નાતાલ એ ખ્રિસ્તી ધર્મના લોકોનો મુખ્ય તહેવાર છે. આ દિનની ઉજવણી ભગવાન ઈશુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી તારીખ 25મી ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મમાં એમ માનવામાં આવે છે કે નાતાલની મોસમ 12 દિવસ સુધી ચાલે છે.
હવે તો નાતાલ ખ્રિસ્તી ધર્મનો તહેવાર હોવા છતાં પણ તમામ લોકો પણ ઉજવવામાં આવે છે અને આ તહેવારની ઉજવણીના કેટલાક રીતિરિવાજો ખ્રિસ્તી ધર્મ પૂર્વેના અથવા તો બિનસાંપ્રદાયિક વિષયવસ્તુ ઉપર આધારિત મૂળના છે. નાતાલની આધુનિક ઉજવણીમાં પ્રખ્યાત બનેલા રીતિરિવાજોમાં ભેટ-સોગાદોની આપ-લે, સંગીત, અભિવાદન પત્રિકાઓની આપ-લે, દેવળોમાં થતી ઉજવણી, ખાસ પ્રકારનું ખાણું, વિવિધ સુશોભનોનું પ્રદર્શન જેમ કે નાતાલનું ઝાડ, લાઇટ વડે રોશની, તોરણો બાંધવા, એક જાતનાં લીલાં રંગનાં વૃક્ષની સજાવટ, ઈશુનાં જન્મનું દ્રશ્ય અને લાલ ટેટાં વાળું એક સદાપર્ણી ઝાડવાંનું સુશોભન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. વધુમાં ફાધર ક્રિસમસ (ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અને આયર્લેન્ડ સહિત ઘણા બધા દેશોમાં સાન્તાક્લોઝને નામે જાણીતા) ઘણા દેશોમાં એક દંતકથા જેવું કાલ્પનિક પાત્ર છે જે આ દિવસે બાળકો માટે ભેટો લઇને આવે છે.


















































