સનાતન હિન્દુધર્મમાં દરેક વિશિષ્ટ દિવસો કે તહેવારો પાછળ ઊંડી વૈજ્ઞાનિક સમજણ રહેલી છે. બારેમાસ ઉજવાતા તહેવારો પાછળ પ્રાચીન ઋષિ-મુનિઓની દીર્ઘદ્રષ્ટિ કાર્યરત છે. જે વ્યક્તિને શારીરિક સ્વાસ્થ્ય ઉપરાંત આધ્યાત્મિક ઉન્નતિ પણ પ્રદાન કરે છે.પહેલાના ઋષિમુનિઓ કે જેઓ દિલથી સંત અને દિમાગથી વૈજ્ઞાનિક હતા, તેમણે માનવજગતના કલ્યાણ માટે વર્ષ દરમિયાન આવતા ચોક્કસ દિવસોના વૈજ્ઞાનિક મહત્વને સમજી એને ધર્મ સાથે એટલી આબેહૂબ રીતે તહેવારના રૂપમાં જોડી દીધા કે જો એ દિવસો દરમિયાન યથાર્થ સમજણ અને શ્રદ્ધા સાથે ક્રિયા કરવામાં આવે તો સમગ્ર મનુષ્યજગતનું અવશ્ય કલ્યાણ થાય. ધર્મશાસ્ત્રો અનુસાર દૈવીસૃષ્ટિ કારતક સુદ અગિયારસના દિવસે પૂર્ણ રીતે જાગૃત થાય છે એટલે તો કારતક સુદ પૂનમના દિવસે દેવદિવાળી ઉજવવામાં આવે છે. એનો અર્થ એ થયો કે પહેલાના ઋષિમુનિઓ પાસે દૈવીસૃષ્ટિ કે કોસ્મીક એનર્જી અંગેનું જ્ઞાન હતું.
દૈવીશક્તિની પૂર્ણજાગૃતિ જો કારતક સુદ અગિયારસના દિવસે થતી હોય તો આપણે સમજી શકીએ કે જાગૃતિની શરૂઆત અવશ્ય વહેલી થતી હોવી જોઈએ. જેમ ચંદ્ર પૂનમે સોળે કળાએ ખીલેલો હોય તેનો અર્થ એ થયો કે પૂનમ પહેલાના દિવસોથી તેની ખીલવાની પ્રક્રિયા શરૂ થઈ જતી હોવી જોઈએ. એ રીતે દૈવીશક્તિના પૂર્ણ જાગરણના એક મહિના પહેલા એટલે કે દશેરાના દિવસથી આવા વિશિષ્ટ બ્રહ્મમુહૂર્ત કે સકારાત્મક દિવસોની શરૂઆત થઈ જાય છે. જેથી આવા દિવસો દરમિયાન કરેલા તમામ સત્કર્મોમાં દૈવીશક્તિની સહાય વિશેષ મળે છે. આપણે જાણીએ છીએ કે દરેકમાં શક્તિ ધરબાયેલી હોય છે જેને ગતિમાં લાવવાનું કાર્ય ગરબા કરે છે. નવરાત્રી દરમિયાન શક્તિને ગતિમાન અને વિકસિત કર્યા બાદ દશેરામાં તમામ દુર્ગુણો અને મુશ્કેલીઓને દૂર કરવાની છે. દશેરા શબ્દ અપભ્રંશ થયેલ છે જેનો મૂળભૂત શબ્દ છે “દશહરા” એટલે દશે દિશાઓમાંથી આવતી મુશ્કેલીઓ પર વિજય મેળવવો. જેના માટે શક્તિની જરૂર અવશ્ય પડે જે નવરાત્રિના ગરબા અને શક્તિની આરાધના દ્વારા મેળવવાની હોય છે. ત્યારબાદ દશેરામાં તમામ મુશ્કેલીઓ, દુર્ગુણો જેવા કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા વગેરે દૂર કરી શરદ પૂનમમાં શારીરિક શક્તિ ઉપરાંત માનસિક શક્તિ અને શીતળતા દૂધપૌવા અને ચંદ્રકિરણોની સહાયથી પ્રાપ્ત કરવાની હોય છે. શરદપૂનમના દસ દિવસ બાદ દિવાળીના તહેવારોની શરૂઆત થાય છે આ રીતે આગળ વધતા-વધતા દિવાળીના મુખ્ય પાંચ તહેવારોની વૈજ્ઞાનિક ઉજવણી કરવાની હોય છે.
આમ તો દશેરાથી દિવાળી સુધીનો સમય મંત્રોચાર માટે અતિ ઉત્તમ છે કેમ કે આ સમય દરમિયાન વાતાવરણમાં કોસ્મીક એનર્જી એટલે કે દિવ્યશક્તિના તરંગો સૌથી વધુ હોય છે તેમાં પણ ધનતેરસથી ભાઈબીજ સુધીના પાંચ દિવસો ઈશ્વરીય બ્રહ્મમૂહુર્તના ટોચના દિવસો છે. આ દિવસો દરમિયાન જેટલા ઉત્તમ કાર્યો જપ, તપ, વ્રત, દાન, ઈશ્વરસ્મરણ કરી શકાય તેટલા કરી લેવા જોઈએ. કેમ કે તેના દ્વારા વ્યક્તિના વૈચારિક તરંગોમાં પરિવર્તન આવે છે. વિશ્વવિખ્યાત ભવિષ્યવેતા માઈકલ નાસ્ત્રેદસમે જણાવ્યું છે કે વ્યક્તિ પોતાનું ભવિષ્ય તેના વૈચારિક તરંગોના પરિવર્તન દ્વારા બદલી કરી શકે છે. ડોક્ટર એડગર મિટહેલે જણાવ્યું છે કે મસ્તિષ્કના વૈચારિક તરંગોને બદલવાથી ભવિષ્યની ક્રિયાઓને બદલી શકાય છે. એનો અર્થ એ થયો કે જે પરિસ્થિતિને બદલી શકે તે ભવિષ્યને પણ અવશ્ય બદલી શકે. શાસ્ત્રો અનુસાર મનુષ્યનું ભાગ્ય નિર્માણ કરતાં મુખ્ય સાત પરિબળો છે. ૧)કાળ ૨)સ્વભાવ ૩)નિયતિ ૪)ઈચ્છા ૫)ભૂત એટલે કે દ્રવ્યો ૬)યોની અને ૭)પુરુષ. આ સાતેય પર ધ્યાન આપી આપણે આપણું ભવિષ્ય બદલી શકીએ છીએ. દશેરાથી દિવાળી સુધીના દિવસોનો યથાર્થ ઉપયોગ કરી, પૂર્ણ શ્રદ્ધા અને સમજણ સાથે ભવિષ્ય બદલવાનો આપણે સૌએ પ્રયત્ન કરવો જોઈએ.
ધનતેરસને દિવસે ધનની નહિ પણ આરોગ્યના દેવતાં ધન્વંતરિની પૂજા કરવાની હોય છે કેમ કે આરોગ્યની ગેરહાજરીમાં કશું જ મેળવવું શકત નથી. કાળી ચૌદશે મહાકાળીની આરાધના દ્વારા શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. કાળીચૌદસે કકળાટ કાઢવાની પ્રક્રિયાનું પણ યથાર્થ વિજ્ઞાન સમજી લેવું. દરેક ગ્રહોની માનવજીવન પર ઊંડી અસર પડે છે. શનિને કલેશ-કંકાસ કરવાની શક્તિ કહે છે. તેલવાળી વસ્તુમાં આવી શક્તિ શોષાય છે. જેથી કાળીચૌદસના દિવસે એક પાણીના લોટામાં ઘરમાં જેટલા સભ્યો હોય તેટલા વડા લઈ, દરેક સભ્યોના મસ્તકની આજુબાજુ ફેરવી એવી ભાવના કરવી કે કંકાશ-કલેશ તેમજ સર્વ દુર્ગુણો મારામાંથી નીકળી આ લોટામાં કે વડાના સમાઈ જાય. ત્યારબાદ વિશ્વાસ સાથે ઘરથી દૂર ત્રિભેટે મૂકી આવી મનથી મુક્ત થવું. મનથી મુક્ત થનાર સર્વ તકલીફોથી મુક્ત થાય છે તે આપણે જાણીએ છીએ. વળી કકળાટથી મુક્ત થવાય તો દિવાળીના દિવસે વિદ્યા અને લક્ષ્મી અવશ્ય મળે. દિવાળીના દિવસે વિદ્યા અને લક્ષ્મી પ્રાપ્તિના નૈતિક પ્રયત્નો કરવા. દિવાળીના દિવસે મંત્રસાધના દ્વારા ત્રિવિધ તાપ જેવા કે આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી બચી શકાય છે. દિવાળીના ઉત્તમ દિવસોમાં આપણે સૌએ આંતરજગતની યાત્રા કરવાની છે.
આપણા ઋષિમુનિઓનું જ્ઞાન જણાવે છે કે જેવું જગત બહાર છે તેવું જ એક જગત આપણી અંદર છે જ્યાં પહોંચવા મંત્રોચાર ખૂબ ઉપયોગી છે. દિવાળીના તહેવારોનો પ્રારંભ પણ સમયની દ્રષ્ટિએ ખૂબ વૈજ્ઞાનિક છે પ્રથમ ધનતેરસ આવે છે જેમાં આરોગ્યના દેવ ધન્વંતરિની પૂજા કરી આરોગ્ય પ્રાપ્તિ કરવાની હોય છે કેમ કે તમામ પ્રકારની સફળતાની પૂર્વશરત તંદુરસ્ત તન અને મન છે. સ્વાસ્થ્ય પ્રાપ્તિ બાદ કાળીચૌદસ શક્તિની પ્રાપ્તિ માટે મહાકાળીની આરાધના અને ત્યારબાદ દિવાળીના દિવસે દૈવી સાધના એટલે કે મંત્રોચ્ચાર દ્વારા લક્ષ્મી અને સરસ્વતીની પ્રાપ્તિ (ધન અને વિદ્યાની પ્રાપ્તિ) જેના વગર કોઈપણ કાર્ય શક્ય નથી. અંતમાં નવાવર્ષના ઉત્તમ કાર્યો કરવાની શરૂઆત કરવાની કેમ કે આરોગ્ય, શક્તિ, ધન, વિદ્યા પ્રાપ્ત થયા પછી જો તેનો ઉપયોગ આત્મકલ્યાણ અને સમાજકલ્યાણ માટે ન થઈ શકે તો આ સર્વની પ્રાપ્તિ વ્યર્થ ગઈ કહેવાય. આવી શરૂવાત વડીલોના આશિર્વાદથી થવી જોઈએ. વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર આપણા હાથના પંજામાંથી સૌથી વધુ ઊર્જા વહી જાય છે જેથી તેને જોડવામાં આવે (એટલે કે નમસ્કારમુદ્રા) તો એનર્જી સર્કલ પૂર્ણ થાય છે જેની અસર એનર્જી રીચાર્જ જેવી છે અને એવા ઊર્જાસભર હાથ જો તમારા માથે કોઈ મૂકી આશીર્વાદ આપે તો તે ખુબ કલ્યાણકારી નીવડે છે. એટલા માટે શાસ્ત્રોમાં હથેળીઓને ભગવાન સ્વરૂપ ગણાવી છે. જાપાનનું રેકીશાસ્ત્ર આ જ ઊર્જાના સિદ્ધાંત પર કાર્યરત છે તેમજ એક્યુપ્રેશરના નિયમ અનુસાર શરીરને ચેતના આપતા તમામ બટન હાથના પંજા અને પગના તળિયામાં છે. વળી સાત્ત્વિક સ્વભાવ, દ્રઢ સંકલ્પ અને સર્વના કલ્યાણની ભાવના ધરાવતા મનુષ્યના હાથમાં સૌથી વધુ ઉર્જા વહેતી હોય છે. ટૂંકમાં મુદ્રાવિજ્ઞાનના નિયમોની સમજણ દ્વારા નવા વર્ષનો પ્રારંભ કરવો ઉત્તમ છે.


















































