એટલે પ્રેમ. દુખની શૈયા પર પણ સુખની લાગણી માત્ર બીજા માટે બંધાય જવી એટલે પ્રેમ. બીજાની જાત માટે વર્તનમાં અણધાયુઁ પરિવર્તન એટલે પ્રેમ. કોઈની બધી જ ક્રિયાઓનું હર હંમેશ મનને રટણ એટલે પ્રેમ. શાબ્દિક લાગણીની રજૂઆત કરતાં મનથી જ માત્ર માણી શકાય એવો એકમાત્ર અહેસાસ. સ્વાર્થથી હંમેશાં અળગી રહીને પ્રસરતી લાગણી ની લહેર એટલે પ્રેમ…….
“સીમિત નથી રહ્યો કંઈ સ્પર્શની એ માયામાં મારો પ્રેમ,
અસીમિત થઈ વિસ્તર્યો શબ્દોમાં એ કાયાથી રહી પર”
સ્પર્શની માયામાં રહી જતો પ્રેમ કાયા સુધી રહી કાટ ખાઈ જતો હોય છે જ્યારે એક બીજાની લાગણીમાં વગર શબ્દોના વહને પણ મનની વ્યથાઓ નું સમાધાન થઇ જાય એ પ્રેમ જ ચળકાટ પામી સોનેરી દિશામાં ફલક પાર પણ ચમકે છે. સ્પર્શમાં રહેતો પ્રેમ બસ વાસના રૂપી દરવાજા સુધી સીમિત રહી જાય છે. કાયાના દરવાજે એની મર્યાદા પૂરી થઈ જાય છે.
પરિવર્તનના યુગ સાથે તાલ મેળવી ને આપણે જીવીએ છીએ એ વાત તો સાચી પણ વર્તનનું અણધાર્યું પરિવર્તન કરી ને પ્રેમને આજકાલના સમાજની વિચારધારા ને લીધે વાસના સુધી સીમિત કરી દીધો છે આપણે . જે સમાજ પોતે જ આ દિશા તરફ દોરતો હોય ત્યાં સ્પર્શ થી શબ્દો સુધીની સફર ઘણી અઘરી છે. પણ પ્રેમના રસમાં પોતાને વિરહમાં સાચવી લેતા લોકો આ સમાજ ને ખરી દિશામાં લઈ જવા જેટલા સક્ષમ તો છે જ….
” સ્પર્શી શક્યું મારું હૈયું તારા પ્રેમને એટલું બસ છે,
સાધી શક્યું શબ્દોમાં પ્રણય એ જ ખરો રસ છે.”
ફૂલોને કંઈ સ્પર્શી થોડું માણી શકાય એની સુગંધનું રસપાન કરી ને જ એને પામી શકાય એમ પ્રેમ સ્પર્શ નો મોહતાજ નથી એને તો સમજી શકો તો લાગણીની ખરી આપ-લેમાં જ એને શિરે તાજ છે. પ્રેમ તો નદીની જેમ અવિરત વહેતો એક પ્રવાહ છે એને શબ્દોમાં વહેતો રાખી શકાય એને સ્પર્શના બાંધમાં બાંધી એનું વહેણ રોકી એને થોડું સીમિત કરી દેવાય…. પ્રેમ તો ખીલતું એક ગુલાબ છે એને ખીલવા દેવાય જીવી લેવાય એને માણી લેવાય એને પ્રાપ્ત કરવા ડાળી પરથી તોડશો તો એ મુરજાય જશે. પછી નહીં એની સુગંધ માણી શકશો કે નહીં એની ખૂબસુરતી… મળે તો માણી લેજો એને શબ્દોમાં સાચવી લેજો પ્રાપ્તિને મટાડી દેજો…… નથી મળતો પ્રેમ જગમાં ફરી ફરી વાર…..
છેવટે લાગણીઓના સરવાળા જેવો પ્રેમ અને વાસના ની બાદબાકી જેવો બનાવી આપણે જગ મહી પ્રીતની સાચી રીત સ્થાપી શકીશું.
કિંજલ પટેલ


















































