બીજી કોઈ તકલીફથી એ ડરવા નહીં દે,
મિત્રો ભલે હેરાન કરે, કરવા નહીં દે.
દુઃખ દર્દનો ઊગશે કદી જો છોડ જીવનમાં,
મિત્રો હશે જો સાથે તો પાંગરવા નહીં દે!
જલસા કરે ને વાપરે ધન રોજ તમારું,
મિત્રો કદી ઝોળી બીજે પાથરવા નહીં દે.
જાણે છે તમારાથી વધુ તમને જો મિત્રો,
તો વાત હૃદયમાં કોઈ સંઘરવા નહીં દે.
બે ચાર હશે, કે જે કરે જીવવું મુશ્કેલ,
બે ચાર એ મિત્રો જ વળી મરવા નહીં દે!
સંદીપ પૂજારા


















































