ભીની ભીની રેતી પર ઉપસેલા પગલાં યાદ હશે ને!
“કમ્મરમાં હાથ પરોવી ચાલ્યા”ની અફવા યાદ હશે ને !
પગલાં સાથે પગલું ભરતા,જોઈને મોજાં ખીજાતા,
મોજે મોજે ભીંજાયાની ભીની ઘટના યાદ હશે ને!
પાણીમાં તરતા તરતા તેં ડૂબકીની શરતો મારી ત્યાં,
ધ્યાન લગાવી ઊભા રહેલા ધોળા બગલા યાદ હશે ને!
મેં મક્તામાં નામ લખ્યા’તા છાનાં છપનાં તારા મારાં
ને મહેફિલમાં કેવા કેવા ઉઠ્યા પડઘા યાદ હશે ને!
આ ઢળતી સંધ્યાની વેળા ભૂલી છું હું સઘળાં સપના
એક હતી, તુજને વરવાની મારી મનષા, યાદ હશે ને!
પૂર્ણિમા ભટ્ટ