ભારત ભૂમિ પર શોભતી ધીંગી ધરા ગુજરાતની.
છે સ્વર્ગની જ્યાં સાયબી,ધીંગી ધરા ગુજરાતની.
રૂપસુંદરી નારી અને ભડવીર નર જ્યાં પાકતાં,
ગુણવાન સૌ જ્યાં માનવી,ધીંગી ધરા ગુજરાતની.
સંગ્રામ હો, કે હો સખાવત, મોખરે કાયમ રહે.
તન,મન અને ધન આપતી, ધીંગી ધરા ગુજરાતની.
હારે નહીં આવે અગર, પડકાર કે આતંક પણ,
ગરવી સદા છે જાગતી, ધીંગી ધરા ગુજરાતની.
થઈ પાળિયા દે જીવ પણ,રાખે ધરમને જીવતો,
એવી અડીખમ આગવી,ધીંગી ધરા ગુજરાતની.
જ્યાં છે હરિહર બેસણાં,સરિતા અને સાગર તટે,
વિશ્વાસ લઈ ઉર જીવતી,ધીંગી ધરા ગુજરાતની.
સિદ્ધો,જતિ સંગ સિંહ વસતાં,ગીર ને ગિરનારમાં,
મસ્તક જે ઉન્નત રાખતી, ધીંગી ધરા ગુજરાતની.
~દિલીપ ધોળકિયા,”શ્યામ”


















































