ભારતમાં બનતી મીઠાઈઓમાં સૌથી વધુ કાજુ કતરી બધાને ભાવતી હોય છે. દરેક તહેવાર પર લોકો કાજુ કતરી ઘરે લાવતા હોય છે. માત્ર કાજુ કતરીનું નામ સાંભળતા જ લોકોના મોંઢામાં પાણી આવી જાય છે. ત્યારે આજે અમે આપને જણાવીશુ કે ઘરે જ કેવી રીતે કાજુ કતરી બનાવશો..

કાજુ કતરી એક પરંપરાગત ભારતીય મિઠાઈ છે જેના વગર દિવાળીનો તહેવાર અધૂરો છે. તેને ઘરે બનાવવામાં બહુ મહેનતની જરૂર નથી અને બનાવવામાં પણ સરળ છે.
સામગ્રી:
1 કપ કાજુ
અડધો કપ ખાંડ
1/4 ચમચી એલચી નો પાઉડર
1/4 કપ પાણી
ઘી
કાજુ કતરી બનાવવા માટે સૌથી પહેલા તમે ફ્રેશ કાજુ લઇ લો. તમે શેકેલા કાજુ પણ લઇ શકો છો. એને મિક્સરની મદદથી પાવડર જેવું દળી લો. પછી એને ચારણીથી ચાળી લો. એક કડાઈમાં મધ્યમ આંચ પર ખાંડ અને પાણી ઉકાળો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને સતત ચમચાથી હલાવતા રહો. હવે તેમાં કાજુના પાઉડરને મિક્સ કરો. આ સાથે જ તેમાં એલચીનો પાઉડર પણ એડ કરો…
જો તમે કેસર વાળા ફ્લેવરની કાજુ કતરી બનાવવા માંગો છો તો તમે કેસરને પાણીમાં ઓગાળીને તે પાણી એડ કરી દો. હવે આ મિશ્રણને સતત હલાવતો રહો. પાકવામાં લગભગ 5-7 મિનિટનો સમય લાગશે. હવે ગેસને બંધ કરીને આ મિશ્રણને થાળીમાં પાથરો. થાળીમાં પાથરતા પહેલા થાળી પર ઘી લગાવો. જે બાદ આ મિશ્રણ એડ કરો. મિશ્રણને વેલણથી 1/3 ઇંચ મોટા ગોળ આકારમાં વણો. સરળતાથી વણવા માટે મિશ્રણની ઉપર બટર પેપર પણ રાખી શકો છો.
તેને ચાકૂનો ઉપયોગ કરીને ચોરસ ટુકડાઓમાં કાપો. તેને 3-4 મિનિટ માટે ઠંડી થવા દો તો તૈયાર છે કાજુકતરી…


















































