એક દિવસ મલયનો મેસેજ આવે છે,“મને માફ કરી દેજે..કદાચ આ વાત સાંભળીને તને દૂ:ખ થશે..પણ હવે મારાથી આ વાતને મનમાં સંગ્રહીને રાખી શકાઈ તેમ નથી.મારા જીવનમાં કોઈ બહુ ખાસ વ્યક્તિ છે જેની સાથે મારા જીવનને વધુ જીવંત બનાવું છે…મારા આવેગોને તેનામાં રોપવા છે.સુખ–દુ:ખની વહેંચણી કરવી છે…એને છંદની જેમ મારી કવિતાઓમાં ભરવી છે..મારે એને કહી દેવું છે કે આ કવિની કલમમાં શાહી જેવુ સ્થાન છે તારું..એ વ્યક્તિ મને મળશે કે નહિ ખબર નથી પણ તેના સિવાય આ સ્થાનમાં શૂન્યતા જ રહેશે..મને માફ કરશો હું કોઈને આ સ્થાન આપી ચૂકયો છું.”
તેજલ નિસ્તેજ બની ગઈ અને વિચારતી હતી કે તેને કઈ રીતે પ્રતિક્રિયા આપવી..શુભકામનાઓ આપવી કે શોક મનાવવો..! આ વમળો ચાલતા હતા ત્યાં જ ફરી મલયનો મેસેજ આવ્યો..
“તમે જરૂર આ વ્યક્તિને મળવાની ઇચ્છા ધરાવતા હશો..તો જાઓ અરીસાની સામે ઊભા રહીને એ પ્રતિકૃતિને મળી આવો અને વળતી વખતે તેનો જવાબ પણ લેતા આવજો.”
તેજલના ચહેરા પર ચાંદ ઢોળાયો હોય એટલું તેજ અને ચાંદનીની ચમક જેટલી શરમ હતી..લાલાશથી છલકાતો ચહેરો કેટલો સોહામણો લાગતો હતો…હામી ભર્યા મેસેજમાં હાર્ટનું ઇમોજી મોકલી દીધું.
વ્હાલની વાતો હવે જન્માક્ષરની આપ–લે સુધી પહોંચી ગઈ…અને તેજલે મનોમન પોતાના ભવિષ્યની રોમાંચિત ક્ષણોની ઉજવણી પણ આરંભી દીધી.
એક વર્ષ વીતી ગયું અને તેજલને જણાતું હતું કે આજકાલ મલય કઈક ઠીક નથી લાગતો એટલે એણે દબાણપૂર્વક મળવા માટે આવવાનું કહ્યું. મલયએ સ્પષ્ટ ના પાડી તેમ છતાં તેજલનો આગ્રહ હતો કે..તેણે મલયને આવવા માટે બે પંક્તિઓ લખી મોકલી..
“એની પગદંડી એ આંખ ટેકવીને બેઠી છું,
એ આવશે ? હું રાહ જોઈને બેઠી છું.”
આનો ન જવાબ આવ્યો કે ન મલય આવ્યો..નિશ્ચિત જગ્યા પર દોઢેક કલાક રાહ જોઈ અને મલયનો ફોન આવ્યો..
(ક્રમશ:)
હિરલ જગડ

















































