“અરે માસી, આપણું એ આપણું , અને કેટલો પણ પ્રયત્ન કરો પારકું તો પારકું જ રહેવાનું. એ દત્તક લીધેલ બાળક છે.”
વર્ષો પહેલા આ વાક્ય ભૂલેથી, ઘરમાં દાખલ થતી વખતે હું સાંભળી ગઈ હતી. સદૈવથી મોટા ભાઈ રાઘવ સાથેનો મા નો કડક વહેવાર આંખની સામે તરી આવ્યો. રાઘવ પણ હંમેશાથી ઘણો જિદ્દી અને હઠીલો હતો. તે છતાં મને એમ જ લાગતું કે મા એની સાથે ક્યાંક વધારે સખત હતી. દિલીપ કાકાના વેણ સાંભળ્યા પછી કારણ સમજાયું.
મારી સાથે તો મા કેટલા પ્રેમથી વર્તતી જાણે… મારા એકલા ઉપર બધો પ્યાર નિછાવર કરી નાખ્યો હોય. તો રાઘવ ભાઈ સાથે અટલી નાઇન્સાફી શામાટે? ઘણી વાર મને માનો ભાઈ સાથેનો વહેવાર નહીં ગમતો અને હું રાઘવ માટે મા જોડે લડી પડતી.
“મમ્મી આ તું ઠીક નથી કરતી. જરાક તો પ્રેમથી સમજાવ?”
“કૃતિકા તું તારા મોટા ભાઈની તરફદારી નહીં કર. જોતી નથી, એ મને કેટલી પજવે છે?”
આજે માને સ્વર્ગ સીધાવ્યાને એક મહિનો થઈ ગયો. એના ગયા પછી ભાઈ એકદમ શાંત પડી ગયો છે અને એવો બની ગયો છે જેમ મા ની ઈચ્છા હતી. રાઘવ કામે જવા નીકળ્યો અને હું મા ની બધી વસ્તુઓ ઠેકાણે પાડી રહી છું. કપડાં અને બીજી બધી જીણી વસ્તુઓનો નિકાલ કરી નાખ્યો, બસ એમની પુસ્તકોનું કામ બાકી છે.
માના રૂમમાં જમીન ઉપર બેઠી છું અને એક એક કરીને એમની સો જેટલી બુક્સ સરખી રીતે બોક્સમાં મૂકતી જાવ છું. એક વર્ષો જૂની ડાયરી હાથમાં આવી.
મા ડાયરી લખતી હતી ?!?
ઉત્સુકતા જાગી અને મે પાના ફેરવ્યા. એક જગ્યાએ મારા નામ ઉપર નજર પડી. જેમ જેમ વાંચતી ગઈ, ન મારા આસું રોકાયા અને ન મારી સ્મિત.
“આજે મારી ખુશીની કોઈ સીમા નથી. રમેશે મારી વર્ષો જૂની દીકરીની કામના પુરી કરી. આજે અમે અમારી બે વર્ષની કૃતિકાને ઘરે લઈ આવ્યા. રાઘવ પણ ઘણો ખુશ છે. એને એક નાની બેન મળી ગઈ. કૃતિકાના આવવાથી આજે અમારો પરિવાર પૂરો થયો.”


















































