સૂર્યાસ્તને થયે હજી એકાદ કલાક જેવું થયું હશે એવા સમયે સમાજની નજરમાં થોડા ઘણાં જ્ઞાની એવા બે સજ્જન પુરુષો વચ્ચે એક નાની તકરાર થઈ રહી હતી જેમાં એક સજ્જન ચંદ્રમાને બતાવીને કહેતો હતો, આજનો ચંદ્રમા વૈશાખ સુદ બીજનો છે એટલે તેના દર્શન અતિ લાભદાયી છે. એમ માનવામાં આવે છે કે બીજના દિવસે સ્વયં મહાદેવ આકાશમાં સાક્ષાત હોય છે અને આ ચંદ્રમા તેમના મસ્તક પર બિરાજમાન હોય છે એટલે આજનો ચંદ્રમા અમારી માટે વધારે પવિત્ર છે.
આ બાજુ બીજો સજ્જન કહેતો હતો આજે ઈદ-ઉલ-ફિત્રના દિવસે અમારી માટે આ ચંદ્રમાના દર્શન અત્યંત મહત્વના છે, રમઝાનના મહિનાના અંતે ઈદ સાથે આવતો આ ચંદ્રમા દરેકના પરિવારમાં હર્ષ ઉલ્લાસનું અને ઉમંગનું વાતાવરણ લાવે છે એટલે આજનો ચંદ્રમા અમારી માટે વધારે પવિત્ર છે.
ઈદનો ચંદ્રમા પવિત્ર કે વૈશાખ સુદ બીજનો એ તકરારથી અજાણ, ગોળાર્ધના પોણા ભાગ કરતા વધારે આચ્છાદિત એવો એ પવિત્ર ચંદ્રમા, પૃથ્વી અને તેના દરેક સજીવો પર સમાન દ્રષ્ટિ રાખી અમૃતમયી શીતળ ચાંદનીની પ્રેમ વર્ષા કરતો મલકાતો મલકાતો ક્ષિતિજથી થોડે ઉપર, થોડા ઘણા તારાઓના સમૂહ સાથે રાત્રીમાં વ્યોમ વિહાર કરી રહ્યો હતો.
કેતવ જોષી


















































