“શ્રીયા કેમ છેલ્લા બે દિવસથી દેખાતી નથી? કંઈ બહાર ગઈ છે?” પાર્થે પર્વને પૂછ્યું.
“મને પણ નથી ખબર ભાઈ. મે એને ફોન પણ કર્યા છે પણ એક પણ ફોનનો જવાબ નથી મળ્યો.”
“ત્રણ દિવસ પછી ફાઇનલ પરીક્ષા શરૂ થાય છે એ તો ખબર ને!” પાર્થે પર્વને ઉદગાર ભાવે કીધું.
“હા ભાઈ. પણ શ્રીયા સાથે કોઇ જાતનો સંપર્ક જ નથી થતો તો હું શું કરું !”
“વાંધો નહિ.. ચાલ જોઈએ. પરીક્ષામાં તો એ આવી જ જશે. કોલેજ ટોપર પરીક્ષા થોડી કંઈ ચૂકી જાય.”
પર્વએ પાર્થને મૂંઝાયેલા અવાજે કહ્યું, “એ તો બધી વાત ઠીક પણ એ મને કીધા વગર કંઈ પણ વસ્તુ ના કરે. અને આ વખતે વગર કીધે આ બધું! યાર મને તો બહુ ટેન્શન થાય છે, એ ઠીક તો હશે ને?”
પાર્થે પર્વને દિલાસો આપતા કહ્યું, “ભાઈ તું ચિંતા ના કર. એ ઠીક જ હશે. કદાચ એને ઘરે ગઈ હોય, કંઇક કામ આવી ગયું હોય તો.”
“કદાચ એવું પણ બની શકે. હું કાલે એ હોસ્પિટલમાં પણ ગયો હતો જ્યાં તે રાત્રે જોબ કરવા જાય છે! પણ ત્યાંથી પણ કહ્યું કે શ્રીયા બે દિવસથી નથી આવી.”
“તું ચિંતા ના કર, પર્વ. એ ઠીક જ હશે.”
——-
“આજે પહેલું પેપર છે, તારી ઘરે વાત થઈ કે?” પાર્થે પર્વને પૂછ્યું.
પર્વ તેના પલંગ ઉપર ઉદાસ થઈને બેઠો હતો.
“પર્વ તને જ પૂછું છું હું.. ચાલ જલ્દી કર, ઊભો થા. પેપર શરૂ થઈ જાશે.”
“હા.”
“કેમ આટલો ઉદાસ છે! વંચાય તો ગયું છે ને બધું ? કોઇ ચિંતા છે કે શું ? મૂડ સરખો કર તો પેપર સરસ જાશે.” પાર્થે પર્વને કીધું.
“પાર્થ, હું શ્રીયાનું વિચારું છું. છેલ્લા છ દિવસથી એનો કંઈ અતોપતો નથી. એ કેમ હશે? ક્યાં હશે? આજે સવારે પણ મેં એને ફોન કર્યો તો એનો ફોન સ્વીચ ઓફ હતો. અને આજથી તો પરીક્ષા પણ શરૂ થાય છે !”
“તું કોલેજે તો ચાલ, એ આવી જ ગઈ હશે.”
——
કોલેજ પર પહોંચીને પર્વ આજુબાજુ બધે ડાફોળીયા મારે છે, આખી કોલેજ ઘૂમી આવે છે. પણ શ્રીયા એને કંઈ જ દેખાતી નથી. અને એ પાર્થ પાસે આવીને બોલે છે, “પાર્થીયા શ્રીયા તો કૉલેજે આવી જ નથી. આજે પરીક્ષા છે, જો એ નહિ આવે તો નાપાસ થાશે અને એનું આખું વર્ષ બગડશે.”
“કોઈક ગંભીર કારણ જ હશે પર્વ. બાકી શ્રીયા આવું ના કરે! ચાલ હવે, પરીક્ષાનો સમય થવા આવ્યો આપણે ક્લાસમાં જઈએ.”
ઉદાસ મોઢે પર્વ પરીક્ષા આપવા તો બેસે છે પણ એના જીવને કંઈ ચેન નથી પડતો.
(પરીક્ષા ખંડમાંથી બહાર નીકળ્યા બાદ..)
“કેવું ગયું પેપર, પર્વ? આજે તો સાવ સહેલું હતું. હવે બે પેપર બાકી.. એ પણ ભગવાન કરે અને સહેલા હોય એટલે આપણે ફુલ્લી પાસ !” પાર્થે પર્વને ખુશખુશાલ મોઢે કહ્યું.
પર્વ ઉદાસ ચહેરે એમ જ ઊભો હતો, કલમ નો ક પણ બોલ્યો નહિ.
“અરે યાર, શું થયું? તારું પેપર ખરાબ ગયું કે શું? એવું તો બને જ નહિ, તે મારા કરતાં વધારે વાંચ્યું હતું.” પાર્થે પર્વને ટોણો મારતાં કહ્યું.
પર્વ અંદર ને અંદર ખૂબ પીડાતો હતો. શ્રીયાના વિચારોમાં સાવ ભાન ભૂલી ગયો હતો. પણ પોતે પાર્થને આ બધું કેમ સમજાવે એની ખબર જ નહતી. કારણ કે, પાર્થને પ્રેમનો સાચો અર્થ જ ખબર ના હતી અને જો શ્રીયા વિશે કંઇક વાત કરશે તો હમણાં પોતાનું ભાષણ શરૂ કરી દેશે. એટલે પર્વ કંઈ જ બોલતો નથી અને હોસ્ટેલ જઈને સૂઈ જાય છે.
——
“એલા ઓય.. ઊભો થા.. કાલનું વાંચવાનું નથી શું તારે? ચાલ ચાલ જલ્દી ઊભો થા. જમી લઈએ અને પછી વાંચવા બેસીએ.” પાર્થે પર્વને ઉઠાડતા કહ્યું.
પર્વ ઊભો થઈને ફરી એકવાર શ્રીયાને ફોન લગાવે છે પણ હજુ પણ તેનો ફોન સ્વીચ ઓફ આવે છે. જમીને બંને વાંચવા બેસે છે પણ પર્વનું મન વાંચનમાં લાગતું નથી. એ ઊભો થઈને રૂમ બહાર આંટો મારવા નીકળી પડે છે. તેને ચિંતામાં ટહેલતો જોઈને પાર્થ એને રૂમની અંદર લાવે છે અને એને સમજાવે છે. ગમે તેમ કરીને પર્વને વાંચવા બેસાડે છે. આમ બીજા વધેલા બંને પેપર પણ પૂરા થઈ જાય છે. પણ શ્રીયા હજુ પણ આવી નથી. પર્વ ચિંતામાં જીવતો જીવતો સાવ સૂનમૂન રહેવા લાગે છે. અને હર પળ શ્રીયાની રાહ જોવા લાગે છે.
(થોડા દિવસો પછી..)
આજે તો પરિણામ આવવાનો દિવસ છે. આ વખતે તો પર્વ મારા બધા પેપર બહુ સારા ગયેલા. લાગે છે માર્કસ બહુ સારા આવશે. પાર્થે પર્વને કહ્યું.
બંને કોલેજ ઉપર જાય છે અને બહાર લગાડેલા બોર્ડ ઉપર પરિણામ જુએ છે. પર્વ પોતાના પરિણામ પહેલા શ્રીયાનું પરિણામ જુએ છે, અને તે જોઈને સાવ ભાંગી પડે છે. શ્રીયા પરીક્ષામાં નાપાસ થઈ હોય છે અને તેનું એક આખું વર્ષ બગડ્યું હોય છે. પર્વ ખુદ પાસ થઈ ગયો એની એને જરા પણ ખુશી ના હતી પણ શ્રીયા નાપાસ થઈ છે એની ચિંતા એના કાળજે બેસી ગઈ હતી.
પર્વ એક આશમાં જીવવા લાગ્યો કે, શ્રીયા કાલે પાછી આવશે અને હું તેને ભેટીને ખૂબ રડીશ. આ વિચાર સાથે પર્વની આંખોમાંથી અશ્રુધારા વહી પડે છે. પર્વના હૃદયના તારે તારમાં હવે શ્રીયા ખૂબ મજબૂતાઈથી વણાઈ ગઈ હતી..
(ક્રમશઃ)
દીપ ગુર્જર