જો હૃદયમાં સહેજ જન્મે રામ, તો છે રામનવમી,
જીભથી લેવાય પાવન નામ, તો છે રામનવમી..
વસવસો કેવળ કરું – ‘જોયું અવધ ના’, કામનું શું?
મન બનાવું જો અયોધ્યા ધામ, તો છે રામનવમી..
માત કૌશલ્યા મળે ના સૌ સ્થળે, સાચું, પરંતુ,
મંથરા ના હોય એકે’ ગામ, તો છે રામનવમી..
‘હું નથી હનુમાન’ -માન્યું, તોય, ખિસકોલી બનીને,
જો યથાશક્તિ કરું પ્રભુ-કામ, તો છે રામનવમી..
હું કથાઓ રામની કાયમ ભલે ના સાંભળું, પણ,
આચરું જો રામનો પયગામ, તો છે રામનવમી..
નામ કેવળ રામનું, આરામ આપે – છે સનાતન,
હુંય થાક્યાંનો બનું વિશ્રામ, તો છે રામનવમી..
કોઈનાં પણ દુઃખનું કારણ હું ના સ્વપ્નેય થાઉં,
પણ, બની ‘નિસ્વાર્થ’, દઉં આરામ, તો છે રામનવમી..
✍️ ડૉ. ધીરજ એસ. બલદાણિયા ‘નિસ્વાર્થ’


















































