“કમલેશ, તું તો રહેવા જ દે, તારું તો ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન જેવું કામકાજ છે. તારી વાત માનીએ તો તો આબરૂના કાંકરા થાય.”
“સરપંચ, એમ મારે કાંઈ ઉતાવળે આંબા નથી પાક્યા, મે આ કામ માટે આભ ને જમીન એક કર્યા છે.”
“તો પણ બેટા, ઉદ્યમ વિનાનું નસીબ પાંગળું જ કહેવાય, તારી વાત ગામ વાળા માને એટલે ઉપર આભ ને નીચે ધરતી જ સમજી લેવાનું.” એક ડોહા ઉધરસ ખાતા ખાતા બોલ્યા.
“બોલ્યો, બાર વર્ષે બાવો બોલ્યો, કાલે તમારા ફળિયામાં વાત કરી ત્યારે તો તમે રાજી હતા અને આજે? તમારો તો એક પગ દૂધમાં ને એક દહીમાં જ રહેવાનો.”
“કમા, તું આ બધુ રહેવા દે, કજિયાનું મોઢું હમેશાં કાળું જ રહે.” નબુબા છિકણી સૂંઘતા સૂંઘતા બોલ્યા.
“શાસ્ત્રોમાં ચોખ્ખી મનાઈ આપી છે છોકરા, ઘરમાં જાજરૂ ના હોય. એ પાપ કહેવાઈ પાપ. અમે જીવ્યા કરતાં વધુ જોયું છે. તારી વાત માનીને આખું ગામ ઉલમાંથી ચુલમાં પડ્યું તો? અત્યારે આખું ગામ સુખી છે ઘરે ઘરે ઘી ના દીવા બળે છે, હસી ઠિઠોળી થાય છે, ભગવાનના નામ લેવાઈ છે તો પછી રામ રાખે તેને કોણ ચાખે.” સરપંચે કડકાઈથી કહ્યું.
“સાચું જ કહ્યું છે આપણાં પૂર્વજોએ, કાગડો ગમે તેટલો ઉજળો થાય એ હંસ ના બને, કપાળ પ્રમાણે ટીલું કરાઈ પણ એ વાત હું અહિયાં ભૂલી ગયો. અત્યારે તમને મારી વાત નકામી લાગે છે ને પણ યાદ રાખ જો કડવું ઓસડ મા જ પાય. બાજુના ગામમાં જે લાખાની છોકરી પરોઢિયે ખેતરે ગઈ અને નરાધમોએ પીંખી નાખી ભગવાન ના કરે કે એવું આ ગામની કોઈ છોકરી સાથે થાય, ચેતતા નર સદા સુખી. બાકી તો રાંડયા પછીનું ડહાપણ નકામું.”
સુનિલ ગોહિલ “માસ્તર”


















































