સર પડે, ધડ લડે , ડોટયુ તાણે કૈંક;
અરિસિહ જોદ્ધો એક, કુળ કારડિયા તણો.
વાતને માથે થી માંડ ૫૦૦ વર્ષ ના વાણા વિત્યા હશે, ને ટેકને ખમીરાઈ નો ઈ જમાનો, આબરૂ ની આબાદી ને બિરદ અને જાણીને જતન કરનારા કાંઈક રાજપૂતો તેદી પરથવી માથે પડ્યા હતા , નથી પ્રશંસાની અપેક્ષા નથી જસની ખેવના.
આશરા ધર્મને પાળી જાણનાર બ્રાહ્મણ અને અબળા ખાતર પ્રાણની પણ પરવા કર્યા વગર કુદી પડતાં અસંખ્ય વીર નરબંકાઓ આભને ટેકા દેતા તેદિ અડિખમ ઉભા તા.
દેવ ની સામે દાનવોએ ક્યાં કોઈ દી પોરો ખાધો હતો ?
અને માથે કરનારા અધરમીઓની આણય તો તે દિ’ હતી જ ! ભલે સત્યનો જય હોય પણ કસોટીની એરણે ચડી, કંઈકને ટીપાવુ પડયુ છે , ધર્મની વેદી માથે કંઈક ક્ષત્રીયોએ માથા ધરી દીધા ના ઇતિહાસ આજે જાણવા મળે છે
આવી જ કારડીયા કુળ ની અમર ગાથા ઈતિહાસ ના પાના માથે અંકિત થઈ શોભી રહી છે.
સોરઠ ધરા ના છેવાડે વેરાવળ પાસેનું કિંદરવા ગામ , તેદી માંડ કારડીયા કુળના પચીસેક ખોરડાં હશે . અગ્નિ વંશના રાજપૂતો, તેમનું ગોત્ર વશિષ્ઠ હોય, કુળદેવી હરસિદ્ધિ હોય, જે કુળમાં વિરવિક્રમ જેવા પ્રતાપી પુરુષો થઈ ગયા હોય તેવા પરમાર શાખાના રાજપૂતોનો વસવાટ..
કિંદરવા ગામ માં પરમાર પરિવાર માં તે દિ’ અરિ સિંહ નામના યુવાનનાં લગ્ન. પરમારો ની ડેલીએ ઢોલ નગારા અને શરણાઇના સૂર ની જમાવટ થઈ છે , અઢાર વરહના અરિ સિંહના લગ્ન માં સારા સોરઠમાંથી સગાવહાલા ભાઈબંધો લગ્નની મોજ માણવા આવી પૂગ્યા છે . તે દિ જાનુ ત્રણ દિવસ માંડવે રોકાતી , ચોખા ઘીની સુખડી નો જમાનો , ઘી દૂૂધની નદીઓ વહેતી હતી.
અરિસિંહના પંડે પીઠી ચોળાઈ ગઈ છે, કંઠે મગમાળા આરોપાઈ ગય છે, દેવ ના ચક્કર જેવો અરિ સિંહ પરમાર આજે દિપી ઉઠ્યો છે , જાનડિયુ જાન માં જવા સોળ શણગાર સજી રહી છે , બળદના સિંગડે તેલ ચોપડી દિધા છે. ખોબલા જેવડુ આખું કિંદરવા ગામ આજ હરખની હેલીયે ચડયુ છે.
પૂજા બાપા ગોર કંકુ, અબીલ , ગુલાલ , નાડાછડી , મીંઢોળ વગેરે ની તૈયારી કરી રહ્યા છે એ જમાનામાં ગોરભા પણ જાનમાં સાથે આવતા , ભાઈબંધ કરણસિંહ તથા અણવર તલવાર , કટાર ગોદડીયુ, સાફા વિગેરે સામાન્ય તૈયારી કરી રહ્યા છે , જ્યારે વડીલ બાયુ મધુરા ગળામાંથી ; ” સૂરજ ઊગ્યો રે , સરવરિયાની પાળે કે વાણલા ભલે વાયાં રે …જેવા ગીતડાં ગાય પ્રભાતને મંગળમય બનાવી રહ્યા છે .
નજીકના ગામ સમોડામાં જ જાન જવાની હતી. બળદગાડાને કૈંક ઘોડા થી સજજ તૈયાર થઈ ચૂકી છે એ ટાણે એક અજાણ્યો જણ ગામને પાદર આવી સમાચાર આપે છે કે , આથમણે જાપે જતવાડા ના જતો આવી ઉભા છે કેવડાવે છે કે , ” તમારા ઘરે લગ્નમાં આવેલા કર્ણ ને અમને સોંપી દો નહીં તો… ખરી પીવો ” .
કહેવાય છે કે લગ્નમાં આવેલા કરણસિંહ મગતુપુર ના હતા જે અરિ સિંહ ના ખાસ ભાઈબંધ હતા જે કરણસિંહ ને અગાઉ ક્યાંક જતો હારે બગડેલી તેથી જતો એ આજ લાગ ગોતેલો .
ખોબા જેવડા કિનદરવા માં વાત પ્રસરી ગઈ. રાજાઓના રાજા એવા વરરાજા ના કાને વાત અથડાણી, પણ રુવે રુવે આગ પ્રસરી ગઇ.
પરણ હુંદો પંડયમા, કદી કરણ મળે નહીં;
દયોને જતને કહી ,પતયના લોપે પરમાર ધણી.
પીઠી ભરેલા અરિ સિંહે કહેવરાયુ , ” જાવ કય દો જતને અરિ સિંહના પંડમાં પ્રાણ હશે ત્યાં સુધી કરણસિંહ મળવાની કલ્પના ય ન કરશો , રાજપૂત નાં આંગણે થી ભાઈબંધ માટે પરમારો પ્રાણની પરવા નહીં કરે .”
જાન ઉઘલતો ઢોલ ઘડીકમાં તો રડીબામ … રડીબામ…રડીબામ… બૂગીયા ઢોલ ની લયમાં બદલાઈ ગયો !
મારો મારો , કાપો કાપો ,.. દયો ઈ જતડાને … ગોકીરો થયો. ગામના અને જાનૈયા હાથ વગા હથિયાર લઇ વછૂટયા. જાણે વાવાઝોડું જોઇ લો !!! પરમાર ના કૈંક વડીલોને ચિંતા થય , પીઠી ચોળેલ અરસિહ ને ઓરડાની સાંકળ વાસી ચાર-પાંચ આધેડ ઊભા રહી ગયા .
પણ અરિ સિંહ જેનું નામ ! ખપેડા ફાડી કૂદ્યો. સીધો ગામ પૂગી ગયો. પાછળ કરણસિંહ કૂદ્યો. ગોરબાપા એ કંકાવટી મૂકી સાંગ ઉપાડ્યો , વાહ શૂરાતન !!
ધરમને કારણ ઢીબવા, રાખવી કાંઉ રે’મ ;
નીયાને ખાતર નેમ , મોરી મરદુ મૂકે નહિ .
કિંદરવા ના પાદરમાં પરમારોને જતવાડાના જતો સાથે ઝીંકા ઝીંક બોલી. ખોબલા જેવડા ગામમાં હાહાકાર મચી ગયો છે . અરિ સિંહ અને કરણસિંહે કયક જાતોના માથા વધેરી નાખ્યા છે . જતો એ પહેલાં જ પોતાના દુશ્મન કરણસિંહ ને વધાવી લીધા છે . લડતા લડતા ગોરબાપા અને બીજા આઠેક જણા ધીગાણામા ભાઈબંધી નાં અમર ઈતિહાસ ને ઉજાળવા અમરાપર સીધાવીયા.
પણ કહેવાય છે કે અરિ સિંહ નું માથા વગરનું ધડ ધીગાણે ધસયુ છે ! કેટલાય ઘાથી વેતરાયા ગયેલું ધડ ફાળકા માફક સાંગ લય ઘૂમે છે. જતોએ મૂઠીયુ વાળી , પામી ગયા કે આમાં કોઈ દૈવી શક્તિ કામ કરી રહી છે . કિનદરવા થી એક ગાઉ દૂર ચારણો નો નેહ . સરસ્વતી નદી નો કાંઠો . ચારણ આયુ એ જોયું કે આ તો આરશી નું ધડ વ્યુ આવે છે ! મનમાં થયું કે રખેને આ ધડ આગળ જતા પડે ને, કદાચ દુશ્મન નાં હાથમાં આવી જશે તો … તો તો રાજપૂતાઈના ખમીર માથે કલંક લાગી જાય .
એક ચારણ આઈ દોડ્યા છે , માં મોગલ નું નામ સ્મરણ . માંથે ઓઢેલી પાલવનો ઘા કરી , ” ખમૈયા કર મારા વિરા… ડગલું બદલ તો માં મોગલની આમ છે ” .
આઈના શબ્દ સાંભળતા જ અરિસિંહ નું ધડ પડ્યું છે . આ બાજુ હકિકત જાણવા સમોડા ગામની પાદરે પનિહારીયુ ટોળે વળી છે .
જેમાં પિયરના પાણી ની છેલ્લી હેલ ભરવા , જેનું અરીસિહ હારે સગપણ થયેલું એય દિકરી બા આવેલા .
સરખી સાહેલી યુ હાફળી ફાફળી દોડી જ્યાં હેલ માથે લઈ ભેજ પગથિયાં ચડેલા આવી ને બોલી , ” બેનડી તે જેના નામની ચૂંદડી ઓઢી છે .. જેની હારે તારા લગન લેવાના છે , એ અરિ સિંહ ધીંગાણે કામ આવી ગયા છે .”
આ વાત સાંભળીને રાજપૂતાણી ને રુવે રુવે સત ચડયુ . સ્વામી ભક્તિ પ્રગટિ . મનમાં સ્મરે છે :
જોજે વાલમ જતો નહિ , મૂ એકલી મૂકીને આજ;
તું વિન શું આ સાંજ , પરમેહર મારા પરમારા ધણી.
હે પરમારા ધણી … હે શૂરવીર… હે મારા નાથ … મને એકલી મૂકીને આમ ક્યાં જાશો ? શું આ રાજપૂત ની દિકરી બીજા ની ચૂંદડી ઓઢશે એમ ? આ સજેલા શણગાર હવે મારે કોને બતાવવાના છે ? મારા પ્રભુ વીરગતિ ને પામ્યા છો . તો હું શું કાયર છું ?
હે માં જગદંબા, જો મેં હંમેશા મારા પતિ નેજ ચાહ્યા હોય.. તો હે માં મારા પતિ થી છેટું ન પડવા દેજો.
કહેવાય છે કે એ રાજપૂતાણીનાં જમણા પગની અંગુઠીમાથી જ્વાળા પ્રગટ થઈ . સોળ શણગાર સજેલી એ સતર વરસની રાજપૂતાણી ઈ જોગમાયાનો આતમ વગરનો દેહ વાવના ત્રીજા પગથિયે પડી ગયો છે .
રાજપૂતની એ દિકરી એ ‘ સતીમા ‘ તરીકે સમોડાની એ પૂરાણી વાવમાં બેસણાં કર્યા છે. સતિમા તરીકે આજે ય લોકો માં પૂજાય છે . જ્યારે કિંદરવાના પાદરમાં ધીંગા ણુ થયેલું ત્યાં અરિ સિંહ , કરણસિંહ , ગોરબાપા અને બીજા ભાઈબંધો જે દસેયના પાળિયા ઈતિહાસ ની સાક્ષી પૂરતા આજે ય અડિખમ છે .
કિનદરવા ખાતે આજે અરશી આતાનું શિખર બંધ મંદિર છે . શિખરની ફરકી રહેલી ધજા આજે ય પરમાર વંશના શૂરવીર ની અમરગાથાનો સંદેશો સારાય સૌરાષ્ટ્ર , સોરઠ માં ફરકાવી રહી છે.
કંદ કિંદરવા પડ્યો , સમોડે ચડયુ સત;
રાખી પરમારના પત, સો- સો વંદણુ સતીમા.
આ ઈતિહાસ નું લેખન સાહિત્યકાર સરલસિંહ મોરી બાપુ એ કરેલ છે.
Related