અમેરિકન ક્રિકેટ એન્ટરપ્રાઈઝે જાહેરાત કરી છે કે શાહરુખ ખાનની સહ-માલિકની હકવાળી ફ્રેન્ચાઈઝી નાઈટ રાઈડર્સ તેમની એક મહત્ત્વની ક્રિકેટ લીગમાં પ્રમુખ રોકાણકારોના રૂપમાં સામેલ થઈ છે. અમેરિકાની આ ક્રિકેટ લીગ મલ્ટી મિલિયન ડોલર ટી20 ટુર્નામેન્ટ છે. આ રોકાણથી નાઈટ રાઈડર્સે દુનિયાના સૌથી મોટા મીડિયા માર્કેટમાં કદમ મૂક્યો છે. નાઈટ રાઈડર્સની ફ્રેન્ચાઈઝીની ટીમો ઈન્ડિયન પ્રીમિયર લીગ અને કેરેબિયન પ્રીમિયર લીગમાં રમે છે.
એસીઈના કો-ફાઉન્ડર્સમાંથી એક વિજય શ્રીનિવાસનનું માનવું છે કે આ લીગ ક્રિકેટથી અમેરિકામાં આ ખેલને વધારો મળશે. શ્રીનિવાસને ક્રિકેટ વેબસાઈટ ક્રિકબઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમે આ વાતને લઈને ઘણા ઉત્સાહિત છીએ કે નાઈટ રાઈડર્સ આ લીગ ક્રિકેટમાં હિસ્સો બની રહ્યું છે. અમેરિકા ક્રિકેટને સમર્થ બનાવવા માટે અમે તેમની સાથે કામ કરવા માટે તત્પર છીએ. તેનાથી અમેરિકામાં ક્રિકેટને ફાયદો મળશે. આ ઘણી સારી વાત છે કે તે શરૂઆતથી જ અમારી સાથે જોડાઈ રહ્યા છે, તેમનું રોકાણ અમારી યોજના પર પણ મોહર લગાવી આપે છે અને અમેરિકામાં ક્રિકેટના ભવિષ્યને લઈને આ લાંબા સમયનું રોકાણ છે.
નાઈટ રાઈડર્સના સીઈઓ વેંકી મસૂરે ગયા વર્ષે કહ્યું હતું કે, તેમની ફ્રેન્ચાઈઝીને દુનિયાની તમામ સ્પોર્ટીંગ લીગમાં રોકાણ કરવાના પ્રસ્તાવો મળી રહ્યા છે. અમેરિકા દુનિયાનું સૌથી મોટું મીડિયા માર્કેટ છે, જેમાં અમને એકદમ અલગ જ તકો મળશે. અમને લાગે છે કે અમેરિકામાં ક્રિકેટનું સારું માર્કેટ છે. અમેરિકામાં એવા બ્રાન્ડ્સ છે, જે ક્રિકેટને પોતાની એડના પ્લેટફોર્મ તરીકે જુએ છે.


















































