નરેશ એક સામાન્ય ચા ની લારી ચલાવતો અને તેનું રોજગાન ચલાવતો. ગરીબ પરિવાર હતો તેનો પણ સુખનો રોટલો શાંતિથી મેળવીને જમતા. તેના પરિવારમાં તેની પત્ની અને એક અઢાર વર્ષની તેની દિકરી કુસુમ અને ૧૪ વર્ષનો દિકરો કેવલ. રોજ નો નરેશનો નિત્ય ક્રમ સવારે વહેલા જાગીને ભગવાનના દિવા બત્તી કરી બજારમાંથી જરૂરી સામગ્રી ખરીદી બરોબર નવના ટકોરે લારીમાં ચા નો પેલો ઘાણ ઉતારવો. નરેશની ચા કાઇ અલગ કે વિશેષ ના હતી પરંતુ જે પ્રેમભાવથી એ લોકો ને ચા પીરસ્તો એના કારણે તેની ચા માં મીઠાશ અલગ જ આવતી.
સમય પણ બધાંની આકરી પરીક્ષા કરે જ, કોણે ધાર્યું હતું કે આ કોરોના જેવી બિમારી આવશે અને ત્રણથી ચાર મહિના સુધી બધાના નોકરી ધંધા બંધ રહેશે. નરેશ તો રોજ નું કમાય અને રોજ ખાવા વાળો, એમા તેને આ બીમારીના કારણે પોતાની લારી ત્રણ ચાર મહિના બંધ રાખવી કેમ પોસાય? છતાં તે હિંમત ના હાર્યો મનોમન વિચારી લીધું જેવી પ્રભુની ઈચ્છા.
એક સમી સાંજે નરેશ તેના ઘરમાં બેઠો બેઠો છાપું વાંચી રહેલો અને ફોનની ઘંટડી રણકી, જોયું તો તેના માસિયાઈ ભાઈ દિપકનો ફોન. દિપક સાથે સામાન્ય બધી વાત કરી અને હાલ – ચાલ પૂછ્યા. દિપકએ ધીરે રહી મુખ્ય મુદ્દાની વાત કરી, “નરેશભાઇ આજે રાત્રે નવરા રહેજો હું ઘરે આવીશ તમારું થોડું કામ છે.” નરેશે કાઇ પણ વિચાર્યા વગર હા પાડી દીધી. “તમને ખબર તો છે દીપકભાઈની આદતો એક નંબરના ખોટાડા માણસ છે, મહેરબાની કરીને એની કોઈ વાતમાં તમે નો આવતા, આ કોરોના કાળમાં આટ આટલું તો ભોગવીએ છીએ હવે વધુ કાઇ મુસીબત માથે નો ચડાવતા.” નરેશની પત્ની રમાએ કકળાટ માંડ્યો. “હા, બાપા તું મગજ ખાલી ના કર ખોટું, જા એક રકાબી ચા બનાવી દે.” નરેશે રમા અને વાત બન્નેને રવાના કરી.
“આવ આવ ભાઈ, કેમ છે? માસા માસી મજામાં ને? નરેશે દિપકને આવકારતા કહ્યું.
“હા, સવ સારાવાના છે હો.”
“બોલ બોલ, આ લોકડાઉનમાં કેમ અચાનક આ બાજુ?”
“ધંધા માટે આવ્યો છું, નવો ધંધો શરૂ કર્યો છે અને માતાજીની દયાથી ખૂબ સારું ચાલે છે. બસ હવે એકલાં પહોંચી નથી રહેવાતું એટલે તારી મદદ માંગવા આવ્યો છું.”
રમા એ નરેશને ઈશારામાં ચોખી ના પાડી છતાં નરેશે પૂછ્યું, “શું ધંધો? એ પણ નવો આવા કપરા સમયમાં?”
“આપણે કોઈ કોરોના ફોરોના નો નડે, આજ તો આપણો સાચો સમય છે કમાવાનો એટલે જ તો આવ્યો છું તારી પાસે.”
“હા, બધી વાત બરોબર પણ આમ માંડીને જરાક વાત કરતો સમજ આવે ભાઈ, આમ તું ઉકળતી ચા ની જેમ ઉકળ્યાં કરે તો કેમ સમજું?
“દવાની હેરફેરનો ધંધો.”
“હે, શેની દવા ભાઈ?”
“કોરોનાની દવા. મોટા મોટા અમીર માણસોને આપણે પહોંચતી કરવાની અને આપણું કમિશન લઈને હાલતા.”
“આ દવા આપણને આપે કોણ?”
“એ તારે કયા જોવાનું છે? તું ભાઈસાબ કેરી ખા ગોટલા નો ગણ. જો તને રોજના ૭૦૦ રૂપિયા મળશે અને ફક્ત ત્રણથી ચાર કલાકનું કામ છે.”
“એમ, આ તો સારું કેવાઈ છેલ્લા દોઢ મહિનાથી એક રૂપિયાની આવક નથી સાવ કંગાળ બેઠા ને સૂકો રોટલો ખાયે. હું કાલથી જ જોડાવ છું મને કેજે કયા આવાનું.”
“હા એ કાલે બે ભેરુ આયથી ભેગા જ જશું, સારું હવે હું રજા લઉ, આવજો.” દિપક તેની વાત કરી વિદાય લે છે.
રમા ને દાળમાં કાઈક કાળુ લાગતાં નરેશને સમજાવે છે, “તમે આ દીપકના રવાડે નો ચડો, એના ધંધા કોઈ દી સીધા નથી હોતા, તમે પૈસાની લાલચમાં નો આવો, આપણે સૂકો રોટલો ખાઈને પણ આ સમય કાઢી લેશું. આ દિપક એ સૂકું ઘાસ છે જએ બળશે તો આપણી જેવા લીલા ઘાસને પણ હારો હાર બાળશે તમે થોડું સમજો.”
“રમા તું નાહક ચિંતા ના કર, હું કાઇ કેવલ જેટલો નાનો છોકરો નથી બધુ સમજૂ છું. જો રમા લક્ષ્મી ચાંદલો કરવા આવે છે અને હું મોઢું ધોવા જાવ તો લક્ષ્મી રિસાઈ જાય. તું ચિંતા ના કર કાલે આપણે પેટ ભરીને જમશું.” નરેશે અતિઆત્મવિશ્વાસથી કહ્યું.
બીજા દિવસે નરેશ અને દિપક પોત પોતાના પાર્સલ લઈ અને નિર્ધારિત વિસ્તારમાં દવા પહોંચાડવા નીકળ્યા. દિપક તેની નિર્ધારિત જગ્યા પર દવા આપી જેવો નીકળતો હતો કે તરત જ તેને પાછળથી NCB એટલે કે નાર્કોટિક્સ પોલીસ ઓફિસરે પકડ્યો અને ધુલાઈ ત્યાં ને ત્યાં જ શરૂ કરી. દિપક આજીજી કરે, પગે પડે પણ પોલીસ માને એ બીજા. દિપક દવાના નામે ડ્રગ્સની હેરફેર કરતો હતો. તેને NCB ઓફિસ લઈ જવામાં આવ્યો અને તેના સાથીઓ વિશે પૂછપરછ કરવામાં આવી. દિપક ડરનો માર્યો બધુ બકી ગયો અને સૌથી પહેલો પકડાયો નરેશ. નરેશ બિચારો હજી પહેલું પાર્સલ પહોંચાડે ત્યાં તેને પોલીસે દબોચી લીધો અને જેલ ભેગો કર્યો. નરેશ કાઇ સમજે એ પહેલા તેને પોલીસ મારતા મારતા સવાલો કરવા લાગી. નરેશને કશું જ ખબર ના હતી કે તે દવાના નામે ડ્રગ્સ ફેરવે છે.
નરેશની પત્ની રમાને વાતની જાણ થતાં બન્ને બાળકો સાથે NCB ઓફિસ આવી પહોંચી અને એક એક ઓફિસરને પગે પડી વિનંતી કરવા લાગી તેના નિર્દોષ પતિ માટે. દોષ કે નિર્દોષ નરેશ રંગે હાથ ડ્રગ્સ સાથે પકડાયો છે એટલે તેનું છૂટવું અશક્ય છે. રમાએ વિનંતી કરી કે એકવાર તેને મળવાની અનુમતિ આપે. ઓફિસર માન્યા અને પાંચ મિનિટ માટે મંજૂરી આપી.
“મે કીધું હતું ને ના આવતા દિપકની વાતોમાં, જોયું ને શું થયું.”
“મને માફ કરી દે રમા, તારી વાત ના માની, તે સાચું જ કહેલું સૂકા ભેગું લીલુ પણ બળે જ અને હું બળી ગયો.”


















































