નવ ગ્રહોમાં હંમેશાથી શનિને પાપી ગ્રહોનો સરતાજ કહેવામાં આવે છે પરંતુ હકીકતમાં તો તેઓ ન્યાયના દેવતા છે. લાલ કિતાબમાં રાહુ અને કેતુને તેમના એજન્ટ (સેવક) કહેવામાં આવ્યા છે. જો આ ત્રણ ગ્રહો મળી આવે તો તે એક ખતરનાક પરિસ્થિતિ સર્જે છે. શનિ શુક્રનો મિત્ર છે અને શુક્ર તેનો મિત્ર છે. બુધ આ પાપી ગ્રહો સાથે તેમના સ્વભાવ પ્રમાણે જોડાય છે અને તેમના જેવા બને છે. તેથી જો રાહુ, કેતુ શનિના સેવક છે તો બુધ અને શુક્ર શનિના મિત્રો છે. બુધ, શુક્ર, રાહુ, કેતુ શનિના મિત્રો, ગુરુ સમમૈત્રી રાખનાર તથા સૂર્ય, ચંદ્ર અને મંગળ શનિના પરમ શત્રુ ગ્રહો છે.
જ્યોતિષ શાસ્ત્રમાં, શનિદેવને કળિયુગના ન્યાયાધીશ કહેવામાં આવે છે. તે સર્વોચ્ચ મેજિસ્ટ્રેટ છે અને માણસને તેના પાપો અને દુષ્ટ કાર્યો અનુસાર સજા કરે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર શનિદેવને કારણે ભગવાન ગણેશનું શિરચ્છેદ કરવામાં આવ્યું હતું. ભગવાન રામને પણ શનિદેવના કારણે વનવાસ જવું પડ્યું હતું. મહાભારત કાળ દરમ્યાન પાંડવોને જંગલમાં ભટકવું પડ્યું, ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યને પણ કષ્ટ ભોગવવું પડ્યું, રાજા હરિશ્ચંદ્રને સ્મશાનમાં રહેવું પડ્યું અને રાજા નલ અને રાણી દમયંતીને દુખી જીવન સહન કરવું પડ્યું.
શનિને સૂર્ય પુત્ર કહેવામાં આવે છે. જ્યોતિષમાં શનિને ક્રૂર અને પાપી ગ્રહ કહેવામાં આવે છે, પરંતુ તે સૌથી શુભ ગ્રહ પણ છે. લાલ કિતાબ મુજબ દસમા અને અગિયારમા સ્થાનનો કારક શનિ છે તથા આઠમું અને દસમું સ્થાન તેના પાક્કા ઘર છે. મકર અને કુંભ રાશિ પર શનિની માલિકી છે. લાલ કિતાબ મુજબ કુંડળીના પહેલા સ્થાનમાં મેષ રાશિ આવે છે, જ્યાં શનિ નબળો પડે છે. આથી ઊલટું સાતમા સ્થાનમાં તે ઉચ્ચનો હોય છે. શુભ યોગ હોવા પર, શનિ વ્યક્તિને ધનિક બનાવે છે, જ્યારે અશુભ યોગમાં તેને બરબાદ કરી નાખે છે. જ્યારે રાહુ કે કેતુ સાતમા ઘરમાં હોય છે ત્યારે શનિ વધુ અશુભ બને છે. ચોરી, દેવું, બંધન, જેલ, મૃત્યુ, મુકદ્દમો વગેરે શનિની અશુભ અસરના પરિણામો છે. સૂર્ય-શનિના ટકરાવમાં શુક્ર(પત્ની)ને હાનિ પહોંચે છે.
શનિ એ ન્યાયના દેવતા છે, જે તમારા અગાઉના કર્મોને આધારે તમારી જન્મકુંડળીમાં જે તે સ્થાનમાં બિરાજીને એ મુજબનું ફળ આપે છે. ગોચરમાં તમે સાડાસાતીમાંથી પસાર થઈ રહ્યા હોવ કે ઢૈયામાંથી, પરંતુ જો તમારા કર્મો સારા છે, તમે શરાબ-શબાબ-કબાબથી દૂર રહો છો અને નિત્ય સુકર્મ કરો છો, તો શનિ તમને જરા પણ હાનિ પહોંચાડશે નહી. શનિ ગુનેગારોને દંડિત કરે છે તો પ્રાયશ્ચિત કરનારને ક્ષમા પણ આપે છે. આથી શનિથી ડર્યા વગર સત્કર્મો કર્યે જાવ… શનિ આપકે સાથ હૈ…
લાલ કિતાબ મુજબ શનિ સંબંધિત વ્યવસાય અને કારકિર્દી
- શનિને કર્મનો સ્વામી કહેવામાં આવે છે. તે સેવા અને નોકરત્વનો કારક છે.
- કાળો રંગ, કાળું નાણું, લોખંડ, લુહાર, મિકેનિક, મશીન, ફેક્ટરી, કારીગર, મજૂર, પીકર, લોખંડનાં સાધનો અને માલ, જલ્લાદ, લૂંટારો, જજ વગેરે શનિની માલિકીમાં છે.
શનિની કારકતા
- શનિ એ ભૈરવ મહારાજનું પ્રતીક છે અને પાપી ગ્રહો પર આધિપત્ય ધરાવનાર છે.
- તીક્ષ્ણ હથિયાર, આંખ, કાકા, કાગડો, કૂતરો, માછલી, ભેંસ, મગર, સાપ, જાદુ, પ્રાણીશાસ્ત્ર, ખજૂર, વેદી, વૃક્ષો, લાકડું, છાલ, ઈંટ, સિમેન્ટ, પથ્થર, કપાસ, નીલમ રત્ન, માદક દ્રવ્યો, માંસ, વાળ, ચામડી, તેલ, પેટ્રોલ, ભાવના, મદિરા, દ્રાક્ષ, ચણા, અડદ, બદામ, નાળિયેર, જૂતા, ગાંઠ, ઈજા, અકસ્માત શનિ સાથે સંબંધિત છે.
- કાળું નાણું, લોખંડ, તેલ, દારૂ, માંસ અને ઘર વગેરે શનિ સંબંધિત વસ્તુઓ છે.
- ભેંસ, સાપ, માછલી, કાગડો અને મજૂર વગેરે શનિ સંબંધિત પ્રાણી છે.


















































