આજે એક સરસ મજાની ચા પીધી ને તારી યાદ આવી ગઈ.આટલી સરસ ચા નાં ભરપેટ વખાણ તે ચોક્કસ કર્યા હોત., ને તારા સ્મિત
કરતાંય વધારે એ તારી આંખો માં ઉતરી આવત એ તો મે વિઝ્યુઅલાઈઝ કર્યું. રોજ ક્લાસે જતા-આવતા બે વખત તારા ઘરને રસ્તે
ચાલુ છું, એટલી વાર તું વધારે સાંભરે છો. હા, બીજા રસ્તા પણ છે જ પણ કોને ખબર એ જ રસ્તે ચાલવાની ટેવ નથી છૂટતી.
એકલા એકલા આઇસ્ક્રીમ ખાવાનો મૂડ નથી બનતો ને ખાવ છુ ત્યારે એમાં કોઈ લિમિટ નથી રહેતી.આમ તો જીવન ફર્સ્ટ ક્લાસ ચાલે
છે ને તોય પેલા જેવી મજા નથી આવતી.
આ વાતો પેહલા સામસામી બેસી ને થતી જે હવે મેસેજ ને કોલમાં થાય છે. આ બધુ થાય ત્યારે એટલી ખબર પડે છે કે મજા ખાવાની
નઈ પણ આઇસ્ક્રીમ સાથે ઓગળતી વાતો ની વધારે હતી.ને અત્યારે એ યાદો ની વધારે છે.ખબર જ છે કે કશું શાશ્વત નથી તોય એમ
થાય કે વો ભી ક્યાં દિન થે.જે આપણી પાસે રહ્યા નથી માત્ર એના સંભારણા જ વાગોળવા ના છે.
પણ તોય આપની પેઢી નસીબદાર તો કેવાય જ, ઇન્ટરનેટ ,ચેટ ને સૌથી શ્રેષ્ઠ વિડિયોકોલ ની સુવિધા ધરાવીએ છીએ, એટલે એકમેક
ને જોઈ સાંભળીને રાજી રહી શકીએ.બાકી આપણી આગલી પેઢીઓ એ તો કેટલાય વર્ષો એકબીજા વિના કાઢ્યા ને કેટલાય લોકો થી
કાયમી દૂર થઈ ગયા.એમના પાસે બધું હાર્ડ કોપીમાં હોય છે ને આપણે સોફ્ટ-કોપીવાળા ડિજીટલ થઈ ગયાં. એટલે વર્ષો જૂના ફોટા
એ લોકો આપણને આલ્બમ કાઢીને બતાવી શકે છે, ને આપણો જો સોફ્ટ કોપી માં રહેલો ડેટા ટ્રેશ થઈ ગયો તો એકી સાથે ઢગલો
બંધ ફોટા હાથમાંથી જતા રહ્યા સમજો.
આ તો થઈ એ લોકોની વાત જેમના સાથે હજુ આપણે સંપર્કમાં છીએ કે જેઓ હજી હયાત છે. પણ બાલમંદિર માં સાથે ભણેલા એ
નાના-નાના મિત્રો, ત્યાંના શિક્ષકો, રીક્ષાવાળા કાકા કે આપણા બસ ડ્રાઈવર., શાળા કોલેજ જવા માટે ચોક્કસ સમયે આપણે ચોક્કસ
રસ્તે પસાર થતા ત્યારે સામે મળતા લોકો.જો આપણે મોડા હોઈએ તો દરરોજ કરતા એ વધુ આગળ ક્રોસ થઈ જતાં. એ કલસમેટ જે
દરરોજ આપણને સ્મિત આપીને પાછળની બેંચે ગોઠવાતી. આપણું એ ગ્રૃપ જેની સાથે બેસીને આપણે નાસ્તો કરતા. એ વડીલો
જેમણે લાડ લડાવીને આપણને મોટા કર્યા છે. આ બધા જ ની અનેક યાદો હજી આપણા મનમાં એવી અકબંધ છે કે જ્યારે જ્યારે એ
દાબડો ખોલીએ ત્યારે ત્યારે એમાંનું અત્તર મેહકાયા કરે છે.
માણસના જીવનની એક આ અતુલ્ય ભેટ છે એના સંસ્મરણો. જે એને જીવવાનું બળ પૂરું પાડે છે ને નવી ઊર્જા પૂરી પાડે છે.તો એને
વાગોળતા રહીયે અને ધબકતાં રહીયે.


















































