સામાન્ય રીતે આપણે વ્યક્તિને તેના કાર્યો કે ક્રિયા દ્વારા ઓળખીએ છીએ. જે પણ આપણને નરી આંખે દેખાય છે તે સાચું લાગે છે અથવા આપણે શબ્દો કે વાણીથી વ્યક્તિને ઓળખીએ છીએ. જે આપણને સંભળાય છે તેને સાચું માની લઇએ છીએ. ટૂંકમાં લોકોને ઓળખવા માટે આપણે આપણી ઇન્દ્રિયોનો ઉપયોગ સામાન્ય રીતે કરતા હોઈએ છીએ. પરંતુ ઇન્દ્રિયોની મર્યાદાને કારણે મોટેભાગે આપણે વ્યક્તિને તેના યથાર્થ સ્વરૂપમાં ઓળખી શકતા નથી અને ભૂલ કરી બેસીએ છીએ. આમ તો આપણે અવિરત સંસાર અને સંબંધોથી છેતરાતા જ રહીયે છીએ અને ક્યારેક છેતરાવવાની ખૂબ ઊંચી કિંમત પણ ચૂકવતા હોઈએ છીએ. ઘણીવાર તો આજીવન સહન કરવું પડતું હોય છે.
સંસારમાં જ્યાં વ્યક્તિના વાણી, વિચાર અને વર્તનમાં એકરૂપતા નથી ત્યાં માણસને ઓળખવો એમ પણ કઠિન છે. લોકોના મનમાં કંઈક હોય છે શબ્દોમાં કંઈક અને ક્રિયા તો તેનાથી તદ્દન ભિન્ન એ આપણા સૌનો અનુભવ છે. આવી દંભી દુનિયામાં વ્યક્તિને ઓળખવો લોઢાના ચણા ચાવવા જેવી કપરી પરિસ્થિતિ છે. જો વ્યક્તિને તેની ક્રિયા કે શબ્દોને બદલે તેની પાછળના તેના ઈરાદાને આધારે સમજવામાં આવે તો તેની સાચી ઓળખ કદાચ શક્ય બને અને છેતરાવવાના ચાન્સીસ ઓછા થઈ જાય. પરંતુ તે માટે સંસારને બે આંખે જોવો પડે એટલે કે પૂર્વગ્રહરહિત થવું પડે, સ્વાર્થને છોડવો પડે. કારણ કે ઘણીવાર અંગત સ્વાર્થને કારણે વાસ્તવિકતા દેખાવા છતાં આપણે દેખ્યું ના દેખ્યું એટલે ઉપેક્ષા કે અવગણના કરતા હોઈએ છીએ. વ્યક્તિને તેની ક્રિયાને બદલે ઇરાદાથી ઓળખવા માટે ઇન્દ્રિયોને બદલે મનની આંખોનો ઉપયોગ કરવો પડે. જેના માટે સૂક્ષ્મ પ્રજ્ઞાબુદ્ધિ અને વિવેકની આવશ્યકતા રહેલી છે.
વળી કોઈપણને તેના સાચા સ્વરૂપમાં ઓળખવા માટે શાંતિ અને સ્થિરતાની સ્થિતિ આવશ્યક છે. જે કદાચ ક્યારેય આપણી પાસે હોતી જ નથી. શાંત અને સ્થિર થતાંની સાથે જ સામેની વ્યક્તિ ઓળખાવવા માંડે છે. પરંતુ આપણે દુનિયાના તમામ નિર્ણયો ખૂબ ઉતાવળમાં અને સ્વાર્થ કે પૂર્વગ્રહ સાથે જ લેતા હોઈએ છીએ. જેના કારણે મોટેભાગે વ્યક્તિને ઓળખવામાં થાપ ખાઈ જઈએ છીએ અને તેની ખૂબ ઊંચી કિંમત લાંબા સમય સુધી ભરપાઇ કરીએ છીએ. આપણે જ્યારે કોઈને દાન-પુણ્ય કે સત્કર્મ કરતા જોઈએ છીએ ત્યારે ખૂબ પ્રભાવિત થઈ જઈએ છીએ અને ત્વરિત વખાણ કરી બેસીએ છીએ કે કેટલો સારો માણસ છે વળી પૂરી ઓળખ કે જાણકારી વગર ઉતાવળે બીજા કેટલાય લોકોને તેના સારા હોવાની જાણ કરી બેસીએ છીએ જેના કારણે એક ભ્રમિત માયાજાળ સંસારમાં રચાય છે અને અનેક નિર્દોષ લોકો તે જાળમાં ફસાઈ જાય છે. જ્યારે સમજાય ત્યારે ખૂબ મોડું થઇ ગયું હોય છે. કબૂતરને ચણ નાખનાર પુણ્યશાળી આત્મા છે કે શિકારી તે તો તેના ઇરાદા દ્વારા જાણી શકાય પરંતુ આપણું નિરીક્ષણ ક્યારેય એટલું સૂક્ષ્મ અને યથાર્થ હોતું જ નથી કે આપણે વાસ્તવિકતાને સમજી શકીએ. તેની પાછળ કારણ અનેક હોઈ શકે જેમ કે નિર્ણય લેવામાં ઉતાવળ, શાંતિ અને સ્થિરતાની ગેરહાજરી, એ વ્યક્તિ અંગેની તમારી પૂર્વગ્રહિત ઓળખ એટલે કે વ્યક્તિ સારી જ છે અથવા ખરાબ જ છે એવો વ્યક્તિગત ભ્રમ.
આપણે સૌ જાણીએ છીએ કે સારા કે ખરાબ દરેક કર્મો પાછળ અનેક કારણો કે ઉદ્દેશો જવાબદાર હોય છે જેમ કે દાન પાછળ પ્રતિષ્ઠાપ્રાપ્તિ, અનેકગણું પાછું મેળવવાની તમન્ના, પોતાના નામને મૃત્યુ બાદ પણ અમર કરવાની ઈચ્છા, ઉપરાંત ઘણીવાર વ્યાવસાયિક હેતુ એટલે વ્યવસાયિક લાભનો સ્વાર્થ પણ જવાબદાર હોય છે. આજના કોમર્શિયલ યુગમાં નિસ્વાર્થ કશું થતું નથી. “હું તારા માટે આટલું કરું અને તું મારા માટે તેટલું કર” ના ભાવથી સોદા જ ચાલ્યા કરે છે. જેની આપણને જાણ ન હોવાને કારણે માત્ર ક્રિયા કે શબ્દોના ભ્રમમાં ફસાઈ આપણે વ્યક્તિને ઓળખવામાં થાપ ખાઈ જતા હોઇએ છીએ. ઘણીવાર ધાર્મિક આધ્યાત્મિક સંત ગુરુને ઓળખવામાં પણ આવી જ ભૂલ થતી હોય છે. જે વાસ્તવમાં જ્ઞાનના શિખરે પહોંચેલો માણસ છે તેને આપણે અલ્પબુદ્ધિ જીવ પારખી શકતા નથી અને ક્રિયા તેમજ શબ્દોના છલાવા દ્વારા અયોગ્ય વ્યક્તિને પૂજવા માંડીએ છીએ.
મને અહીં એક વાર્તા યાદ આવે છે, એક સિદ્ધ ઋષિમહાત્મા એક દિવસ શિવલિંગ પર પગ રાખીને સુતા હતા. ઘણા લોકોએ તેમને જોયા, તીવ્ર ટીકા કરી, તેમના વિષે અયોગ્ય પ્રચાર કર્યો, ન કહેવાના શબ્દો કહ્યા. અંતે એક નિર્દોષ માણસે તેમને વિનંતી કરી કહ્યું કે તમે આ રીતે કેમ સુતા છો? ભગવાન શિવ અમારા આરાધ્ય દેવ છે અને તમારી આ ક્રિયા અમારા દિલને ચોટ પહોંચાડી રહી છે, જેથી તમે તમારા પગ શિવલિંગ પરથી હટાવી લો. ત્યારે મહાત્માના ચહેરા પર દિવ્ય હાસ્ય આવ્યું અને તેમણે પેલા નિર્દોષ માણસને કહ્યું બેટા મારા પગને એ દિશામાં મૂકી દે જ્યાં શિવ ન હોય. બધા અવાક થઈ ગયા કેમ કે આપણે સૌ જાણીએ છીએ કે એવી કોઈ જગ્યા જ નથી જ્યાં શિવ ન હોય. એ દૃષ્ટિએ મહાત્માના પગ હંમેશા શિવલિંગ ઉપર જ રહેવાના અથવા તો શિવ ઉપર જ રહેવાના. પરંતુ આપણે એક ચોક્કસ જગ્યાએ જ શિવને જોઈએ છીએ જેથી તે જગ્યાને પવિત્ર અને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. એ આપણો વ્યક્તિગત દ્રષ્ટિદોષ છે. મહાત્મા જેવી ઉત્તમ દ્રષ્ટિ કે પ્રજ્ઞાબુદ્ધિ આપણી પાસે નથી અને છતાં આપણે આપણી છીછરી બુદ્ધિ અને દ્રષ્ટિથી હંમેશાં સામેની વ્યક્તિને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ તેમ જ આપણી બુદ્ધિ પ્રમાણે તેની ટીકા-ટિપ્પણી અવિરત કરતા રહીએ છીએ. જેના દ્વારા એક વિષમય કર્મની જાળ બુનીયે છીએ અને જન્મોજન્મ તેમાં ફસાતા રહીએ છીએ. વળી અન્ય સત્ય પણ સમજવું જોઈએ કે શિવલિંગ પર પગ મૂકીને સુનાર હંમેશા મહાન ભક્ત કે સિદ્ધ મહાત્મા જ હોય કે જે જ્ઞાનના શિખરે પહોંચેલા છે તેવું દરેક વખતે સાચું નથી હોતું. મહાન અજ્ઞાની આત્મા પણ ઘણીવાર સિદ્ધ હોવાના દંભમાં એવું જ અનુકરણ કરી શકે છે જે કદાપિ ચલાવી ન શકાય. કોઈ દારૂડિયો દારૂના નશામાં ભાન ભૂલી શિવલિંગ પર પડ્યો હોય તો ક્રિયાની દ્રષ્ટિએ તો દારૂડીયો અને મહાત્મા બંને એક જ લાઇનમાં આવે છે એટલે કે જોનારની દ્રષ્ટિએ તેવો એક સરખા છે. પરંતુ તેમના ભાવ અને ઈરાદામાં આસમાન-જમીનનો ફર્ક છે. પરંતુ આપણે ક્યારેય વ્યક્તિના આંતરિક ભાવને ઓળખવાની પરવા કરતા જ નથી અને માત્ર તેની બાહ્ય ક્રિયા અને શબ્દોના છલાવામાં આવી જઈ ધુણવા માંડીએ છીએ. જે બુદ્ધિશાળી કે સમજદાર વ્યક્તિ તરીકે યોગ્ય નથી.
ઘણીવાર આપણા અંગત માણસો કે સંબંધીઓ બે શબ્દ (સલાહ) ઉત્તમ આંતરિક ભાવ સાથે કહે તે આપણને રોકટોક લાગે છે, જેમ કે માતા-પિતા સંતાનને કે ગુરુ શિષ્યને કે પતિ-પત્ની એકબીજાને અતિશય લાગણી અને ઉત્તમ ભવિષ્યની ચિંતામાં સલાહ આપે તે સામાન્ય રીતે આપણને ગમતી હોતી નથી. એ જ આપણી અક્ષમ્ય ભૂલ છે. શક્ય હોય તો દરેકને તેના ભાવથી ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. માત્રને માત્ર ક્રિયા દ્વારા નહીં પરંતુ ક્રિયા પાછળ રહેલ યોગ્ય કે અયોગ્ય ઈરાદા દ્વારા દરેકને ઓળખવાનો પ્રયત્ન કરીશું તો મને વિશ્વાસ છે હંમેશા ખુશ રહીશું અને બીજા ઘણા નુકસાન અને જોખમમાંથી બચી જઈશું કેમ કે યોગ્યને અયોગ્ય સમજવા કે અયોગ્યને યોગ્ય બંનેમાં નુકસાન તો આપણું પોતાનું જ છે. શિવલિંગ પર પગ મૂકી સુનાર મહાત્માને દારૂડિયા સમજવા કે દારૂડિયાને મહાત્મા બંનેમાં કંઇ ગુમાવવાનું જોખમ સમાજ માટે રહેલું છે, તે કદી ન ભૂલવું.
આપણે કોઈ ગરીબને બે-પાંચ રૂપિયાની ભીખ આપીએ તો વિચારીએ છીએ કે તે આ પૈસાનો ઉપયોગ યોગ્ય તો કરશેને, દારૂ પીવા કે અન્ય અયોગ્ય રસ્તે તો નહીં વાપરેને, પરંતુ જ્યારે મંદિરો કે દેરાસરોમાં ધર્મગુરુઓને લાખો રૂપિયા આપીએ છીએ ત્યારે એક સેકન્ડ માટે પણ નથી વિચારતા કે તેઓ આ રૂપિયાનો કેવો ઉપયોગ કરશે? એક જગ્યાએ ઈરાદો જાણવામાં રસ પરંતુ બીજી જગ્યાએ નહીં એવું કેવું? આને જ મારી નજરમાં એક આંખે જોયું કહેવાય. જ્યાં કોઈ સ્વાર્થ, પૂર્વગ્રહ કે માન્યતા કાર્યરત છે ત્યાં સંપૂર્ણને જોવું અશક્ય બની જતું હોય છે. ક્યાં સુધી આપણે આવું અધૂરું (એક આંખે) જોયા કરીશું? જો એક આંખે જોવું જ વ્યાજબી હોત તો ઈશ્વર કદી આપણને બે આંખો આપત નહિ. ઈશ્વરની અમૂલ્ય ભેટ સમાન આંખોનો યથાર્થ દર્શન માટે ઉપયોગ કરી બે આંખે જોવાની આદત કેળવીએ. એટલા માટે જ શાસ્ત્રોમાં સાક્ષીભાવ કેળવવાની સલાહ અપાય છે. વાસ્તવમાં સ્થિતપ્રજ્ઞ રહી સાક્ષીભાવે દર્શન કરવાથી વસ્તુ જેવી છે તેવી દેખાય છે એટલે કે ક્રિયાનું તેના ઇરાદા સાથેનું દર્શન શક્ય બને છે કેમ કે વ્યક્તિ સ્થિર, શાંત, સ્વાર્થરહિત, પૂર્વગ્રહરહિત અને માન્યતારહિત હોય ત્યારે વાસ્તવિકતાનું સંપૂર્ણ દર્શન કરી શકે છે. જે માત્ર બે આંખો દ્વારા જોવાથી જ થઈ શકે અને એટલા માટે જ પ્રભુએ મનુષ્યને બે આંખ આપી છે કે તે દરેક ક્રિયાને તેના ઇરાદા સાથે સમજે એટલે કે એક આંખે ક્રિયાને જોવે અને બીજી આંખે ઈરાદાને જાણી યથાર્થ નિર્ણય કરી જીવનને મહદઅંશે સુખશાંતિમય બનાવે.
શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ. HKBBA કોલેજ



















































