સોમનાથના ગઢની સામે જ નવ નવ દિવસથી ઝફરખાનનાં સૈન્યનો સામનો કરતા કરતા હમીરજી પાસે હવે તો અમુક ચુનંદા શુરવીરો જ બચ્યા હતા. સોમનાથને તુટતુ બચાવવા હમીરજીની આગેવાનીમાં આવેલા તમામ શુરવીરો એકઠા થયા હતા. નવમાં દિવસની રાત્રે હમીરજીએ યુધ્ધનો વ્યુહ સમજાવ્યો અને સવારના પહોરમાં સુરજનારાયણ આકાશમાં રમવા નીકળે એટલે તરત ગઢ ખુલ્લો મુકી દેવો અને કેસરિયા કરી લેવા. ” થઈ જાવ સૌ સાબદા ” એમ હમીરજી બોલતા તો હર હર મહાદેવનાં ધોષ ગાજ્યા.
આખી રાત કોઈ સુતુ નથી, સોમનાથના મંદીરમાં મોતને મીઠું કરવા માટે અબીલ ગુલાલ ઊડી રહ્યો છે. મરણિયા વીરોએ શંકરદાદાને પણ તે રાતે સુવા ન દીધા. પરોઢીયે નહાઇ ધોઇને હમીરજીએ શંકરની પુજા કરી. હથિયાર સજી આઈ લાખબાઈને પગે લાગ્યા અને કહ્યુ કે આઈ, આશિષ આપો. કાનોકાન મોતના મીઠાં ગીતો સાંભળવાની વેળા આવી પહોંચી છે. પટાંગણમાં ઘડીક સુનકાર ફેલાઈ ગયો. પડથારે બેસીને માળા ફેરવતા આઈ બોલ્યા, ધન્ય છે વીરા તને . સોરઠની મરવા પડેલી મર્દાનગીનુ તે પાણી રાખ્યું. અને તેને ગાયુ કે,
વે’લો આવ્યો વીર, સખાતે સોમૈયા તણી;
હીલોળવા હમીર, ભાલાની અણીએ ભીમાઉત.
માથે મુંગીપર ખરૂ, મોસાળ વસા વીસ;
સોમૈયાને શીષ, આપ્યુ અરઠીલા ધણી.
દશમાં દિવસની સવારમાં જેવા સુરજનારાયણનુ આગમન થયુ કે ગઢના દરવાજા ખુલ્યાને હમીરજી અને સાથી યોધ્ધાઓ ઝફરખાનની ફોજ માથે ત્રાટકયા. આમ અચાનક વહેલા આક્રમણથી ઝફરખાન હેબતાઇ ગયો એન સેન્યને સાબદુ કરીને યુધ્ધ શરૂ કર્યુ. બીજી બાજુ મોતને ભેટવા નીકળેલા હમીરજી અને સાથીઓએ કાળોકેર વર્તાવી દીધો. સાંજ પડતા જ દુશ્મનોના સૈન્યને અડધા ગાઉ જેટલુ પાછુ ઠેલવી દીધુ અને તે દિવસનુ યુધ્ધ બંધ થયુ. સોમનાથના ગઢમાં પરત ફરતા જ હમીરજી જોવે છેકે સાથીઓમાં અમુકના હાથ કપાયા છે તો અમુકના પગ, અમુકના આંતરડા બહાર નીકળી ગયા છે. અને હવે લગભગ દોઢસોથી બસ્સો જ સાથીઓ બચ્યા છે. હમીરજીએ સાથીઓની સાથે નિર્ણય કર્યો કે સવારનુ યુધ્ધ સોમનાથના સાનિધ્યમાં લડવાનુ નક્કી કર્યુ. સવાર પડતાજ ઝફરખાને સામેથી હુમલો કર્યો કારણકે તે વધારે સમય લેવા માંગતો ન હતો. જયારે હમીરજી અને સાથીઓએ શિવલીંગને જળથી સ્નાન કરાવીને એકબીજાને છેલ્લા જુહાર કરી અને રણમેદાનમાં ઉતર્યા.
સાંજ પડતા યુધ્ધમાં હમીરજી અને એક બે યોધ્ધા જ બચ્યા હતા અને લડી રહ્યા હતા. હમીરજીનુ આખુ શરીર વેતરાઇને લીરા જેવુ થઈ ગયુ છે, છતા પણ દુશ્મનોને મચક આપતા નથી. ઝફરખાને સૈનિકોને ઈશારો કર્યો અને હમીરજીને કુંડાળામા ઘેરી લેવામાં આવ્યા અને તેમની માથે એક સામટી દશ તલવાર પડી. શિવલીંગનું રક્ષણ કરતો એ અંતિમ યોધ્ધો પણ ઢળી પડયો અને સોમનાથનું મંદીર ભાંગ્યું. આમ આ યુધ્ધમાં સાંજ પડી, હમીરજી પડ્યા અને સોમનાથ પણ પડ્યું. ત્યારે આઈ લાખબાઈ ગઢની દેવડીએ ચડીને નિરખી રહ્યા હતા અને આ શુરવીર યોધ્ધાને બિરદાવતા મરશિયા ગાયા કે,
રડવડિયે રડિયા, પાટણ પારવતી તણા;
કાંકણ કમળ પછે, ભોંય તાહળા ભીમાઉત.
વેળ તુંહારી વીર, આવીને ઉં વાટી નહીં;
હાકમ તણી હમીર, ભેખડ હુતી ભીમાઉત.
સોમૈયાના ગઢની દેવડીએ આઈ લાખબાઈએ એકબાજુ મરશિયા ઉપાડયા હતા તો બીજી તરફ સામે જ સોમનાથનું દેવળ સુબાના સૈનિકોના હાથે લુંટાઇને તુટી રહ્યુ હતુ. હમીરજી ગોહિલ ઇતિહાસનુ અદભુત પાત્ર છે. ઇતિહાસે હમીરજી ગોહિલની નોંધ એટલા માટે લેવી પડે છે જે જ્યારે સૌરાષ્ટ્રની રાજપુતી રોળાઈ રહી હતી ત્યારે પોતાના મુઠ્ઠીભર ભેરૂબંધો સાથે સુબા ઝફરખાનની જંગી ફોજ સામે સોમનાથનુ રક્ષણ કરવા ચડ્યા હતા. આમ હમીરજીને તેમના વંશજો સુરાપુરા તરીકે આજે પણ પુજે છે.
સોમનાથ મંદીરની બહાર વેગડાજીની અને મંદીરના મેદાનમાં બરોબર શિવલીંગની સામે જ હમીરજી ગોહિલની દેરીઓ આવેલી છે. આવા પ્રતાપી વ્યક્તિત્વની યાદ અને શૌર્યનો ઉજળો ઇતિહાસ આલેખતો તેમનો પાળીયો સોમનાથમાં પુજાય છે.
સૌજન્ય – સૌરાષ્ટ્રની રસધાર
Related