જીતેનભાઈની કાર હાઈવે પર બંધ પડી ગઈ, તાપ ખૂબ આકરો હતો એટલે ડ્રાઈવરને કહ્યું, “ડ્રાઈવર કાર રિપેર થાય ત્યાં સુધી હું પેલા દેખાય એ ધાબે ટાઢા છાયે બેઠો છું. ”
આટલું કહીને જીતેનભાઈ ધાબા પર આવ્યા, બપોરનો સમય હતો એટલે એકલ દોકલ વ્યક્તિ સિવાય કોઈ નહોતું.
જીતેનભાઈને જોઈને બારેક વર્ષનો છોટુ દોડતો આવ્યો, “આવો સર જી, લાગે છે તમારી કાર બગડી છે, ખરુ ને? આવો અહીં બેસો ખૂબ સરસ પવન આવશે.”
છોટુ દોડાદોડ પાણી લાવ્યો, “સર જી, મિનરલ વોટર છે, ચિંતા ન કરતાં.”
જીતેનભાઈ તો છોટુની માસુમિયત અને આવડતથી ખુશ થઈ ગયા અને એના ગાલ પરના ખંજન જોઈને પોતાનો સ્વર્ગસ્થ પુત્ર યાદ આવી ગયો.
થોડી વાર પછી જીતેનભાઈ એ પુછ્યું, “તારુ નામ શું છે? ”
છોટુ થોડી વાર થંભી ગયો અને પછી હળવા નિસાસા સાથે બોલ્યો, “કોઈ માટે છોટુ તો કોઈ માટે મુન્નો, તો કોઈ એ..ય અહીં આવ તો એમ કહીને પણ બોલાવે. શું ફર્ક પડે છે સર જી.” એમ કહીને સફાઈમાં લાગી ગયો.
ફરી જીતેનભાઈ એ પુછ્યું ,”કોઈ નામ તો હશે ને,” ચહેરા પર આછેરી ચમક સાથે કહ્યુ, “દેવ”
“આ બાળપણમાં તારા માતા પિતા ભણાવવાને બદલે કેમ અહીં મોકલે છે?” આ સવાલનો જવાબ આપતા છોટુ બોલ્યો ,”કેવું બાળપણ! કેવી મા! હું ત્રીજા ધોરણમાં હતો ત્યારે મા મરી ગઈ, બાપ દારૂ પીને રખડે છે, ઘરે દાદી છે એ પણ બીમાર.”
થોડી વાર વિચાર કરી જીતેનભાઈ એ કહ્યું, “તું મારી નોકરી કરીશ? ”
તરત જ છોટુ બોલ્યો, “ના રે શેઠ, આ શેઠે મારુ કોઈ નહોતું ત્યારે હાથ પકડ્યો છે એ કેમ છોડાય..! ખૂબ ખૂબ આભાર આપનો.”
જીતેનભાઈ એના શેઠને મળ્યા પોતાનું આધાર કાર્ડ બતાવી પોતાની ઓળખ આપી છોટુને લઈ જવા પરમિશન માંગી અને મંજૂરી પણ મળી.
જીતેનભાઈ એ છોટુને બોલાવી કહ્યુ, “તારા શેઠે પરમિશન આપી છે. હવે તો આવીશને?”
તરત જ છોટુથી પુછાઈ ગયું ,”મહેનતાણું શું આપશો? ”
જીતેનભાઈ કહે, “ભણી ગણીને ખૂબ સરસ માણસ બનવાનું તારૂ કામ, ભવિષ્યમાં બીજા છોટુને મદદ કરવાની અને એક સારા નાગરિક બનવાનું અને મહેનતાણામાં મારા ઘરમાં અને મારા પરિવારમાં તારા પરિવારને સ્થાન.”
એટલામાં ડ્રાઈવર કાર રિપેર કરાવી આવી ગયો એટલે જીતેનભાઈ એ પુછ્યું, “મી દેવ, હું કાલે આવુ તમને લેવા? તમે આ નવી નોકરી સ્વીકારશો? ”
અને દેવનું બાળપણ રુપી મુરઝાયેલ ફૂલ ફરી ખીલી ગયું
જાગૃતિ કૈલા


















































