હિંદુ ધર્મમાં શાક્ત સંપ્રદાયનું એક અભિન્ન અંગ એટલે શક્તિપીઠ. અમુક શાસ્ત્રોમાં અનુક્રમે 51, 52 અને 108 શક્તિપીઠોનો ઉલ્લેખ છે. પુરાણોનુસાર સતીના શવના વિભિન્ન અંગો દ્વારા શક્તિપીઠોનું મિર્માણ થયું હતું. કથા એવી છે કે હાલના હરિદ્વારના કનખલ ખાતે દક્ષ પ્રજાપતિએ બૃહસ્પિતક યજ્ઞનું આયોજન કર્યુ. આ યજ્ઞમાં તેણે ઈન્દ્ર, વિષ્ણુ અને બ્રહ્મા સહિત તમામ દેવોને આમંત્રણ આપ્યું પરંતુ જાણી જોઈને મહાદેવને આમંત્રણ ન આપ્યું. શંકરની પત્ની અને દક્ષપુત્રી એવી મા સતી મહાદેવના સમજાવવા અને ના પાડવા છતા પણ યત્રમાં ભાગ લેવા ગયા. યજ્ઞસ્થળ પર સતીએ પિતાને શિવજીને આમંત્રિત ન કરવાનું કારણ પૂછીને ઉગ્ર વિરોધ કર્યો. આ જોઈ દક્ષે ભગવાન શંકરને અપશબ્દો કહીને તેમનું અપમાન કર્યુ. પોતાના પતિનું અપમાન સહન ન થતાં સતી યજ્ઞકુંડમાં કૂદીને પોતાના પ્રાણ ત્યાગે છે. ભગવાન શંકરને જ્યારે આ વાતની જાણ થાય છે ત્યારે ક્રોધાયમાન થાય છે અને પોતાની જટામાંથી એક લટ કાઢીને પહાડ પર પછાડી પોતાના ગણ વીરભદ્રને દક્ષના યજ્ઞનો ભંગ કરવા કહે છે. શિવજીનો ક્રોધ જોઈ સમસ્ત દેવગણ ભાગી જાય છે અને વીરભદ્ર દક્ષનું મસ્તક કાપી નાખે છે. ભગવાન શિવ સતીના પાર્થિવ દેહને પોતાના ખભે લઈને ભટકવા લાગ્યા. ત્યારબાદ સૃષ્ટિને પ્રલયથી બચાવવા વિષ્ણુજીએ પોતાના સુદર્શન ચક્ર વડે સતીના શરીરના 52 ટુકડા કરી નાખ્યા. એ ટુકડા જે જે સ્થળે પડ્યા એ તમામ સ્થળો શક્તિપીઠ કહેવાયા. દરેક શક્તિપીઠ પર મહાદેવે તેની રક્ષા માટે એક એક ભૈરવની નિમણૂક કરી. તંત્ર ચૂડામણિ, કાલિકા પુરાણ અને દેવીભાગવતમાં એકાવન શક્તિપીઠોની માહિતી છે જ્યારે અન્ય ગ્રંથોમાં કુલ 52 કે 108 શક્તિપીઠોની વાયકા છે. હું અહી એકાવન શક્તિપીઠોની સૂચિ રજૂ કરી રહ્યો છું.
| ક્રમ | શક્તિપીઠનું નામ અને સ્થળ | અંગ કે આભૂષણ | શક્તિ | ભૈરવ |
| 1 | હિંગળાજ (કરાચી, પાકિસ્તાન) | માથાનો ઉપલો ભાગ | કોટ્ટરી દેવી | ભીમલોચન |
| 2 | કરવીર – નૈનાદેવી (હિ.પ્ર.) | ત્રિનેત્ર | મહિષાસુરમર્દિની | ક્રોધીશ |
| 3 | સુગંધા(બાંગ્લાદેશ) | નાક | સુનંદા | ત્ર્યંબક |
| 4 | હિમ-અમરનાથ(કાશ્મીર) | ગળું | મહામાયા | ત્રિસંધ્યેશ્વર |
| 5 | જ્વાલાજી (કાંગડા, હિ.પ્ર.) | જીભ | સિદ્ધિદા(અંબિકા) | ઉન્મત્ત |
| 6 | જલંધર (પંજાબ) | ડાબું સ્તન | ત્રિપુરમાલિની | ભીષણ |
| 7 | અંબાજી(ગુજરાત) | હ્રદય | અંબાજી | બટુક |
| 8 | ગુહ્યેશ્વરી (પશુપતિનાથ, નેપાળ) | બંને ઘૂંટણ | મહાશિરા | કપાલી |
| 9 | કૈલાસ માનસરોવર (તિબેટ) | જમણી હથેળી | દાક્ષાયણી | અમર |
| 10 | ઉત્કલ (ઓરિસ્સા) | નાભિ | વિમલા | જગન્નાથ |
| 11 | ગંડકી (નેપાળ) | મસ્તક | ગંડકી (ચંડી) | ચક્રપાણિ |
| 12 | બહુલા (પ.બંગાળ)/બહુચરાજી (ગુજ.) | ડાબો હાથ | બહુલા, બાલાત્રિપુરસુંદરી | ભીરુક
ત્રિપુરેશ |
| 13 | ઉજ્જૈની (મ.પ્ર) | કોણી | મંગલચંડિકા(હરસિદ્ધિ) | કપિલાંબર |
| 14 | માતાબાઢી પર્વત(ત્રિપુરા) | જમણો પગ | ત્રિપુરસુંદરી | ત્રિપુરેશ |
| 15 | ચટ્ટલ (બાંગ્લાદેશ) | જમણો હાથ | ભવાની | ચંદ્રશેખર |
| 16 | ત્રિસ્ત્રોતા (પશ્ચિમબંગાળ) | ડાબો પગ | ભ્રામરીદેવી | અંબર |
| 17 | કામાખ્યા (નીલાંચલ પર્વત, ગુવાહાટી) | યોનિ | કામાખ્યા | ઉમાનંદ |
| 18 | યુગાદ્યા (પશ્ચિમબંગાળ) | જમણો અંગૂઠો | ભૂતધાત્રી દેવી | ક્ષીરખંડક |
| 19 | કાલીપીઠ (કાલીઘાટ, પશ્ચિમબંગાળ)
પાવાગઢ (ગુજરાત) |
જમણા પગની આંગળીઓ | કાલિકા | નકુલીશ |
| 20 | પ્રયાગ (અલ્હાબાદ) | હાથની આંગળીઓ | લલિતા | ભવ |
| 21 | જયંતિ (મેઘાલય) | ડાબી જાંઘ | જયંતિ | ક્રમાદિશ્વર |
| 22 | કિરીટ (પશ્ચિમબંગાળ) | મુગટ | વિમળા | સાંવર્ત |
| 23 | મણિકર્ણિકા ઘાટ (વારાણસી, ઉ.પ્ર) | જમણા કાનનું રત્ન | વિશાલાક્ષી | કાલભૈરવ |
| 24 | કન્યાશ્રમ (તમિલનાડુ) | પીઠ | શ્રવણી | નિમિષ |
| 25 | કુરુક્ષેત્ર (હરિયાણા) | એડી | સાવિત્રી | સ્થનુ |
| 26 | મણિબંધ (પુષ્કર, રાજસ્થાન) | હાથના કાંડા | ગાયત્રી | સર્વાનંદ |
| 27 | શ્રીશૈલ (આંધ્ર) | ગળું | મહાલક્ષ્મી | શંભરાનંદ |
| 28 | કાંચી (પશ્ચિમબંગાળ) | અસ્થિ | દેવગર્ભા | રુરુ |
| 29 | કાલમાધવ (મ.પ્ર.) | ડાબું નિતંબ | કાળી | અસિતાંગ |
| 30 | શોણ (મ.પ્ર., નર્મદાના ઉદ્ગમસ્થાને) | જમણું નિતંબ | નર્મદા | ભદ્રસેન |
| 31 | રામગિરી (ચિત્રકૂટ, ઉ.પ્ર.) | જમણું સ્તન | શિવાની | ચંડ |
| 32 | વૃંદાવન (મથુરા, ઉ.પ્ર) | વાળ | ઉમા | ભૂતેશ |
| 33 | શુચીન્દ્રમ (કન્યાકુમારી) | ઉર્ધ્વદંત | નારાયણી | સંહાર |
| 34 | પંચસાગર (ઉત્તરાખંડ) | નીચદંત | વારાહી | મહારુદ્ર |
| 35 | કબતોયાતટ (બાગ્લાદેશ) | ડાબો પગ | અર્પણા | વામન |
| 36 | શ્રી પર્વત (લદ્દાખ) | જમણા કાનની બુટ્ટી | શ્રી સુંદરી | સુંદરાનંદ |
| 37 | વિભાષ (પશ્ચિમબંગાળ) | ડાબી એડી | કપાલિની | શર્વાનંદ |
| 38 | મગધ | જમણી જાંઘ | પટણેશ્વરી | વક્રતુંડ |
| 39 | ઉજ્જૈન (મ.પ્ર) | ઉપરનો હોઠ | અવંતી | લંબકર્ણ |
| 40 | જનસ્થાન (ગોદાવરી તટ, નાસિક) | હડપચી | ભ્રામરી | વિકૃતાક્ષ |
| 41 | સર્વશૈલ (આંધ્ર) | ડાબો ગાલ | રુકમિણી,વિશ્વેશ્વરી | વત્સનાભ,દંડપાણિ |
| 42 | વિરાટ (રાજ.) | ડાબા પગની આંગળીઓ | અંબિકા | અમૃતેશ્વર |
| 43 | મિથિલા (બિહાર) | ડાબો ખભો | ઉમા | મહોદર |
| 44 | રત્નાવલી (તમિલનાડુ) | જમણો ખભો | કુમારી | શિવ |
| 45 | નલહટી (પશ્ચિમબંગાળ) | પેટની નાડીઓ | ભદ્રકાળી | યોગેશ |
| 46 | કર્ણાટ (વૈજનાથ જ્યોતિર્લિંગ) | બંને કાન | જયદુર્ગા | અભિરુ |
| 47 | વક્તેશ્વર | ભ્રમરો | મહિષાસુરમર્દિની | વક્રનાથ |
| 48 | યશોર (પ.બંગાળ) | ડાબી હથેળી | યશોરેશ્વરી | ચંદ્ર |
| 49 | અટ્ટહાસ (પશ્ચિમબંગાળ) | હોઠ | ફુલ્લરા | વિશ્વેશ |
| 50 | નંદીપુર (પશ્ચિમબંગાળ) | ગળાનો હાર | નંદિની | નંદીકેશ્વર |
| 51 | શ્રીલંકા | નુપૂર | ઈન્દ્રાક્ષી | રાક્ષસેશ્વર |
અન્ય શક્તિપીઠો –
- શંકરી દેવી, ત્રિંકોમાલી, શ્રીલંકા
- કામાક્ષી દેવી, કાંચી, તમિલનાડુ
- સુવર્ણકલા દેવી, પશ્ચિમબંગાળ
- ચામુંડેશ્વરી દેવી, મૈસૂર, કર્ણાટક
- જોગુલંબા, આંધ્રપ્રદેશ
- ભ્રમરામ્બા દેવી, શ્રીશૈલમ પર્વત
- મહાલક્ષ્મી દેવી, કોલ્હાપુર
- એકવીરાક્ષી દેવી, નાંદેડ
- હરસિદ્ધિ દેવી, ઉજ્જૈન
- પુરુહુતિકા દેવી, આંધ્રપ્રદેશ
- પૂરણગિરી, ઉત્તરાખંડ
- મણિઅંબા, આંધ્રપ્રદેશ
- વૈષ્ણોદેવી, કશ્મીર
- શારદાદેવી, પી.ઓ.કે.
- વિન્ધ્યવાસિની, ઉ,પ્ર.
- મહામાયા, છત્તીસગઢ
- દંતેશ્વરી, છત્તીસગઢ
- શાકંભરી દેવી, ઉ.પ્ર
- મનસાદેવી, હરિદ્વાર
- બીજાસણ દેવી, મ.પ્ર.
- સપ્તશ્રૃંગી, નાસિક
નોંધ – ઉપર દર્શાવેલ સૂચિ અંબાજી મંદિરની વેબસાઈટ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર રજૂ કરવામાં આવેલ છે.
સંપાદક – આદિત શાહ


















































