આજે આખા ગામમાં હર્ષોલ્લાસ છવાયેલો છે. લગભગ બધા જ આંગણે રંગોળી મળશે, અને દરવાજામાં ફૂલોના તોરણ શણગારેલા
હશે. અમસ્તા તો મને અવાજ નથી ગમતો, પણ આજે ચારે બાજુ ગીતોના ભણકારા મારા મનને ખૂબ ખુશી આપી રહ્યા છે. દરેક
ઘરમાંથી આવતી સ્વાદીષ્ટ ભોજન અને મીઠાઈઓની સુગંધ આખા ગામની હવામાં ફેલાઈ ગઈ છે.
પણ આજે ન હોળી છે, ન દિવાળી. તે છતા આજનો દિવસ કોઈ ઉત્સવથી ઓછો નથી અને આવનારા ઘણા વર્ષો સુધી આજનો
દિવસ અમારા ગામમાં આટલા જ ઉત્સુકતાની સાથે એક ત્યોહારની જેમ ઉજવવામાં આવશે.
મારો દીકરો વિકાસ અને એની સાથે અમારા ગામના બીજા ચાર જુવાનિયાઓ જંગથી વિજય થઈને પાછા ઘરે આવી રહ્યા છે. ચાલતી
જંગમાં જયાં દરરોજ અમને કોઈ મૃત્યુના સમાચાર આવતા અને અમારી રૂહ સુધ્ધા કાંપી જતી. આવી પરિસ્થિતિમાંથી નીકળીને
આજે અમારા દીકરા હેમખેમ, સહીસલામત અને વિજય થઈને પાછા આવી રહ્યા છે. તો સ્વાભાવિક છે, કે આખા ગામમાં હર્ષોલ્લાસ
ભરેલો ઉત્સવનો માહોલ તો હોય જ ને!
ગૌરવ ભરેલા સ્વાગત માટે, આરતીની થાળીઓ, ફૂલોના હાર અને આંખમાં હર્ષના આંસુ લઈ, દરેક માં અતુરતાની સાથે વાટ જોઈ
રહી છે. આ ઉત્સવ ભરેલા દિવસનો એક મોટો ફાયદો એ થયો, કે ગામના બીજા જુવાનિયાઓ, અમારા સિપાહી દીકરાઓને જોઈને
સૈનિક બનવા પ્રોત્સાહિત થઈ ગયા છે.
શમીમ મર્ચન્ટ


















































