જગત કે સંસારની એક મોટી કમનસીબી કે કરુણતા એ છે કે એકનું સત્ય બીજાને અસત્ય લાગે છે. એટલે ખબર જ નથી પડતી કે સાચું શું છે અને સત્યનું વાસ્તવિક સ્વરૂપ શું છે. આમ પણ સત્ય કદાપિ જડ ઇન્દ્રિયોની પકડમાં આવી શકે જ નહીં કેમકે ઇન્દ્રિયોની એક સીમા છે જ્યારે સત્ય અસીમ છે. આપણે દરેક પદાર્થને તેના ગુણધર્મને આધારે એટલે કે રંગ રૂપ આકાર વગેરેને આધારે ઓળખવા ટેવાયેલા છીએ. પરંતુ સત્યનો તો કોઈ આકાર કે રંગ રૂપ છે જ નહિ તો તે દેખાય કે ઓળખાય કેવી રીતે. સામાન્ય સમજણ અનુસાર જો સાક્ષાત્કાર શબ્દને સમજીએ તો સાક્ષાત એટલે પ્રત્યક્ષ કે રૂબરૂ અને આકાર એટલે સ્વરૂપ. આમ કોઈ વસ્તુ, વ્યક્તિ કે તત્વને સ્વરૂપથી ઓળખવું કે રૂબરૂ થવું અથવા પ્રત્યક્ષ રીતે તે આકાર કે સ્વરૂપને જોવું તે સાક્ષાત્કાર કહેવાય. સાક્ષાતકારના આપણા અર્થ અનુસાર સત્યને તેના યથાર્થ સ્વરૂપમાં સમજવું કે અનુભવવું એટલે સત્યનો સાક્ષાત્કાર. વસ્તુ, વ્યક્તિ, તત્વ કે પરિસ્થિતિ જેવી છે તેવી જ જો સમજાય તો સત્ય પકડમાં આવ્યું કહેવાય. જીવનમાં સત્યનો સાક્ષાત્કાર જો એક વાર પણ થઈ જાય તો આપોઆપ જીવનમાંથી તમામ પ્રકારની સમસ્યાઓ મુશ્કેલીઓ તકલીફોનો અંત આવી જાય. પરંતુ મેં અગાઉ કહ્યું એમ સંસારમાં એકનું સત્ય બીજાને અસત્ય ભાસે છે કેમકે દરેક વસ્તુ કે પરિસ્થિતિને જોવા સમજવા કે અનુભવવા માટેની દરેકની ક્ષમતા જુદી જુદી હોય છે. આંધળાને જો જગત ન દેખાય કે સૂરજ-ચાંદ ન દેખાય તો એનો અર્થ એ નથી કે તેનું અસ્તિત્વ નથી. સામાન્ય રીતે આપણને જે દેખાય તેને જ આપણે સાચું માનતા હોઈએ છીએ પરંતુ દેખાવાની ક્ષમતાનો આધાર આંખોની શક્તિ પર રહેલો છે જે દરેકની જુદી જુદી હોઈ શકે. વળી ઈશ્વરની પ્રકૃતિમાં તો જે દેખાય છે તે હોતું નથી અને જે હોય છે તે દેખાતું નથી. જેથી સત્ય પકડમાં આવે કેવી રીતે?
વધુ આધ્યાત્મિક સ્તરે ન વિચારીએ તો પણ એ તો આપણા સૌનો અનુભવ હશે જ કે જે વ્યક્તિ એકાદ મુલાકાતમાં આપણને સારી દેખાય છે તે મોટે ભાગે લાંબે ગાળે સારી અનુભવાતી નથી જયારે કોઈ વ્યક્તિ પહેલી નજરે સારી ન લાગે પરંતુ અનુભવે લાંબે ગાળે સમજાતું હોય છે કે આના જેવી સજ્જન વ્યક્તિ તો મળવી મુશ્કેલ છે. આમ સત્ય આપણી પકડમાં યથાર્થ સમયે અને યથાર્થ સ્વરૂપે મોટે ભાગે આવતું હોતું નથી. કદાચ એટલે જ આધ્યાત્મિક જગત જણાવે છે કે સત્યને તેના યથાર્થ સ્વરૂપમાં જોવા દિવ્યચક્ષુની આવશ્યકતા છે. (દિવ્યચક્ષુ એ રાગ દ્વેષ વગરની સમ્યક દ્રષ્ટિ છે) જે આપણી પાસે ન હોવાને કારણે આપણે જીવ, જગત અને જગદીશને તેના સત્ય સ્વરૂપમાં પારખી શકતા નથી અને સાક્ષાત્કારના સુખથી વંચિત રહી જઈએ છીએ. એમ પણ જીવનમાં સાચું જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી અજ્ઞાનનું દુઃખ તો સહન કરવું જ પડતું હોય છે. જેમ કે કોઈ રોગની અસરકારક દવા ન મળે ત્યાં સુધી તે રોગની પીડા સહન કર્યા વગર છૂટકો ન જ હોય. કોરોના સામે લડવા અને ટકવા જ્યાં સુધી કારગત રસીની પ્રાપ્તિ ન થઇ ત્યાં સુધી કોરોના દુઃખી કરતો રહ્યો એ તો આપણે સૌએ અનુભવ્યું.
મને તો લાગે છે કદાચ ઈશ્વર સમયે-સમયે આવી અનેક આફતો કે સમસ્યાઓ સર્જી આપણને સત્યની અનુભૂતિ કે સાક્ષાત્કાર કરાવવાનો જ પ્રયત્ન કરતો હશે. પરંતુ આપણે મંદબુદ્ધિ જીવ એના ઈશારાને સમજી શકતા નથી અને પરેશાન થઈએ છીએ. જેમ આપણે દરરોજ એ જોતા હોઈએ કે સૂર્ય સમયસર ઉગે છે અને ચોક્કસ સમયે આથમે છે એવે વખતે કોઈ બુદ્ધિશાળી માણસ આપણને સમજાવે કે ભલા માણસ સૂર્ય ઉગતો પણ નથી અને આથમતો પણ નથી એ તો સ્થિર જ છે, માત્ર પૃથ્વી ગોળ-ગોળ ફરે છે. તો આપણે તેને સહજતાથી સ્વીકારી શકીશું નહીં કેમ કે આપણો પોતાનો અનુભવ આ વિધાનથી તદ્દન વિપરીત છે. વળી મંદબુદ્ધિ જીવને હંમેશા એ વિચાર આવશે જ કે પૃથ્વી ગોળ હોય અને તે સતત ગોળ ગોળ ફરતી હોય તો આપણે સ્થિર કેવી રીતે રહી શકીએ? ટૂંકમાં આપણી મંદબુદ્ધિ અથવા અંગત અહંકાર (અર્થાત પોતાને ખાસ કે બુદ્ધિશાળી સમજવાની ભૂલ) વાસ્તવિક હોશિયાર અને સમજદાર વ્યક્તિને સ્વીકારવા દેતો નથી અને આપણે તેને મૂર્ખ સમજી બેસીએ છીએ. આ રીતે બે વ્યક્તિના સત્ય જુદા પડે છે જેમાંથી સંઘર્ષ કે ઘર્ષણની યાત્રા શરૂ થાય છે જેનો કોઇ અંત છે નહિ કેમ કે બુદ્ધિશાળી માણસ પોતાનું સત્ય મંદબુદ્ધિને કદી સમજાવી શકતો નથી અથવા કહો કે મંદબુદ્ધિ માણસ કદાપિ કોઈ બાબતને સરળતાથી સમજી કે સ્વીકારી શકતો નથી. આપણા સૌની કમનસીબી કે કરુણતા એ છે કે આપણે આપણી પોતાની જાતને અણસમજુ, અજ્ઞાની કે મંદબુદ્ધિ સ્વીકારી શકતા જ નથી. ઈશ્વર દરરોજ આપણને એવા અનેક અનુભવો કરાવતો રહે છે જેમ કે કોઈ માણસને આપણે સાચો અને સારો સમજતા હોઈએ તે જુઠ્ઠો અને ખરાબ નીકળે, આપણી સાથે વિશ્વાસઘાત કરે, જેને આપણે પોતાના સમજતા હોઈએ તે જ આપણું અહિત કરે, આપણને દુઃખી કરે છતાં આપણે વાસ્તવિકતાને કે સત્યને સમજી શકતા નથી તેમ જ પોતાની જાતને અબોધ અજ્ઞાન કે મંદબુદ્ધિ સ્વીકારી પણ શકતા નથી. ઉલટું સામેવાળા પર દોષનો ટોપલો ઢોળી દઈએ છીએ કે આ માણસ જ દંભી અને વિશ્વાસઘાતી છે જેથી હું તેને ઓળખી શક્યો નહીં.
આપણે કોઈને ઓળખી ન શકીએ એ તો આપણી નબળાઈ કહેવાય જે દૂર કરવાનો પ્રયત્ન આપણે જ કરવો પડે. પરંતુ તેના બદલે ઉલટુ સામેવાળો ખરાબ છે એટલે હું ન ઓળખી શક્યો એમ કહી આપણે આપણા અજ્ઞાન પર પડદો પાડી દઈએ છીએ અને દોષનો ટોપલો સામેવાળા પર ઢોળી દઈએ છીએ જેના કારણે સત્યની અનુભૂતિ વધુ મુશ્કેલ બને છે અને સત્ય આપણાથી વધુ ને વધુ દૂર જતું જાય છે. સાક્ષાત્કાર માટે આપણે ધીરે-ધીરે અસમર્થ બનતા જઈએ છીએ. એટલા માટે શાસ્ત્રો જણાવે છે કે સત્યની અનુભૂતિ કરવી હોય કે ઇશ્વર સાક્ષાત્કાર કરવો હોય તો પોતાના દોષ અને અન્યના ગુણ જોતા શીખવું જોઈએ જેનાથી ફાયદો આપણને જ છે પરંતુ આવી સલાહ આપણા દિલને માફક આવતી નથી જેથી સત્ય પણ પકડમાં આવતું નથી. સત્ય એને જ કહેવાય કે જે અવિનાશી હોય, જેનો નાશ થાય તે કદાપિ સત્ય ન હોઈ શકે એ દૃષ્ટિએ માત્ર ઇશ્વર એક અવિનાશી છે, બાકી સમગ્ર જગત નાશવંત છે. જેથી સત્ય એ માત્ર ઈશ્વર જ છે. હવે ઈશ્વરરૂપી સત્યને પામવું એ જ સાક્ષાત્કાર. પરંતુ ઈશ્વરનો તો કોઈ આકાર કે સ્વરૂપ છે નહિ તો સાક્ષાત્કાર કોનો કરવો કે રૂબરૂ કોનાથી થવું એ પણ એક પ્રશ્ન રહે. એટલા માટે ઇશ્વરના વાસ્તવિકરૂપને ઓળખવો પડે કે તે કોઈ વ્યક્તિવિશેષ નથી કે જેથી તેનો કોઇ આકાર કે સ્વરૂપ હોય, તે તો સનાતન અસ્તિત્વ અને દિવ્યઉર્જા છે પરમશક્તિ છે. જે શક્તિ દ્વારા સમગ્ર જગત ગતિમાન છે. આમ પણ આપણે સૌ આધુનિક યુગના લોકો વિજ્ઞાનને ખૂબ સારી રીતે સમજીએ છીએ એટલે આપણને ખબર છે કે શક્તિ વગર ગતિ હોઈ શકે નહીં. શરીર ચલાવવા શક્તિ જોઈએ, સંબંધો ચલાવવા શક્તિ જોઈએ, ધન કમાવવું હોય તો પણ શક્તિ જોઈએ, કોઈ મશીન કે વાહન ચલાવવું હોય તો પણ શક્તિ જોઈએ. આ શક્તિ વ્યક્ત સ્વરૃપે એટલે કે નરી આંખે ભલે દેખાતી ન હોય પરંતુ તેની હયાતિ હંમેશા રહે છે. જેના કારણે જ સમગ્ર સંસાર ગતિમાન રહી શકે છે. એટલે જ આધ્યાત્મિક જગત કહે છે કે “કણ કણમાં ઈશ્વર છે” કારણ કે તેમને ખબર છે કે પ્રકૃતિના કણ-કણમાં ઊર્જા છે શક્તિ છે, જે ઈશ્વરની હયાતિનું પ્રમાણ છે. એને જોવી અને અનુભવવી એટલે સત્યની અનુભૂતિ અને ઈશ્વરનો સાક્ષાત્કાર.
મારી દ્રષ્ટિએ નીચેની બાબતો દ્વારા સત્યની અનુભૂતિ કે સાક્ષાત્કાર શક્ય બને છે.
૧) સંસારની માયાને સમજી અનુભવવી તે સાક્ષાત્કાર છે અર્થાત સંસાર એક આભાસ છે, છલાવો છે, મૃગજળ સમાન ભ્રમ છે, સર્વ કંઈ મિથ્યા છે કેમ કે અહી જે દેખાય છે તે કાયમી નથી એટલે સાચું નથી એ સમજવું એ સત્યની અનુભૂતિ કે સાક્ષાતકાર કહેવાય. જે સંસાર આપણને સુખમય ભાસે છે તે તો પળે-પળે જીવનમાં દુખ ભરે છે, જે આપણે અનુભવીએ છીએ છતાં સમજી શકતા નથી. એટલે જ સત્ય કે ઈશ્વરથી વિયોગ થાય છે. સત્ય અનુભવવા છતાં જો તેને સ્વીકારી ન શકીએ તો આપણા જેટલું કમનસીબ કે મૂર્ખ બીજું કોણ હોઈ શકે? દાખલા તરીકે સંબંધો અને સંતાનો આપણને સતત પીડે છે છતાં આપણે અપેક્ષા રાખીએ છીએ કે મને તે ક્યારેક સુખ આપશે, તમને નથી લાગતું આ તો ભારે અજ્ઞાન કહેવાય. આગ પાસે ઠંડકની અપેક્ષા રાખવા જેવી વાત છે. સંસારનું દરેક ભૌતિક સુખ અંતે પીડાદાયક નીવડે છે એ આપણે અનેકવાર અનુભવીએ છે છતાં ઈચ્છીએ છીએ છે કે તે મને સુખી કરે. આ જ મૂર્ખતા છે, આ જ અજ્ઞાન છે. જેના કારણે સત્યની અનુભૂતિ થઈ શકતી નથી. ટૂંકમાં સંસારની માયાને તેના યથાર્થ સ્વરૂપમાં ઓળખી લેવી સત્યની અનુભૂતિ કે ઈશ્વર સાક્ષાત્કાર કહેવાય.
૨) કણ-કણમાં ઈશ્વરી શક્તિની અનુભૂતિ કરવી એ પણ સત્યની અનુભૂતિ કે ઈશ્વરનો સાક્ષાત્કાર જ છે. પરંતુ આપણે પ્રકૃતિના કોઈ તત્વનું શાંતિથી નિરીક્ષણ કરી શકતા જ નથી કારણ કે આપણી પાસે એટલો સમય જ નથી. આપણે ફૂલની સુગંધનો આનંદ લઈએ છીએ પરંતુ એ ફૂલમાં સુગંધ ભરનાર અંગે વિચારી શકતા નથી. આપણે જ્યારે કોઈ બિલ્ડિંગને જોઈએ તો પહેલો પ્રશ્ન થાય છે કે ખૂબ સુંદર બિલ્ડીંગ છે કોણે બનાવ્યું હશે? એ જ પ્રકારનો પ્રશ્ન પ્રકૃતિના તત્વોને જોઈને ક્યારેય થતો નથી. જેના કારણે સત્ય કે ઈશ્વરને પામી શકાતું નથી.
૩) અનેકાન્તની અનુભૂતિ દ્વારા પણ સત્યને પામી શકાય કે ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે પરંતુ આપણે ક્યારેય વિરોધી મંતવ્યને સ્વીકારી જ શકતા નથી. જેના કારણે ઘર્ષણ કે સંઘર્ષ સર્જાય છે. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે બે વિરોધી તત્વોને કારણે જ સમગ્ર અસ્તિત્વ સમતુલામાં રહે છે. સૂર્ય પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે અને પૃથ્વી સૂર્યથી દૂર જવા પ્રયત્ન કરે છે આ આકર્ષણ અને અપાકર્ષણથી બ્રહ્માડની સમતુલા ટકે છે. સ્ત્રી પુરુષ જેવા બે વિરોધી તત્વોથી સર્જન શક્ય બને છે. પોઝિટિવ અને નેગેટિવ એટલે કે ધન અને ઋણ ભાર દ્વારા જ અસ્તિત્વ ટકેલું છે. પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું સંયોજન જ પરિણામલક્ષી બની શકે. કોઈ એકની ગેરહાજરી અન્યના અસ્તિત્વને પણ ખતમ કરી દેતી હોય છે એ વાતની સમજણ એ જ અનેકાન્તની સમજણ છે. જેના દ્વારા સત્ય સરળતાથી પકડવામાં આવી જાય છે અને ઈશ્વરનો સાક્ષાત્કાર શક્ય બને છે.
૪) વિરોધી તત્વો જેવા કે સુખ-દુઃખ, પ્રતિકૂળતા-અનુકૂળતા, હર્ષ-શોક, જન્મ-મરણ વગેરે પ્રકૃતિના સનાતન તત્વો છે. જેનો સ્વીકાર એ જ સત્યનો સ્વીકાર કહેવાય. એમાંથી એકનો અસ્વીકાર થતા બીજું આપોઆપ છૂટી જતું હોય છે. વળી સુખ-દુખરૂપી તરંગો એ જ જીવન છે કેમ કે જીવન તરંગાત્મક છે. તમે જોયું હશે ECG મશીનમાં તરંગ વગરની સીધી લીટી મૃત્યુ દર્શાવે છે. જ્યાં સુધી શરીરમાં તરંગોનું અસ્તિત્વ છે ત્યાં સુધી જ જીવન છે. જીવનમાં તરંગો (ups-down) એટલે જ સુખ અને દુખ. હવે કહો કે આવા તરંગોથી દૂર રહેવાનો પ્રયત્ન એ તો મૃત્યુની અપેક્ષા રાખવા જેવી વાત કહેવાય. જીવન અને મૃત્યુ બંને સાથે કેવી રીતે સંભવી શકે? પણ આપણે તે ઈચ્છીએ છીએ એ જ અજ્ઞાન છે. જેના કારણે સત્યની અનુભૂતિ અશક્ય અને ઈશ્વર સાક્ષાત્કાર અસંભવ બને છે.
૫) જીવનમાં કશું જ કાયમી નથી એનો સ્વીકાર અને સમજણ એ સત્યની પ્રાપ્તિ છે. આપણું શરીર સંબંધો સાંસારિક સ્થિતિ પળે-પળે બદલાય છે તેમ છતાં આપણે સત્ય સમજી શકતા નથી કે આ જીવનમાં થતા તમામ યોગ વાસ્તવમાં વિયોગ માટે જ છે. આપણે જેને પણ મળીએ તે છૂટા પડવા માટે જ હોય છે, છુટા પડવા માટે જ મિલન સર્જાતું હોય છે. હું તમારા ઘરે આવું તમને મળું તે પરિણામે તો છુટા પડવાની જ વ્યવસ્થા છે. જે પહેલેથી આપણે જાણીએ છીએ છતાં વિયોગને સ્વીકારી નથી શકતા એટલે દુઃખ થઈએ છીએ. અજ્ઞાનસભર દુખની સ્થિતિમાં સત્યનો સાક્ષાત્કાર તો અશક્ય જ હોય ને. સત્યને જોવાની કે સમજવાની આપણામાં શક્તિ જો ન હોય તો દુખ ઉદ્ભવવું સ્વાભાવિક છે.
૬) આત્માનો કોઈ અંત નથી કેમકે તે અવિનાશી તત્ત્વ છે, એની જો અનુભૂતિ થઈ જાય તો સત્યનો સાક્ષાતકાર થયો કહેવાય. જેના દ્વારા મૃત્યુ જેવી અસહ્ય પીડા કે જે કાલ્પનિક છે, અજ્ઞાનવશ પ્રાપ્ત થાય છે તેનાથી મુક્ત થઈ શકાય. આમ આત્માની અમરતાની અનુભૂતિ એ પણ સત્યનો સાક્ષાત્કાર છે
૭) કાળ એટલે કે ભૂતકાળ ભવિષ્યકાળ જેવી કોઈ વસ્તુ અસ્તિત્વમાં છે જ નહી એ વાત જો સમજાઈ જાય તો સત્યનો સાક્ષાત્કાર થયો કહેવાય. વાસ્તવમાં આપણે કોઈ બાબતને સળંગ જોઈ શકતા નથી એટલે સમયને ટુકડામાં વહેંચીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ભૂત અને ભવિષ્ય જેવા ભ્રમ એમાંથી જ પેદા થાય છે. દાખલા તરીકે ભગવાન જગત્નાથની રથયાત્રા આકાશમાંથી જોઈએ તો તે સળંગ દેખાય, બાકી સરસપુરથી યાત્રા નીકળી ગઈ એ ભૂતકાળ, દરિયાપુર પહોંચી તે વર્તમાનકાળ અને સાંજે કાલુપુર પહોંચશે તે ભવિષ્યકાળ. પરંતુ વાસ્તવમાં એવા કોઈ કાળ હોતાં જ નથી. આ વાસ્તવિકતા જેને સમજાય તેને સત્યનો સાક્ષાત્કાર એક પળમાં થઈ જાય. જેના દ્વારા ભૂતકાળની પીડા અને ભવિષ્યની ચિંતાનો જીવનમાંથી છેદ ઊડી જાય.
આમ સત્યની અનુભૂતિ કે ઈશ્વરનો સાક્ષાત્કાર એ કોઈ ધાર્મિક આધ્યાત્મિક લોકો માટેનું વિષયવસ્તુ નથી. જે વ્યક્તિ આ જગતને સંસારને તેના સાચા અર્થમાં જોઇ કે સમજી લે છે, જીવ જગત અને જગદીશની પરિકલ્પનાને પામી લે છે તેના માટે સત્યનો સાક્ષાત્કાર અતિ સહજ અને સરળ છે. વળી સાક્ષાતકાર માત્ર મનુષ્ય માટે જ શક્ય છે એટલે જ તો કહેવાય છે કે મનુષ્ય જીવન માણવાની નહીં જાણવાની ચીજ છે કેમ કે સત્યને અને ઈશ્વરને જાણવાની શક્તિ માત્ર તેનામાં છે. મનુષ્યયોની વાસ્તવમાં સત્ય કે ઈશ્વરને ઓળખવાની અને તેના અસ્તિત્વને પામવાની જ વ્યવસ્થા છે જે દરેક સમજદાર માણસ માટે શક્ય છે પછી તે આસ્તિક હોય કે નાસ્તિક. આપણે કોઈ એવા માણસને શોધતા હોઈએ કે જેને આપણે કદાપિ મળ્યા નથી કે જોયા નથી તો શક્ય છે રસ્તામાં મળી જાય તો પણ ન ઓળખી શકાય. પરંતુ કોઈ કહે કે તમે જેને શોધો છો એ આ જ વ્યક્તિ છે, તો આપણે સામાન્ય રીતે સ્વીકારી લેતા હોઈએ છીએ. એ જ રીતે ધર્મશાસ્ત્રોના ઈશ્વર વિશેના ઈશારાને જો સહજતાથી સ્વીકારી લઈએ તો કદાચ ઇશ્વર સાક્ષાત્કાર રમતા-રમતા થઈ જાય. પરંતુ આપણે તે માની નથી શકતા જેથી એવી વ્યક્તિને શોધવા ભટકતા રહીએ છીએ કે જે વાસ્તવમાં આપણી પાસે જ છે. આમ પણ કોઈ વ્યક્તિને તમે શોધતા હો અને જ્યારે તમને કોઈ કહે કે આ એ જ છે પણ જો તમે ન સ્વીકારો તો સતત એ વ્યક્તિને શોધતા રહેવાનું પ્રારંબ્ધ તમે પોતે જ નિર્ધારિત કરો છો. આ વાત જેટલી સરળતાથી સમજાય છે એટલી જ સરળતાથી જો ઇશ્વર સાક્ષાત્કારની વાત પણ સમજાઈ જાય તો જીવન સ્વર્ગ સમાન અવશ્ય બની જાય.
~ શિલ્પા શાહ એસો.પ્રોફેસર HKBBA કોલેજ