“સુનીતા, તારું કામ હજી પત્યું નથી? બાર વાગી ગયા બેટા!”
મમ્મી મારા રૂમમાં ડોક્યુ મારતા પૂછ્યું. બગાસું ખાતા, મેં મારી થાકેલી આંખને ઘસી અને એમની તરફ જોવા, લેપટોપમાંથી માથું ઊંચું કર્યું.
“આવતીકાલે મારે વિદેશી પ્રતિનિધિઓ સામે પ્રેઝન્ટેશન આપવાનું છે, એટલે એની તૈયારી કરી રહી છું.”
હું સુનીતા દવે, એક મોટી એમ.એન.સી કંપનીમાં ખૂબ જ સારી પોસ્ટ પર કામ કરૂં છું. તો દેખીતી વાત છે, કે જવાબદારીઓ પણ એટલી જ મોટી હોય છે.
મમ્મી આવીને મારી પાસે પલંગ ઉપર બેઠા, અને મેં એમને આગળ જાણ કરી,
“આ આખું પ્રેઝન્ટેશન મને મોઢે આવડવું જોઈએ. લગભગ પચાસ લોકોની વચ્ચે ઉભા રહીને બોલવાનું છે.”
મમ્મીએ મારા માથે હાથ ફેરવતા પુછ્યું,
“તો થઈ ગયું કે નહીં?”
“બસ મમ્મી, થોડું જ બાકી છે. એક છેલ્લી વાર પ્રેક્ટિસ કરી લઉં, પછી સુઈ જઈશ.”
“મિટિંગમાં શું પહેરવાની છો? કોઈ ડ્રેસ કોડ છે?”
હું થોડી વાર સુધી મમ્મી સામે જોઈ રહી, અને પછી કપાળે હાથ માર્યો
“અરે!! કામમાં એટલી ખોવાઈ ગઈ કે કપડાના વિશે તો વિચાર્યું જ નહીં.”
હું તરત ઉભી થઈ, જઈને મારો કબાટ ખોલ્યો અને બન્ને હાથ કમર પર રાખીને બધા હેંગર સામે જોવા લાગી. મારી નજર ડાબેથી જમણે ફર્યા કરી.
“શું પહેરું? શું પહેરું?”
મમ્મીએ પાછળથી ટકોર કરતા કહ્યું,
“એમાં આટલું બધું શું મુંઝાવાનું હતું. જ્યારે કાંઈ સુજકો ન પડે, તો સાડી પહેરી લેવાની, સૌથી શ્રેષ્ટ!”
હું ચકિત થઈને મમ્મી તરફ ફરી,
“શું? સાડી! મમ્મી, મિટિંગ વિદેશી પ્રતિનિધિઓને સાથે છે. હું સાડી કેવી રીતે પહેરી શકું છું?”
મમ્મી ઉભા થઈને મારી પાસે આવ્યા,
“કેમ નહીં? સાડી આપણી પરંપરાગત પહેરવેશ છે. અને સ્ત્રી જેટલી સાડીમાં સુશોભિત અને સુંદર લાગે, એટલી બીજા કોઈ પોશાકમાં ન લાગે.”
મેં આંખો ઝીણી કરીને એમની સામે શંકામાં જોયું.
“બીજો કોઈ અવસર હોત, તો ઠીક હતું, પણ ફોરેન ડેલિગેટસ સામે…..”
મમ્મીએ કબાટમાંથી મારી મનપસંદ રાણી કલરની બનારસી સાડી કાઢીને મારા ખભા પર મૂકી, અને પછી મને અરીસા સામે ફેરવતા કહ્યું,
“કાલે તું ફક્ત તારું પ્રેઝન્ટેશન રજૂ નહીં કરીશ, પરંતુ એ પણ બતાવીશ, કે તને તારી પરંપરા પર ગર્વ છે. તારો પોશાક તે સંદેશ સ્પષ્ટ રીતે આપશે.”
મેં ઊંડો નિસાસો લેતા કાચમાં મમ્મી સામે જોઈને, છેલ્લી વાર પૂછ્યું,
“આર યું શ્યોર?”
“વેરી શ્યોર!”
બીજા દિવસે હું આખી ભારતીય અવતારમાં તૈયાર થઈ. સાડી સાથે સ્વદેશી જ્વેલરી, બિંદી, કાજલ અને વાળમાં ચોટલી. મમ્મીની સલાહ સાચી પડી. જ્યારે હું મારા લેપટોપ સાથે કોન્ફરન્સ રૂમમાં દાખલ થઈ, તો બધા વિદેશી સભ્યો મને માનથી જોવા લાગ્યા. હું પોતે પણ આત્મવિશ્વાસ અને પ્રતિષ્ઠિત અનુભવી રહી હતી. અને ત્યાર પછી મારુ પ્રેઝન્ટેશન ખૂબ જ સારું ગયું.
શમીમ મર્ચન્ટ


















































