પ્રેમ… શું છે આ પ્રેમ..?
કોઈપણ વ્યક્તિને પૂછીએ કે પ્રેમ શું છે તો તેને પોતાના પ્રેમ સંબંધની યાદ આવી જાય છે… કોઈ પણ વ્યક્તિ માટે પ્રેમ એ બીજું પાત્ર છે જેમની સાથે તેમની જરૂરિયાતો અથવા લાગણીઓ જોડાયેલી હોય છે..
દરેક વ્યક્તિના મગજમાં સવાલ તો થાય કે શું છે આ પ્રેમ ? કોઈ વ્યક્તિને પહેલી નજરમાં જોઈને પોતાનું બનાવી લેવાની ઈચ્છા શું એ પ્રેમ છે? કોઈની સાથે એટલી હદે રહેવું કે તે તમારી આદત બની જાય શું એ પ્રેમ છે ? એક ગુલાબ અને બે ચાર મીઠી વાતો, શરીરની સુંદરતા વિશે તરીફો સાંભળીને પોતાનું જીવન કોઈ ને સોંપી દેવું શું એ પ્રેમ છે? પોતાનો ભરોસો બીજા પ્રેમપાત્રને આપી શરીર સુખ અનુભવી; શરીરથી એક થઈ જવાનો વિચાર શું એ પ્રેમ છે ? જો આ સવાલનો જવાબ હા છે તો આવો પ્રેમ જરૂરિયાતો અને માલિક બનવા સિવાય બીજું કશું નથી.
તો વિચાર થાય કે પ્રેમની શરૂઆત ક્યાંથી? જવાબ છે ધ્યાનથી. આપણે પોતાની જાતને ક્યારેય પૂછ્યું છે કે હું પોતાને કેટલો પ્રેમ કરું છું ? મારી લાગણીઓ મારા પોતાના સાથે કેટલી જોડાયેલી છે ? આ સવાલ જેમને પણ થાય છે તે દુનિયાના ખુશનસીબ માણસો છે.. પોતાના પ્રત્યે થતી લાગણી એ પ્રેમનું બીજ છે.. જે માણસ પોતાને પ્રેમ નથી કરતો એ બીજી વ્યક્તિને કેવી રીતે પ્રેમ કરી શકે… ?
પોતાને પ્રેમ કરવો એ પણ એક કળા છે, જેમાં પોતાના શરીરની કાળજી રાખવાથી લઈને, પોતાના વિચારોને શુદ્ધ કરવાથી આગળ વધીને, એક યોગ્ય વ્યક્તિત્વની રચના કરીને
ઈશ્વર પ્રાપ્તિનાં માર્ગે આગળ વધાય છે… આ સફરમાં મળનારને જોઈતી મદદ કરતા જઈ પરોપકાર થાય છે અને કોઈ કદમ થી કદમ મેળવી ચાલનાર અને ઈશ્વરપ્રાપ્તિના આ જીવન યજ્ઞમાં સાથીદાર બને તો આ પ્રેમની લાગણીઓ બેવડી થાય છે અને ત્યાંથી શરૂ થાય છે પ્રેમી અને પ્રેમિકાનો પ્રેમ..
આપણે પાયા અને લક્ષ્ય વિના જ પ્રેમ જેવી દૈવીય લાગણીને શરીર સુખની રમત રમવાનું સાધન બનાવી દીધી છે. જેના લીધે પ્રેમ એ રમત થઈ ગયો છે; પ્રેમ એ દુઃખ નો પર્યાય થઈ ગયો છે; પ્રેમ એ સામાજિક અપરાધ થઈ ગયો છે, જે પ્રેમ તાકાત થઈ શક્યો હોત એ પ્રેમ કમજોરી થઈ ગયો છે.. આપણે જ સમજદાર બનીને પ્રેમની પ્રતિષ્ઠાને પાછી લાવીએ અણસમજુઓને પ્રેમની તાકાતથી પરિચિત કરાવીએ અને આ દુનિયાને આવનારી પેઢીઓ માટે રહેવા લાયક બનાવીએ.
અંતે પ્રેમની પરિભાષા શબ્દોમાં કે સ્પર્શમાં નહીં પણ પોતાના અંતરતમ માંથી મળી શકે તેમ છે.. તે છતાંય શબ્દોમાં શોધવી હોય તો પિતાના વિચારોમાં અને સ્પર્શમાં શોધવી હોય તો માતાના હાથના સ્પર્શમાં મળી શકે છે કારણ કે બાળકને જન્મ આપતા પહેલાના નવ મહિના તે બન્ને પણ ધ્યાનની અવસ્થામાં અને આવનાર નવા બાળકના પ્રેમમાં રહે છે…??
પ્રીત લીલા ડાબર
Vibrant writer
દાહોદ ગુજરાત.


















































