અમદાવાદ લાલદરવાજા બસસ્ટેન્ડ પર ઊભો હોઉં ત્યારે ત્યાં ઠેર ઠેર ચોંટાડેલા ચોપાનિયા નજરે ચડતા: મહેશ કુમાર એન્ડ પાર્ટી. સમય જતા જાહેરાતમાં લખાતું : મહેશ નરેશ એન્ડ પાર્ટી.
એકવાર એમનો કાર્યક્રમ જોવા મળેલો, ત્યારે મહેશભાઇને બે અવાજમાં ગાતા સાંભળેલા, પણ ત્યારે ફિલ્મ : યારાનાનું ગીત રજૂ કરવા નરેશભાઇ આવ્યા- ફિલ્મમાં અમિતાભ બચ્ચને પહેરેલું તેવું જેકેટ પહેરીને આવ્યા, નાની નાની બત્તીઓથી અંધારામાં ઝગમગાટ ! Total performer !
માઇક્રોફોન સાથે એમની કમાલની મહોબ્બત હતી. તે સમયે આટલી ટેકનોલોજી નહોતી, પણ નરેશભાઇ મંચના એક છેડેથી કૂદીને માઇક પર આવે, માઇકને જમીન સુધી આડું પાડીને ગાય પણ વાયરનો જરાય ખરખરાટ ન આવે.
મને એમને મળવાની તક મળેલી એમની એક ફિલ્મ માટે ગીત લખવા નિમિત્તે. રેશમી લૂંગી ઝબ્બામાં સજ્જ , વાળના ગુચ્છાને અદાથી ઉડાડતા..
પછી તો રાષ્ટ્રપતિભવનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં એમના સહપ્રવાસી બનવાનુંય થયું. ને અમદાવાદમાં ફિલ્મ એવોર્ડના કાર્યક્રમમાં પણ મળવાનું થયું.
આ બંધુઓ જ્યારે સંગીતક્ષેત્રે આવ્યા ત્યારનો સમય એમને માટે સદંતર પ્રતિકૂળ હતો. એ કેવો હતો એમો અંદાજ કદાચ આજની પેઢીને નહીં આવે. નાના ગામડામાં કાર્યક્રમ કરવાથી માંડીને વિદેશમાં પ્રભાવક સ્ટેજ શો સુધીની સફર સરળ નહોતી. ગુજરાતી ફિલ્મ સંગીત ક્ષેત્રે પ્રવેશ પછી નરેશભાઇ સિનેમાના પરદે અભિનેતા તરીકે ચમક્યા ને સતત ચમકતા રહ્યા. અવિનાશ વ્યાસ – ગૌરાંગ વ્યાસનું સંગીત અને ઉપેન્દ્રભાઇ – અરવિંદભાઇનો અભિનય ગુજરાતી ફિલ્મના માઇલસ્ટોન છે. એ પછી આ બંધુઓએ આ બંને ક્ષેત્રે પોતાની ઓળખ ઊભી કરી ને સફળ થયા.
પ્રતિભાને સંઘર્ષે બૂઠ્ઠી ન કરી , ધાર કાઢી.
સંઘર્ષના રોદણા નહીં, પ્રતિકૂળતાની ફરિયાદ નહીં. કેવળ સાતત્યપૂર્ણ સંઘર્ષ. આ ઉદાહરણ આજના તમામ કલાકારોને માટે પ્રેરણારુપ છે.
Related