“એ નવા છોકરા! શું નામ છે તારું?”
“જી, વિનોદ.”
વિનોદના માથે ઇંટોનું ભાર હતું અને એને ફરીને જવાબ આપતા વાર લાગી.
“હાં વિનોદ. આ પહેલવાન જેવા બાવળા ફક્ત બતાવવા માટે છે, કે પછી એમાં કાંઈ તાકત પણ છે? શું છોકરીની જેમ ધીમે ધીમે ચાલી રહ્યો છે! ફટાફટ હાથ ચલાવ.”
બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર, ચોરસ્યા, નવા મજૂર વિનોદ ઉપર વરસી પડ્યો. વિનોદ માંડ અઢાર વર્ષનો હશે. આમ તો પોતે કોલેજ જતો અને સાંજે નાના છોકરાઓને ઘરે ટ્યુશન આપતો. પરંતુ એના બાપા બહારગામ ગયા હોવાથી, તે એની જગ્યાએ અઠવાડિયા માટે ભરપાઈ કરવા આવ્યો હતો.
વિનોદને આટલો અપમાનજનક ટોન સાંભળીને આઘાત લાગ્યો. તે સ્વભાવે શરમાળ અને તદ્દન અંતર્મુખી વ્યક્તિ હતો, તદુપરાંત, ઘરનું વાતાવરણ પણ ઘણું સરળ હતું. બાપાની નોકરીને કાંઈ નુકસાન ન થાય, એટલે નરમાશથી બોલ્યો,
“હું તો બરાબર કામ કરી રહ્યો છું માલિક, એક મિનિટ પણ બેઠો નથી.”
ચોરસ્યાનો ટોન પહેલા કરતા વધારે તીખો થઈ ગયો. “આંખ નીચી રાખ અને સામે જવાબ આપવાની જરૂર નથી. જો તારા હિસ્સાનું કામ પૂરું નહીં થાય ને, તો ઓવરટાઇમ કરાવીશ અને દૈનિક પગારમાંથી પણ પૈસા કાપી નાખીશ. સમજ્યો? હવે ઉભો ઉભો મારુ મોઢું તાકવાના બદલે કામે લાગ!”
બધા કડિયા સાથે, ચોરસ્યાનો આવો જ કઠોર વ્યવહાર હતો. બિચારા મજૂરો લાચાર હતા અને ન છૂટકે ઠેકદારની નિર્દય વર્તણુક સહન કરવી પડતી હતી. પણ આજે ચોરસ્યાના નસીબ ખરાબ હતા. બિલ્ડિંગ સાઇટના માલિક, અગરવાલ સાહેબે, આશ્ચર્યજનક નિરીક્ષણ માટે અણધારી મુલાકાત લેવાનું નક્કી કર્યું. તેમણે દૂર ઉભા ઉભા આખું દ્રશ્ય જોયું.
ચારેતરફ નજર ફેરવતા એમને દયા આવી, કે કડિયા કેટલા ત્રાસદાયક વાતાવરણમાં કામ કરી રહ્યા હતા. બધીબાજુ કાટમાળ, ઇંટો, અને સિમેન્ટના ઢગલા પડ્યા હતા, તે સિવાય, રેતી હવામાં ઉડી રહી હતી. મજૂરો પરસેવામાં રેબ્જેબ, બપોરના સળગતા તડકામાં કામ કરી રહ્યા હતા. અને ઉપરથી કોન્ટ્રાક્ટરની આવી વર્તણુક!!
અગરવાલ સાહેબ ઑફિસમાં જઈને બેઠા અને ચોરસ્યાને બોલાવરાવ્યો. એની પાસેથી બધા ચોપડા અને કામની અપડેટ લીધી. બીજું બધું તો ઠીક હતું, પણ અગરવાલ સાહેબ એનાથી ખુશ નહોતા. એક ઊંડો નિસાસો ભર્યા પછી, એમણે ચોરસ્યા સામે આંખ કાઢતા કહ્યું,
“છાંયડામાં બેઠા બેઠા હુકુમ જાળવો ખૂબ આસાન છે. ક્યારેય મજૂરોના જુતામાં પગ મૂકીને જોયું છે? કે તે કેટલી મજબૂરીમાં અને મુશ્કિલ પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે?”
ચોરસ્યા ઘબરાઈ ગયો,
“પણ સાહેબ, મેં કાંઈ નથી કર્યું, હું તો બધાને પ્રેમથી રાખું છું.”
“ખોટું નહીં બોલ ચોરસ્યા! આજે આવતાની સાથે મેં તારો પ્રેમ જોયો, જે તું પેલા બીચારા જુવાન છોકરા પર વરસાવી રહ્યો હતો.”
ચોરસ્યાએ નજર નીચી કરી નાખી, અને અગરવાલ સાહેબ ઉભા થયા.
“મજૂરો સાથે અસંવેદનશીલ વ્યવહાર હું નહીં ચલાવું. માલિક છો, તો કાંઈ માલિકપણું જતાવવું ફરજિયાત નથી. માણસાઈ બતાવશો, તો લોકો તમારી પાસે ટકી રહેશે અને વધુ દિલથી કામ કરશે.”
અગરવાલ સાહેબ ઑફિસની બહાર નીકળતા પહેલા ફરી ચોરસ્યા સામે જોઇને કડક સ્વરમાં ચેતવણી આપી, “જો મજૂરો સાથે તમારી વર્તણુક નહીં બદલાઈ ને, તો પછી મારે તમારી સાથે કામ કરવું કે નહીં, તે વિચારવું પડશે.
આટલું કહીને અગરવાલ સાહેબ, ચોરસ્યાને પાછળ સ્તબ્ધ મૂકીને જતા રહ્યા.
શમીમ મર્ચન્ટ,


















































