છળ કપટ એ કોઈ સાધારણ શબ્દ નથી. માનવ મગજની અસંખ્ય ઉપજોમાંની એક ઉપજ છે. સ્વાભાવિક રૂપે પોતીકાઓ માટે જલ્દી પેદા થતી એક ઘૃણા છે. આજનો માનવી જ્યારે મગજના વિવિધ વિકારોથી પીડાય છે તેમાનો જ આ એક વિકાર છે.
અહંકાર, હુંપણું, લઘુતાગ્રંથિ, સર્વશ્રેષ્ઠ હોવાનો ભ્રમ વગેરે વિકારો દુનિયામાં કોઈના પણ સંદર્ભમાં થાય છે પરંતુ છળ કપટ ખાસ કરીને પોતાનાઓ માટે વિશેષરુપે થાય છે.
છળ કપટ ખાસ કરીને ભાઈ ભાઈ, ભાઈ બહેન, પતિ પત્ની, સગા સંબંધીઓ વચ્ચે વિશેષરૂપે જોવા મળે છે. એ સિવાય પોતાના માતા પિતા , વ્યવસાય, સહકર્મીઓ સાથે થવાના કિસ્સાઓ દિવસે દિવસે વધી રહ્યા છે.
શુ હોઈ શકે મુખ્ય કારણ ?
મારુ એ મારું અને તારા માં મારો ભાગ આ હીનભાવનાઓ મુખ્યત્વે મનુષ્ય ને કપટી બનાવે છે . પરિવાર માં જ્યારે કોઈ વ્યક્તિ નું યોગદાન ઢીલાશ થી લેવામાં આવે ત્યારે આવી વૃત્તિઓ જન્મ લે છે. કપટી મનુષ્ય ક્ષણિક લાભ માટે ઈશ્વર ના નિયમો ને નેવે મૂકી ને સહજતાથી સામેલી વ્યક્તિનું ઉત્તરોત્તર નુકસાન કરતો જાય છે. રહેઠાણ, સંપત્તિ, જમીન જાયદાદ, જોરું, વગેરે આ માટે નિમિત્ત બને છે.
સત્ય તો એ છે કે કપટી મનુષ્ય જાણે અજાણે પોતાનું જ નુકસાન કરતો હોય છે, ભવિષ્ય માં પોતાની બરબાદી ની એ તૈયારીઓ જાતે જ નિર્મિત કરે છે. શાસ્ત્રો માં પણ ઉલ્લેખ છે દેવરાજ ઇન્દ્ર એ વાસના પૂર્ણ કરવા કપટ રચ્યું હતું જેનું પરિણામ માતા અહલ્યા ને ભોગવવું પડ્યું હતું પરંતુ તેઓ ને આજે પણ માતા તરીકે જ જોવામાં આવે છે અને સાક્ષાત ભગવાન રામ દ્વારા તેઓનો ઉદ્ધાર થયો હતો, પરંતુ ઇન્દ્ર ને આજે પણ એક અપરાધી તરીકે જોવામાં આવે છે.
મહાભારત માં પણ કૌરવો દ્વારા કપટ રચવામાં આવ્યું , પાંડવો એ ભલે જીવનપર્યંત તકલીફો ઉઠાવી પણ તેઓનાથી જ ધર્મ નો પાયો નખાયો અને નવા રાષ્ટ્ર નું નિર્માણ થયું, ભગવાન સ્વયં એમના પક્ષ માં હતા અને આજે પણ કૌરવો ને હીન દ્રષ્ટિ થી જોવામાં આવે છે ..આવા અસંખ્ય દાખલાઓ જેમકે કંસ, રાવણ, કામદેવ, પોન્ડરીક, વગેરે આજે પણ હીન મનુષ્યો માં પોતાની ગણના કરાવે છે !
આ લેખ નો સાર એ છે કે મનુષ્ય એ પોતાના મન પર પ્રબળ સંયમ રાખવો જોઈએ અને ધર્મ ના માર્ગ થી વિચલિત ના થવું જોઈએ, માનવ જીવન માત્ર જન્મ અને મૃત્યુ વચ્ચે નો ખેલ નથી, આપણે કેવું જીવ્યા એની અસર ભવિષ્ય માં આપણી માટે ની મર્યાદા નક્કી કરવાનું માપદંડ છે, તો મિત્રો છળ કપટ થી દુર રહી ઈશ્વરે આપેલ અનમોલ ભેટ ને સાર્થક બનાવીએ અને એક ઉમદા રાષ્ટ્ર નું નિર્માણ કરીએ.


















































