આ સદી સમ્પર્કની સદી છે. ઝડપી સમ્પર્કના સાધનો છેલ્લા કેટલાંક વરસોથી આપણે અપનાવી લીધાં ને આપણને જાણ પણ ન થઇ.
પોસ્ટકાર્ડથી હરખાનારા વડિલો હજી આપણી સાથે છે. ભગવાન અને કુદરતી દ્રશ્યવાળા દિવાળી કાર્ડ સચવાતાં. ફિલ્મ એક્ટરના ફોટાના કાર્ડનો સંગ્રહ ખાનગી રહેતો. પરદેશમાં રહેતા સગા ત્યાંના ફોટાવાળું કાર્ડ મોકલે તો જાતે જોયા જેટલો આનંદ રહેતો.
પોસ્ટકાર્ડ કરતાં વટ આન્તર્દેશીય પત્રનો ને એથી વધુ દબદબો પરદેશીપત્રનો. કવર તો વિગતે લખનારા વાપરે, રાખડી કે રિઝલ્ટ આવે. પોસ્ટકાર્ડમાં “ સૌને યાદી “ રુપે પ્રેમ છલકે . સુગંધિત કાગળને કવરમાં મુકી એ sealed with kiss સુધી પ્હોંચ્યું. કોઇ ભાગ્યશાળીને જ એ મળે. તાર આવે તો ફડક પેસે, ધ્રાસકો પડે.
ટેલીફોનના કાળા ડબ્બા ઘરનો રંગીન વૈભવ હતા. પછી તો એય નાજૂક ને રંગીન ને cordless બન્યા. પછી પેજર ને ફેક્સ આવ્યા. પણ ખરો જાદૂ લાવ્યા સગવડભર્યા mobile phone !
અનેક લાભ સાથે એણે સ્મૃતિને અડફેટે લીધી. દેશ પરદેશના કોડ સાથે નવ દસ આંકડાના નંબર યાદ રાખવાનો વટ મારનારા મોળા પડી ગયા. બધું ફોનમાં !!
એને લીધે દીવાનખાનાના ટેબલ પર સ્થાપન પામતી મસમોટી Directory ગઇ . કિશોરવયમાં એના ઝીણા ટાઇપમાં ગમતાં નામ વાંચવાનું ગયું. એની નાનીબ્હેન જેવી સગવડભરી yellow pages પણ ગઇ.
પણ એથી મોટું નુકસાન થયું પરિવારની personal directory ને. કેટલુંક તો કેવળ ગૃહિણીને જ ઉકલે ને દરેક ઘરની પોતાની જરુરિયાત પ્રમાણે એ લખાય. ને એ પણ હુલામણા ને વિશેષનામોમાં.. કેટલાંક તો એમને જ ઓળખાય ! મૂળ વ્યક્તિ ન વાંચે એ જ ઉત્તમ !!