ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે એ આપણે સૌ જાણીએ છીએ. ૧૮ વરસથી ઉપરના આપણે સૌ આપણો “કિંમતી” મત એક “અભણ” નેતાને આપીને દેશનું બાવડું એમના હાથમાં સોંપીએ છીએ. આજનો યુગ એવો છે કે જેમાં અભણ અનુભવી માણસ સામે ભણેલો બિનઅનુભવી માણસ મોટો ગણાય છે! દિવસે ને દિવસે કામની જગ્યાએ કાંડ થતાં જોવા મળે છે અને સમાચારપત્રના ફ્રન્ટ પેજ ઉપર ચોખ્ખા અક્ષરે લખ્યું હોય કે ફલાણા ફલાણા નેતાએ આ ઘોટાળો કર્યો છે, છતાં પણ આપણે મૂરખ લોકો ચુંટણીના સમયે એ ભિખારી નેતાઓના કટોરામાં આપણો “કિંમતી” મત નાખીએ છીએ!
આપણે ક્યારેય એ વિચાર્યું છે કે ૫૦૦ કરોડના ગાર્ડનની આપણને શું જરૂર? ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાની શું જરૂર? જ્યારે સરદાર પટેલ જીવતા હતા ત્યારે એમણે પોતાનું જીવન સાદાઈથી જીવીને દેશની સેવા કરી હતી, એમણે એમ નહોતું કીધું કે દેશની પ્રજા એક ટાણું ભલે ભૂખી રહે પણ મારી પ્રતિમા બનાવજો! ૧૦૦૦-૨૦૦૦-૩૦૦૦ કરોડના પ્રોજેકટો બનાવી બનાવીને આજે દેશની ૧૯ કરોડ જનતા રાત્રે ભૂખ્યા પેટે સુવે છે શું આ બાબત યોગ્ય છે? “ભાઈઓ બહેનો.. તમે સવારે ઉઠજો.. ઘરે ઘરે સૌચાલય હશે!” આવા જાતજાતના સૂરો થકી અમુક નેતા દેશને બરબાદી તરફ લઈ જઈ રહ્યા છે. કરવેરો, ઘરવેરો, પાણીવેરો.. આવા વેરાઓ રૂપે ૭૦૦ રૂપિયા ફી ઉઘરાવે અને કોઈ નવી યોજના બહાર પાડી ગરીબોના ખાતામાં ૫૦૦ રૂપિયા દાન કરે આવી સરકાર શું કામની?
૨૫-૨૬ વરસ સુધી જિંદગીમાં કંઇક ખુશી મળે એટલે અલગ અલગ પરીક્ષાઓ પાસ કરીએ છીએ પણ અંતે શું મળે છે? આ વરસે પરીક્ષા લેવાણી હોય પણ ભરતી આવતા વરસે થાય! અને એકની એક પરીક્ષા કેન્સલ થઈને વારંવાર લેવામાં લાવે કારણ કે, પરીક્ષાના દિવસે જ સવારે કોઈ નેતાના સુપુત્રએ પાસ થવા માટે પેપર લીક કરી નાખ્યું હોય! ૩૦ વરસના થાય ત્યારે માંડ માંડ નોકરી મળવાનું થાય પણ જોઈએ તો ખબર પડે કે સરકારી નોકરી માટેની ઉંમર મર્યાદા ૨૯ વરસની હતી! પછી જિંદગીભર બે ટાણાના ભોજન માટે કાળી મજૂરી કરવાની. આ બધું થાય છે શા માટે? આપણે જે “કિંમતી” મત આપીએ છીએ એના માટે..
હમણાં થોડા દિવસ પહેલા રેમડેસિવિર ઇન્જેક્શન એક નેતા દ્વારા જ કાળી બજારી સ્વરૂપે વહેંચાતું હતું અને એની બીજી બાજુ આ ઇન્જેક્શન લેવા માટે હોસ્પિટલોની બહાર ૩-૩ કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. જ્યારે આ બાબતે રાજ્યના મુખ્યમંત્રીને પૂછવામાં આવ્યું તો કહે, “એ તમે એમને પૂછો મને કંઈ નથી ખબર!” ધોળે દિહાડે લાખો લોકોની મેદની વચ્ચે રેલીઓ યોજે છે અને એકબીજાની પાર્ટીઓ વિરુદ્ધ કટાક્ષી યુદ્ધ રમતા આપણા દેશના નેતાઓ રાત્રે એક જ થાળીમાં જમે છે અને આપણે આપણો “કિંમતી” મત આવા લોકોને આપીને એની ફાંદ ફુલાવીએ છીએ!
આજે દુનિયામાં દર પાંચ મિનિટે કોરોનાથી એક માણસ મૃત્યુ પામે છે, આજુબાજુ આવેલી હોસ્પિટલે જઈને જોશો તો શોર બકોર “હે સાહેબ અમને એક રૂમ આપો.. હે સાહેબ અમારી મદદ કરો” આવા સૂર અને એમની લાચાર આંખે દુઃખની સરવાણી વહેતી દેખાશે.
જુદી જુદી અઢળક યોજનાઓ ઘડીને હજારો કરોડો રૂપિયાનો બગાડ કર્યો છે અને અત્યારે એનું ફળ આપણે જોઈએ જ છીએ કે કેવું મળે છે! પ્રાણવાયુંની શોધમાં આજે માણસ દરબદર ભટકે છે. મેડિકલ ફંડિંગ માટે જે બજેટ જાહેર કરવામાં આવે છે તેના ઉપર આપણે ક્યારેય રિસર્ચ કર્યું? નહિ ને.. આજે જે દવાખાને જઈને જોઈએ ત્યાં સારવાર માટેના પૂરતા સાધનો નથી મળી રહ્યા! તો મેડિકલ ક્ષેત્રે વાપરવા જાહેર કરેલા આ બજેટનું થયું શું?
સફેદ કપડાં, ખભે ખેસ, કાળા ચશ્મા નાખીને લાખો લોકોની મેદની ભેગી કરે છે, શું અહી કોરોના ફેલાતો નથી? આપણે સૌ ભગવાનને દોષ દેતા ફરીએ છીએ કે “હે પ્રભુ તે કેવું કર્યું!” ક્યારેય એ વિચાર્યું છે કે આવા નેતાઓએ કોરાના મહામારીમાં પણ પોતાની રેલીઓ શરૂ રાખી અને કોરોના સંક્રમણને વધવા માટે રસ્તો મોકળો કર્યો. ભગવાનને દોષ દેવા કરતા આવા અભણ અને નિચ્ચ નેતાઓને દોષ દો!
દેશમાં ભૂખમરો, મેડિકલ ક્ષેત્રે સાધનોનો અભાવ, ઓક્સિજનનો અપૂરતો જથ્થો, બે ટંકના ખાવાના ફાંફા, બેરોજગારી આવી બધી મુશ્કેલીઓ વચાળે આપણે સૌ આજે પસાર થઈએ છીએ તો આ બધું કરવા માટે જ આપણે દેશના અભણ નેતાઓને વોટ આપીએ છીએ? આજે દેશના મોટા મોટા નેતાઓને આપણે સૌ ગાળો દઈએ છીએ પણ જ્યારે ચુંટણી આવશે કે એના મીઠા મીઠા ભાષણ “ભાઈઓ બહેનો..” માં ભાવુક બનીને વહી જઈશું! એનું શું?
જે વ્યક્તિને એક ભાષા શુદ્ધ રીતે બોલતા નથી આવડતી એ રાજ્યની રાજગાદી ઉપર બેસીને રાજ્યનું શું ખાક ભલું કરી શકશે? તો પણ આપણે તો ભણેલા બનીને પણ મૂરખ બનીએ છીએ અને આપણો “કિંમતી” વોટ એને આપીએ છીએ. એટલા સમજદાર છો તો થોડું વિચારો કે દેશની આવી હાલત થવા પાછળ કારણ શું છે? કોરોના મહામારી વિશ્વભરમાં ફેલાયેલી છે પણ અમુક દેશોએ આ મહામારીને કાબૂમાં લઈ લીધી છે જ્યારે આપણા દેશમાં? છેલ્લા શબ્દોમાં કહું તો આવા નેતાઓ અને દેશની સરકારના લીધે દેશની પરિસ્થિતિ એટલી ખરાબ બની ગઈ છે કે આજે લોકોને ભગવાન ઉપરથી પણ વિશ્વાસ ઉઠવા લાગ્યો છે.
આ બધા પાછળ સાહેબ આપણો જ વાંક છે.. આપણે વોટ દઈને ટચલી આંગળી સાથે સેલ્ફી લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને મુક્ત થઈ જઈએ છીએ. જરા શરમ કરીએ, થોડું વિચારીએ અને યોગ્ય વ્યક્તિને દેશની કમાન થોપીએ કે જેથી કરીને આવી ખરાબ સ્થિતિમાં દેશની જનતા ઓછી હેરાન થાય!
દીપ ગુર્જર


















































