મારો જન્મ બનારસના ખૂબ જ રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો છે. મારુ નામ સુષ્મા શર્મા છે, મારા પિતા શિવકુમાર શર્મા અને માતા રતીદેવી નું હું પ્રથમ સંતાન છું અને મારા બીજા ૪ ભાઈ બહેન છે. અમારો કૌટુંબિક વ્યવસાય કર્મકાંડનો છે. ઘરમાં સૌથી મોટો છોકરો હું હોવાથી પિતાજી પછી આ કાર્ય મારા હસ્તક આવવાનું હતું, પરંતુ મારા પિતાના બધા સંતાનોમાં હું અલગ હતો, હું બાળપણથી જ ખૂબ બીમાર અને નબળો હતો અને મારુ શરીર એ એક મહિલા જેવુ હતું, મારી ચાલવાની રીત, બોલવાની રીત બધી જ મહિલાઓ સમાન હતી. ઘરમાં બધા મારો ભાઈ બહેન મારો મજાક ઉડાવતા, શેરીમાં બધા મને છક્કો, બાયલો ના કહેવાનું કહેતા. આ સ્ત્રીપણું મારામાં નૈસર્ગિક હતું, મને કોઈ એવો શોખ થયો ના હતો. અમુક બાળકો હોય છે એવા અને તેમાં ખોટું શું છે? આ મારી પસંદ છે, હું જેમ ઈચ્છું તેમ રહી શકું.
અમારો પરિવાર એક સંયુક્ત પરિવાર હતો અને મારા માં જે સ્ત્રીપણું હતું એનો લાભ મારા જ પરિવારના એક સભ્ય એ મારા બાળપણમાં લીધો હતો. મારુ શારીરિક શોષણ કર્યું હતું અને બિભત્સ વિડિયો રેકોર્ડ કરી અને વારંવાર મારા પર અમાનુષી શારીરિક શોષણ કરવામાં આવેલું છે. આ બનાવે મને અંદરથી તોડી મૂકયો અને મારો આત્મવિશ્વાસ ડગી ગયો. હું એ સમયે હવે એક બળવાખોર બનતો ગયો, સ્ત્રીપણું છે મારામાં તો એને મે સ્વીકારીને સ્ત્રીની જેમ રહેવાનું શરૂ કર્યું, શાળામાં સલવાર કમિજ પહેરીને જવું અને લિપસ્ટિક લગાવી, સજવું સવરવું મને ખૂબ ગમવા લાગ્યું. હવે મારો જે મજાક બનતો તેનાથી મને કોઈ જ ફર્ક ના પડતો.
બનારસની કોલેજમાં હું સાડી પહેરીને જતી, હા હવે હું ખુદને સ્ત્રી જ માનું છું એટલે ખુદને સંબોધન પણ સ્ત્રી તરીકે જ આપું છું. ધીરે ધીરે મારા અફેર્સ શરૂ થયા, ખુદના આનંદ માટે નહીં, પુરુષ જાતિ સામે બદલો લેવા માટે, હું તેમની સાથે જાતીય સંબધ બાંધતી અને એ પુરુષોનુ મન ભરીને જાતીય શોષણ કરતી. મારા પરિવારના અમુક સભ્યો મારાથી ત્રસ્ત થઈને મને મારી નાખવાનું આયોજન પણ ઘણીવાર કરી ચૂક્યા છે. જીવનમાં મારુ લક્ષ્ય એક જ રહ્યું હતું, બસ માણસ જાત અને ખાસ પુરુષ જાત સામે બદલો લેવો.
દરેકના જીવનમાં મહત્વનો વળાંક આવે છે અને તમેં ત્યારે ખુદને અને તમારી ખુદની ઓળખ શું છે તેને જાણો છો. આવું જ કઈક મારી સાથે થયું જ્યારે મુંબઈ કિન્નર સમાજના પ્રમુખ સરસ્વતી દેવી, બનારસ આવેલા એક સામાજિક કાર્ય માટે. મારી તેમની સાથે મુલાકાત મારા એક મિત્ર પુરુષોતમે કરાવેલી અને એ મુલાકાતે મારા જીવનની દશા અને દિશા બન્ને બદલી નાખી છે. આજે હું જે કાઇ પણ છું એ સરસ્વતી દેવીના માર્ગદર્શન અને હિંમતના કારણે છું. સરસ્વતી દેવીએ મને જોઈને એક જ સવાલ પૂછ્યો, “મેરે સાથ, કામ કરેગી, ઇજ્જત ભી મિલેગી ઓર નામ ભી મિલેગા.” “રોજ લિપસ્ટિક ઓર સજને સવરને કો મિલેગા તો મે આપકે સાથ આઉગી.” મે તેમને મારી નાદાનતામાં ઉત્તર આપ્યો. તેઓ ફક્ત મારી સામે હસ્યાં અને મારા માથા પર હાથ મૂકીને કહ્યું, “બહોત આગે જાયેગી, સહી રાસ્તે પે ચલતે રેહના.”
એ દિવસથી હું એમની સાથે જોડાઈ અને સમાજસેવા ક્યારે મારા માટે મારુ મુખ્ય કાર્ય બની ગયું મને હજી સુધી યાદ નથી. લિપસ્ટિક અને સજવા સવરવાની લાલચે આવેલી હું સુષ્મા આજે કિન્નરોના હક માટે આખા ભારતમાં ભ્રમણ કરું છું, હક માટે જાગૃત કરું છું. અમારું પણ અસ્તિત્વ છે જ, જેમ પુરુષ અને સ્ત્રી છે તેમ કિન્નર છે, ભગવાને કોઈ ફર્ક નથી કર્યો તો માણસ કેમ એ ફર્ક કરે છે, અમે રોડ પર નિકળીએ તો, મામા, છક્કા, ગરું, બાયલા અને આવું તો ના જાણે કેટકેટલું અમને કહેવામાં આવે છે. અમે પણ માણસ જ છીએ, ફક્ત દેખાવ પુરુષ જેવો છે અને ગુણ સ્ત્રીના છે એટલે અમને આવી રીતે સંબોધન મળશે?
કિન્નરોને અમે શિક્ષિત કરીએ છીએ, જાગૃત બનાવીએ છીએ, અને સમાજને પણ અમે એજ શિખવીએ છીએ અમને તરછોડો નહીં, અમે પણ તમારો જ એક ભાગ છીએ. હવે તો સરકારે પણ અમને ત્રીજી જાતિ તરીકે બહુમાન આપ્યું છે, સ્ત્રી, પુરુષ અને ટ્રાન્સજેન્ડર તો સમાજ કેમ ડરે છે અમને અપનાવતા?
એક ઇન્ટરવ્યૂમાં મારા પિતાને મારા માટે એક સવાલ પૂછવામાં આવેલો, “તમારો છોકરો, કિન્નર બની આમથી તેમ રખડે છે અને સમાજને બદનામ કરે છે, તમારો પ્રતિભાવ જણાવશો.” “છોકરો હોય કે છોકરી એ તેના જીવનમાં શું કરે છે? તેના બેડરૂમમાં શું કરે છે તેના પર માં બાપ નો શું અધિકાર છે? અમે છોકરાને મોટા કર્યા, સમાજમાં રહેવા લાયક બનાવ્યા તો હવે આગળ એમને જે કરવું હોય એ એમનો અધિકાર છે, મારો છોકરો સુષ્મા આજે જે કાઇ પણ કરે છે તેમા મારો એને પૂરો સહયોગ છે અને મને તેના પર ગર્વ છે.” આ સાંભળી મને મારા પિતાને ગળે લગાડવાનું મન થઈ ગયું, મારા પિતા સાથે મારા સંબંધ ખૂબ જ મર્યાદિત રહ્યા છે પરંતુ આ સાંભળ્યા બાદ મારી તેમના માટેની વિચારસરણી બદલાઈ છે અને એ જાણીને ગર્વ અનુભવું છું કે મારા પિતા મારી સાથે છે.
કિન્નર સમાજ માણસ માટે હમેશાં વંચિત જ રહ્યો છે અને વંચિતતતા દૂર કરવાના અમારા પ્રયાસો હમેશાં શરૂ જ રહેશે. જેમ બાળક જન્મે તો અમારી બધાઈ અને આશીર્વાદ સૌથી વધુ મહત્વના છે તો એ મહત્વ અમારે માણસ સાથે જીવનભર રાખવા છે.
સમય લાગશે આ કામમાં પરંતુ કહેવાય છે કે દરેક મહાન કાર્યમાં સમય લાગે છે પણ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે તે મહાન કાર્યના સ્વરૂપે દેખાય છે.


















































