૨૦૨૧ના અંતિમ રવિવારે સુરત ખાતે સાહિત્યિક ગૃપ “હાર્ટ ઓફ લિટરેચર” દ્વારા એક નવી શરૂઆત કરવામાં આવી. એક જ મંચ પરથી લગભગ ૬૦ નવોદિતોની રચનાઓ ધરાવતા બે પુસ્તકો ‘પરિવર્તન’ અને ‘શબ્દ ઉત્સવ’નું વિમોચન કરવામાં આવ્યું.

આ પ્રસંગે આઈ.ટી. કન્સલ્ટન્ટ અને વિઝન ઈનકોર્પના સ્થાપક વિઝન રાવલ અને ગુજરાતના વરિષ્ઠ લેખક પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલના સુપુત્ર સલીલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કટારલેખક સલીલભાઈ સંદેશ વર્તમાનપત્રમાં “લૌકિક-અલૌકિક” અને હાર્ટ ઓફ લિટરેચરની વેબસાઈટ પર ‘પારલૌકિક દુનિયા’ નામની કૉલમ લખે છે. આ પુસ્તક વિમોચન અને પારિતોષિક વિતરણ સમારોહમાં મુખ્ય અતિથિઓના હસ્તે સ્પર્ધાના વિજેતાઓને મેડલ અને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા.
‘પરિવર્તન’ પુસ્તકનું સંપાદન મુંબઈ સ્થિત અને વ્યવસાયે શિક્ષિકા એવા ચેતના ભાટિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પુસ્તકનો વિષય હતો કૉરોના કાળ પછી આપણા જીવનમાં આવેલા પરિવર્તનો, તમારી નજરે.
![]()
હાર્ટ ઓફ લિટરેચર પરિવારના સ્થાપક આદિત શાહના જણાવ્યા અનુસાર ‘શબ્દ ઉત્સવ’ પુસ્તકથી હાર્ટ ઓફ લિટરેચર ગ્રુપ ખુદ એક પબ્લિકેશન હાઉસ બનવા તરફ ડગ માંડી રહ્યું છે. આ સમારોહમાં આ વર્ષ દરમિયાન જે-જે મુરબ્બી સાહિત્યકારે આપણી વચ્ચેથી વિદાય લીધી છે તેઓને શબ્દાંજલિ રૂપે આદિત શાહ દ્વારા હૃદયસ્થ ખલીલ ધનતેજવીની ગઝલની રજૂઆત કરવામાં આવી હતી.
હાર્ટ ઓફ લિટરેચર એક સાહિત્યિક ગૃપ છે જે ઈ-મીડિયા અને પ્રિન્ટ- મીડિયામાં કાર્યરત છે. નવોદિત કવિ- લેખકોને એક મંચ પૂરું પાડે છે. પદ્ય-ગદ્ય લેખન સ્પર્ધાઓનું આયોજન કરીને નવોદિતના સાહિત્યને પોંખે છે. આ ઉપરાંત કૉરોનાકાળમાં ફૂડ પેકેટ્સ વહેંચવા જેવી સામાજિક સેવાઓમાં પણ કાર્યરત છે.


















































