વિસામો
“સર મને માફ કરજો, તમને મૂકીને જાઉં છું. હવે તમને થોડા દિવસ એકલા રહેવું પડશે”
મારા કર્મચારી ગોપાલે એની સૂટકેસ ઉપાડતા મારા માટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું. “સર તમને એકલા ફાવશે ને?”
મેં એના ખભા પર હાથ મુકતા એને આશ્વાસન આપ્યું,
“ગોપાલ તું આરામથી જા, મારી ફિકર નહીં કર. બસ સાત દિવસની વાત છે, પછી હું પણ મારા ઘરે જતો રહીશ.”
કહેવા માટે તો કહેવાઈ ગયું, પણ એ સાત દિવસ અતિશય ખરાબ અને લાંબા હતા.
હું એક ફોટોગ્રાફર છું અને કામકાજના કારણે ગોઆમાં રહું છું, જ્યારે કે મારો પરિવાર મુંબાઈમાં છે. દર ત્રણથી ચાર મહિનામાં હું ઘરે જાઉં અને મારા માતાપિતા અને ભાઈ સાથે થોડા અઠવાડિયા પસાર કરું. પણ હાલમાં આ પેંડામિક અને લોકડાઉનના કારણે, હું લગભગ એક વર્ષથી ઘરે જઈ શક્યો નથી. દિવસે દિવસે ઘરે જવાની આતુરતા વધતી જાય છે.
અને જ્યારે લોકડાઉન ખુલ્યું, તો….
“માફ કરશો, પૂરતા મુસાફરો ન હોવાને કારણે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. તમારા પૈસા ટૂંક સમયમાં પરત કરવામાં આવશે.”
આવું મારી સાથે ત્રણ વાર થયું. છેવટે ન છૂટકે મેં મુંબઈ જવા માટે ટ્રેનની ટિકિટ બુક કરાવી. એક એક કરીને મારા ત્રણે કર્મચારીઓ પોતપોતાના ઘરે જતા રહ્યા, અને મારી ટ્રેન સાત દિવસ પછીની હતી, એટલે એકલા રહેવું ફરજીયાત થઈ પડ્યું.
“સૂરજ, તું ઠીક છેને? ત્યાં કાંઈ ડરવા જેવું તો નથીને? આખો દિવસ એકલા તારો સમય કેમ પસાર થાય છે? આજે જમવામાં શું બનાવ્યું?”
મમ્મી પપ્પા રોજ મને ફોનમાં આ જ બધા પ્રશ્ન પૂછતાં. બંને તરફા, અમે બધા મારા ઘરે પહોંચવાની વાટ જોઈ રહ્યા હતા.
એકલતામાં ચોવીસ કલાક પણ અડતાલીસ જેવા લાગતા. કેટલું પણ કામ કરું, ગેમઝ રમું, ફોન પર મિત્રો સાથે વાતો કરું, પણ સમય જાણે આગળ વધવાનું નામ જ નહોતો લેતો. વધુમાં, રોજ રાત્રે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડે, અને પછી કરન્ટ જતો રહે, જેથી ભલભલો માણસ પણ ડરી જાય. વિશ્વાસ કરો, હું ઘરનું બારણું ઉઘાડું રાખીને સૂતો. મેં આખી જિંદગીમાં આટલા કલાકો નથી ગણ્યા, જેટલા મેં એ સાત દિવસમાં ગણ્યા. અને લોકડાઉનના લીધે ક્યાંય જઈ પણ નહોતો શકતો. એકલો, ઘરની ચાર દિવાલમાં કેદ થઈને રહી ગયો હતો.
“હે પ્રભુ, ક્યારે ઘર ભેગો થાઈશ?”
પણ છેવટે મારી મુસાફરીનો સમય આવી ગયો. એક રિક્ષાવાળો નક્કી કરી રાખ્યો હતો, જે મને સ્ટેશન મૂકી ગયો. ટ્રેનમાં ગણ્યા ગાંઠ્યા લોકો હતા. આખા રસ્તે માસ્ક અને ગ્લવ્ઝ પહેરી રાખ્યા અને જે ઘરેથી જમવાનું બનાવીને લાવ્યો હતો, એ જ ખાધું. બાર કલાકે મુંબઈ પોહ્ચ્યો અને ઉબર કૅબ બુક કરી. ઘરે પહોંચતા બીજા અઢી કલાક લાગ્યા.
ભલે કોઈને ગળે ન મળી શક્યો, પણ ઘરમાં દાખલ થવાની સાથે અમારા બધાના મોઢા પર એક મોટું સ્મિત છવાઈ ગયું અને બધાએ રાહતનો શ્વાસ લીધો. એક વર્ષ પછી, છેવટે મારા જીવને વિસામો મળ્યો.
શમીમ મર્ચન્ટ
____________________________
લેખિકાની નજરે
નમસ્કાર મિત્રો,
કામકાજ અને મોજમસ્તી તમને દુનિયાના અદ્ભુત જગ્યાઓ પર લઈ જઈ શકે છે. પરંતુ એ ફકત કુટુંબ અને ઘર છે જે તમને સાચો વિસામો આપશે.
____________________________