પૂરક, રેચક, પૂરક, રેચક. યાદ છે આ શ્વાસ માટેનું પ્રાણાયામ? દરેક એ આ શાળામાં કર્યું જ હશે, કેટલું આસાન લાગતું ને એ સમયે! હાલ આની ખૂબ જ જરૂર છે કારણ બધા ને ખબર જ છે. સોના – ચાંદી, શાકભાજી, પેટ્રોલ, ડીઝલ, ગેસ, પાણી વગેરે વગેરે કરતાં પણ અત્યારે જે સૌથી મોંઘું છે એ છે શ્વાસ. મફતમાં મળતો શ્વાસ આજે માંગ્યા રૂપિયા આપતા પણ નથી મળતો કારણ શું કોરોના? ના ભાઈ ના કારણ તો આપણે બધા ખુદ જ છીએ ને.
૨૧ % ઓક્સિજન હવામાં હાજર છે, આવું ગૂગલ કે છે, વિજ્ઞાન કહે છે, હશે સાચું પણ કદાચ આપણે કોઈ માપવા નથી ગયા પણ હકીકત તો આપણ ને પણ ખબર છે કે ૨૧% તો દેખાડવાના છે જેમ સરકારના કરોડોના પ્રોજેક્ટ દેખાડવામાં આવે છે તેમ જ. સાચી હકીકત તો દિવાળીમાં ફૂટતા ફટાકડા અને હોસ્પિટલમાં ICUમાં દાખલ થયેલા દર્દીઓને પૂછો તો ખબર પડે કે ઓક્સિજન કેટલું હાજરમાં છે. આપણે ધોરણ ૮ માં ભણી ગયા, જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ અને જીવાવરણ, સૌથી વધુ મહત્વ ગુણના આધારે ત્યારે પણ વાતાવરણને આપવામાં આવતું કારણ કે વાતાવરણ વગર કોઈ પણ આવરણ શક્ય નથી. કોઈ પણ જીવ વાતાવરણમાં ઓક્સિજનની માત્રા ઘટે એટલે શ્વાસના લઈ શકે પરંતુ આપણે એટલા એડવાન્સ થઈ ગયા કે બધુ લેતા થઈ ગયા પણ શ્વાસ લેતા ભૂલી ગયા.
કેટ કેટલા ઉદાહરણ છે માણસોના શ્વાસની ધજીયા ઉડાવતા, “અરે યાર મારે એટલું કામ છે કે, શ્વાસ લેવાનો પણ સમય નથી.” “શાંતિથી જરાક બેસવા તો દે, શ્વાસતો લેવા દે.” “હું તો ૨ દાદરા ચડું ત્યાં તો મને હાફ ચડવા મંડે હો બાપા.” “હવે તો આ શહેરમાં શ્વાસ લેવો પણ અઘરો થઈ ગયો છે.” આવું તો હું તમને ગણાવું એટલું ઓછું છે. માણસનો જીવ એટલો અધિરો છે કે અહી પૃથ્વી પર શ્વાસ એને ઓછો પડે છે એટલે બિચારા ઉપર રહેલા ગ્રહમાં હળી કરવા જાય છે અને પછી એમ કે મને આ ગ્રહ નડે ને પેલો ગ્રહ નડે, માણસ ને માણસ નડે છે એટલે જ તો આજે એકબીજાના શ્વાસ લેવાથી પણ તકલીફ થાય છે.
ભગવાને કોઈ શ્વાસની બિમારી બનાવી જ નહોતી, આ આપણી ઉપજ છે, અસ્થમા, ક્ષય, કેન્સર, સૌથી લેટેસ્ટ કોરોના. અસ્થમા એપ કયાથી? ચારભાઈ પીધા કરે, એકલાં ઠૂઠયા સળગાવ્યા કરે એમાં અંદર ફેફસા સળગયા ને આયો અસ્થમા. અધૂરામાં પૂરું અસ્થમાનું એડવાંન્સ વર્ઝન ક્ષય પણ એજ કારણે થાય છે. શ્વાસ લેવામાં પણ ફાંફાં પડતાં હોય તોઈ અમુક ડોહલા ને ચારભાઈ ના મુકાય. ચોખૂ લખેલું આવે છે પેકેટ પર, “જાનલેવા છે, આનાથી કર્ક રોગ થાય” તો પણ યુવાનોને સીગરેટ નથી મૂકાતી એક સ્ટાઇલ થઈ ગઈ અને હવા તો એટલી કરશે કે નાકમાંથી ને મોઢામાંથી અલગ અલગ ધુમાડા કાઢીને ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવશે ભલે પાછળ પછી શ્વાસ લેવામાં પોતાના જીવનની રીલ ટુંકી પડી જાય. કોરોના એ તો માણસને એની જાત બતાવી છે એમ કહો તો પણ ખોટું નહીં. સાચું એ સમજાવ્યું કે મફતમાં મળતા શ્વાસની કદર કરો બાકી દવાખાનામાં જ્યારે પૈસા દેતા પણ નહીં મળેને ત્યારે મનમાં મલાલ આખી જિંદગી રહી જ જશે.
ભગવાને કે કુદરતે સાહેબ આપણી પાસે ફક્ત આટલું જ માંગ્યું કે પ્રદૂષણ ના કરો, આટલી સુંદર દુનિયા છે એને આપણે સજાવેલી હમેશાં રાખીએ બસ આટલું જ ને છતાં પણ આપણે સમજવું નથી. દિવાળીમાં કહી કહીને થાક્યા ફટાકડા ના ફોડો, આજે ફોડશો તો આવતીકાલે શ્વાસ લેવામાં તમને જ તકલીફ પડશે પણ નહીં આવું કોઈ કહીં જ કેમ શકે, હિન્દુ તહેવારમાં જ બધા નિયમો નડે છે, ત્યાં પાછો આપણો ધર્મ ખૂબ જ જાગૃત થઈ જાય છે.
અમૂલ્ય ભેટ છે શ્વાસ અને નસીબદાર છીએ કે હજી પણ આ સેવા મફત છે, તમને ખબર જ છે શ્વાસનો વેપાર શરૂ થઈ જ ગયો છે અને એ સમય દૂર નથી કે રોજમરા ના કામ કરવા જવા માટે પણ બાળકો જેમ દફતર ટીંગાડીને જાય છે તેમ આપણે પણ ઓક્સિજનના બાટલા ટીંગાડીને જશું. વિશ્વાસ ના આવે તો ૨૦૧૯ નું વર્ષ થોડું રિવાઇંડ કરીને દિલ્લીના વિડિયો અને ફોટા ગૂગલ કરજો નજર સામે બધુ આવી જ જશે.
શ્વાસ ખૂબ જ કીમતી છે એને સાચવીએ બાકી તો આપણી પાસે લેટેસ્ટ છે જ લેતા રહેશું SMOG.
—————————————–
Related