પરિસ્થિતિ ને સમય ચક્કરની સાથે પારખતા શીખો,
જીવનની ખૂબીઓ શગારતા કુદરત આપોઆપ શીખવી દેશે.
પંક્તિઓથી સમજણ આપણને એ દિશા તરફ લઈ જાય છે કે સમય જરૂર શીખવાડે છે. પરંતુ સમયે શીખવાડેલું યોગ્ય રીતે ગ્રહણ કરતાં તો આપણે જ શીખવું પડે છે. જીવન પરીક્ષા લે છે તો પ્રશ્નો આવવાના જ છે. બસ ઉકેલવાની એક ચોક્કસ હદ સુધીના પ્રયત્નની તૈયારી જ માત્ર આપણા હાથમાં છે. કોઈ પણ પરિસ્થિતિ વ્યવસ્થિત થવા માટે જ તમારી સમીપ આવી છે એવું સમજીને એને ઉકેલી દો. ઉકેલને આખરી ઉપાય સમજે તે વ્યક્તિ ક્યારેય મનોબળથી હારતો નથી. ઉકેલને ઉપાય સમજે તે ખરા અર્થમાં જીવનને સાર્થક રીતે સમજી શકે છે અને પોતાની જાતને સોનાની જેમ મઢી શકે છે. જેમ શનિની સાડાસાતી માણસને પિત્તળમાંથી ખરા સોનામાં પરિવર્તિત કરે છે એ જ રીતે સમય અને સંજોગો કસોટી કરીને આપણા વ્યક્તિને સમાજ સમક્ષ ઊજળું કરે છે.
“સમયથી હું ક્યારેક ક્યારેક હારતો રહ્યો છું,
તો પણ જીતથી જીવનને શણગારતો રહ્યો છું.”
ખરા સમયમાં જ્યારે જીવનની મુશ્કેલીઓ સામે માણસ ઝઝૂમતો હોય ત્યારે આવેલી મુશ્કેલીને સરળ સમજી કઈ રીતે પાર પાડવી એ જ તો જીવન જીવવાની સાચી કળા છે. અહીં સૌ કોઈ કળાના કારીગરો છે અને જીવનના માણિગારો છે .આમ, જીવવાની કળા શીખી લો તો હંમેશાં જીવનમાં જીત જ છે. પરિસ્થિતિ સામે ઘૂંટણીયે થઈ જતો માણસ તો ખરેખર જીવતા જીવ એક લાશ જ છે તેવું સમજી શકાય..
“સમયને ખરી સમજણ મળી એટલે જ પરિસ્થિતિ બધી ફળી.”
સમયને પણ પોતાનાં મનોબળથી સમજણ આપીને બધી પરિસ્થિતિઓને પોતાના ખોબામાં લઈને સફળતાને પોતાનાં ફાળે નોંધાવી શકનારો માણસ છેલ્લા શ્વાસ સુધી પોતાના વિશ્વાસ થી ક્યારેય ડગતો નથી. એ અમર અગસ્તય બની જાય છે લોકમાનસમાં…


















































