(કવિ શ્રી રમેશ પારેખ અને તેના અમર સર્જન ને શબ્દાંજલિ, લખાયા તા-19 મે 2006 સ્વર્ગવાસ પછી બીજા દિવસે )
અક્ષરો હેબતાઈ ગયા છે !
ભાષા બેભાન થઈને ચત્તી પટ પડી છે !
કવિતાને ગળે ડૂમો બાજી ગ્યો છે !
આખ્ખાયે ગઢમાં સોંપો પડી ગ્યો છે !
અરે બાપુ જેવા બાપુ નીમાણા થઈને બેસી ગ્યા છે !
તે ભગલો ક્યે બેસે જ ને ?
આ તો ધણીનો ય ધણી,તે બાપુની શી વીશાત ?
સુરજ ક્યે આજથી ત્રાંસા ત્રાંસા ઉગવાનું બંધ.
પંખીનું ટોળું ક્યે આજથી કાવતરા કરવાનું બંધ.
પાંદડી ક્યે હવેથી મેણા મારવાનું બંધ.
છોકરાઓ ક્યે સીટ્ટી મારવાનું’ય બંધ.
છોકરીયું ક્યે હાથમાંથી રૂમાલ પાડવાનું’ય બંધ.
અને બાપુ ક્યે ખોંખારો ખાવાનું’ય બંધ.
હિબકે ચડેલી કીડીયું ક્યે બાપુ ! ઈ પગરખા સીવી દે તો હા નીકર ના.
ચંદુભાઈ ક્યે ગઝબ થઇ ગ્યો મૂળમાંથી જ ખરી પડ્યો
આપણા ખુશાલીયાનો નહિ, ગુજરાતી કવિતાનો હાથ.
ટપાલટીકીટમાંથી ગાંધીબાપુ બોલ્યા,ચોંટાડ તું તારે પાણી ને બદલે થૂંક ચોંટાડ
આજે તને ગોબરો નહીં કહું,આજે તો ભલભલાના પાણી ઉતરી ગ્યા છે.
મારો વાલીડો છેતરી ગયો આખ્ખા’યે મનપાંચમના મેળાને !
ત્યાં તો અચાનક બાપુ તાડૂક્યા, એલા ભગલા !
હાજર કર અટાણે જ ઓલ્યા ભગવાનને,
ભાગ જ જોતો’તો તો ફાટવું ‘તું ને મોઢામાંથી !
ટપ્પ દઈને મૂકી દેત આખું રાજ, લેણીયાત ‘સોતુ
અરે દરદ જ દેવા’તા તો ટચકિયા મોકલાવતા ને !
ખમી ખાત મરદની જેમ !
પણ દિલના દરદ બહુ વસમા હો, ઈ તો થાય એને ખબર પડે !
હું મરી ગયો અંતરીયાળ એમ નહી, કરી ગયો અંતરીયાળ એમ હવે બોલો.
અરે કવિ ! એવાં તે કેવાં ગામતરાં ? તે દીકરીને’ય કહેવું પડે કે કાલથી “પળી દૂધ ઓછુ “..!!!
-કૃષ્ણ દવે


















































