નારાયણ નારાયણ(દેવલોકમાં)
ઇન્દ્રદેવ: અરે નારદજી આવો આવો પ્રણામ
નારદજી: પ્રણામ દેવરાજ. હું બહુ વિચલિત થઈ ગયો છું પૃથ્વીલોકની દશા જોઈને.
દેવરાજ: હા, નારદજી પણ આપણે શું કરી શકીએ? પૃથ્વીલોકમાં જે થઈ રહ્યું છે તેનું કારણ પણ ત્યાંના વાસીઓ છે.
(એટલામાં ચિત્રગુપ્ત આવે છે)
ચિત્રગુપ્ત: પ્રણામ દેવરાજ, પ્રણામ નારદજી.
દેવરાજ: અહીં અચાનક આવવાનું કારણ જણાવો.
ચિત્રગુપ્ત: નર્કલોકની પરિસ્થિતિ ગંભીર થતી જાય છે, મૃત્યુલોકમાં સંખ્યા વધતી જાય છે, પાપીઓને સજા આપવા ઉકળતાં તેલની અછત સર્જાય છે. મારા પર કામનો બોજ અગણિત રીતે વધી રહ્યો છે, હું કેટલાં પાપ-પુણ્યની ફાઇલનો હિસાબ રાખું? એક ક્ષમતા કરતાં વધુ લોકો ત્યાં આવી રહ્યાં છે, આપણે આ સમસ્યાનું નિરાકરણ વહેલી તકે કરવું પડશે નહીંતર બધું અસ્તવ્યસ્ત થઈ જશે.
નારદજી: હું પણ એજ ચિંતા સાથે અહીં આવ્યો છું. દેવરાજ કંઈક ઉપાય કરો.
દેવરાજ: હા સમસ્યા તો બહુ વિકટ છે, ચાલો આપણે બધાં દેવો સાથે મળીને મહાદેવ અને વિષ્ણું ભગવાન પાસે જઈએ.
(થોડીવારમાં કૈલાસ પર્વત પર બધાં ઉપસ્થિત થાય છે.)
બધાં એક સાથે: ત્રાહિમામ, ત્રાહિમામ. દેવાધિદેવ મહાદેવની જય હો.
મહાદેવ: (સમાધિમાં લિન બધાંનો અવાજ સાંભળી નેત્ર ખોલે છે.)
પધારો દેવરાજ ઇન્દ્ર, અરે નારદજી તમે પણ? આજે આપ સહુની ઉપસ્થિતિ અચાનક અહીં કૈલાસ પર?
નારદજી: પ્રભુ(હસતાં હસતાં) નારાયણ નારાયણ, પ્રભુ તમે તો બધું જાણો જ છો, પૃથ્વી પર વિનાશ સર્જાયો છે, મૃત્યલોકમાં વ્યવસ્થા બગડી રહી છે, ચારેતરફ તબાહી સર્જાય છે, પ્રભુ આપ જ આનું નિવારણ કરો.
મહાદેવ:હા, હું બધું જાણું જ છું, પણ આ તેમનાં પાપોની સજા છે, આપણે વિષ્ણું દેવને વિનંતી કરીએ તો કંઈક રસ્તો શોધી શકાય.
નારદજી: નારાયણ નારાયણ, તો ચાલો આપણે સહુ અતિશીઘ્ર વિષ્ણું દેવને વિનંતી કરવાં પહોંચીએ.
(એટલામાં જ એક મૃત્યુલોકનો સૈનિક હાંફળો-ફાફળો થઈ આવે છે.)
સૈનિક: દેવાધિદેવની જય હો. અહીં ઉપસ્થિત સહુને મારાં પ્રણામ.
નારદજી: (સૈનિકને) શું થયું? તમે કેમ આમ હાંફી રહ્યાં છો? જલ્દીથી જણાવો.
સૈનિક: પ્રભુ મૃત્યુલોકમાં અફરાતફરી સર્જાય છે, અમુક મનુષ્યજાતિના લોકોએ સ્વર્ગમાં સ્થાન મેળવવા જીદ કરી રહ્યાં છે, આંદોલન શરૂ કર્યા છે, તોડફોડ કરી રહ્યાં છે, અંદરોઅંદર લડાઈ કરી રહ્યાં છે, અમને બચાવો આ મનુષ્ય નામનાં રાક્ષસથી.
મહાદેવ: શું આ મનુષ્ય જાતિને એટલું અભિમાન આવી ગયું કે અહીં આવીને પણ આવાં કૃત્ય કરે છે, હવે તો શાન ઠેકાણે લાવવી જ પડશે. (આંખ બંધ કરી વિષ્ણું દેવનું સ્મરણ કરે છે.)
(ત્યાંજ વિષ્ણું દેવ પ્રગટ થાય છે.)
વિષ્ણું દેવ: પ્રણામ દેવાધિદેવ.
મહાદેવ:પ્રણામ વિષ્ણું દેવ, સ્થાન ગ્રહણ કરો.
સર્વે દેવો:(એકસાથે) પ્રણામ સ્વીકાર કરો પરમાત્મા.
વિષ્ણું દેવ: મારુ સ્મરણ કર્યું મહાદેવ?
મહાદેવ:હા, અહીં દરેક દેવગણ અને નારદજી વિકટ સમસ્યા લઈ ઉપસ્થિત થયાં છે અને આપ તો બધું જાણો જ છો આપ તો અંતર્યામી છો.
વિષ્ણું: હા પ્રભુ પણ આપ ભોળાનાથ યુગોથી જે પણ આપની શરણે આવે તેને વરદાન આપી શક્તિ પ્રદાન કરો છો, તેથી મનુષ્ય આપનો લાભ ઉઠાવે છે. હવે સમય આવી ગયો છે કે આપ જ સહુને તેમની ભૂલોનું ભાન કરાવો.
મહાદેવ: સત્યવચન પ્રભુ, આનું નિરાકરણ તો કરવું જ પડશે, હું પણ જોઉં છું મારા ભક્તોને, જે ભક્ત હોવાનો ઢોંગ કરી રોજ કંઇક ને કંઈક માંગવા જ આવે છે.
મહાદેવ:(મૃત્યુલોકના સૈનિકને આજ્ઞા કરે છે) સૈનિક જાઓ મૃત્યુલોકમાં જઈ જે મનુષ્ય આંદોલન કરી રહ્યાં છે તેમનામાંથી અમુક સમજું લોકોને બધાવતી અહીં વાત કરવા લઈ આવો. આપણી સહુની સાથે સભા બીજા પ્રહરમાં થશે.
(બીજા પ્રહરમાં સહુ ઉપસ્થિત થાય છે)
(બ્રહ્મા-સરસ્વતી, વિષ્ણું-લક્ષ્મી, શિવ-પાર્વતી એકસમાન સિંહાસન પર બિરાજમાન છે, સહુ દેવગણ પણ ઉપસ્થિત છે)
નારદજી: નારાયણ નારાયણ, આટલાં બધાં ગુણીજનો છે પૃથ્વી પર?
મનુષ્ય:(એક સાથે) પ્રભુને પ્રણામ કરી પોતપોતાનાં ગુણ ગાય છે, મેં આટલાં સારા કર્મ કર્યા છે, મેં આમ કર્યું છે, મેં તેમ કર્યું છે વગેરે વગેરે, મારુ સ્થાન તો સ્વર્ગલોકમાં જ હોવું જોઈએ, હું કોણ છું તે તમે જાણતા નથી, વગેરે વગેરે ચીસો પાડે છે.
મહાદેવ: (ગુસ્સામાં) શાંત થઈ જાઓ બધાં, તમે ક્યાં ઊભાં છો તેનું તો ભાન રાખો.
વિષ્ણું દેવ: ક્રોધિત નાં થશો મહાદેવ, આ મનુષ્ય જાતિ આવાં કૃત્યો પૃથ્વી પર પણ કરતી આવી છે. આપણે બધાને તેમનાં પૃથ્વી પરના કાર્યક્ષેત્રના આધારે પોતાની વાત આપણી સમક્ષ રજૂઆત કરવાની તક આપીએ.
મહાદેવ: ઠીક છે, જેમ આપને યોગ્ય લાગે તેમ કરીએ.
વિષ્ણું દેવ: સૌ પ્રથમ પૃથ્વીનો વૈજ્ઞાનિક આગળ આવે.
વૈજ્ઞાનિક: પ્રણામ પ્રભુ. મેં પૃથ્વી પર કેટલાં આવિષ્કાર કર્યા છે, દવાઓ બનાવી, ટેલિવિઝન, ટેલિફોન, મિસાઈલ, બધું વૈજ્ઞાનિકો દ્વારા થયું છે. એટલે જ સમાજમાં મને ઉચ્ચ સ્થાન મળ્યું છે.
વિષ્ણું: તમે વૈજ્ઞાનિકો તો એમ જ સમજતા હતા કે ભગવાન હોય જ નહીં સર્વત્ર વિજ્ઞાનના કારણે જ બધુ ચાલે છે, અને સૌથી મોટી ભૂલ તમે પેલો મોબાઈલ બનાવીને કરી છે, જેના કારણે મનુષ્ય કોઈનો નથી રહ્યોં. મનુષ્ય એ ભૂલી ગયો છે કે પંચત્ત્વને કારણે પૃથ્વી પર બધું વ્યવસ્થિત ચાલતું હોય છે પણ નવી નવી શોધો કરવાની લ્હાયમાં તમે પૃથ્વી પર ઘણી અવ્યવસ્થા સર્જી છે.
નેતા: પ્રભુ હવે મને કંઈ બોલવાનો વારો આપો.
પ્રભુ: આજ્ઞા છે. જે કહેવું હોય તે ઝડપથી કહો.
નેતા: હું તો બધું જ કાર્ય કરું છું, દરેક ક્ષેત્રમાં મારી ઘાક છે, મારાથી બધાં ડરે છે, મને જો તમે નરકમાં મોકલો તે મારુ અપમાન કહેવાય. કેટલાં લોકો, અધિકારીઓ મને સલામ કરે છે.
પ્રભુ : (મંદ મંદ હસે છે) નેતાજી તમને તો જનતાની સેવા માટે મેં પદ પર બેસાડ્યા હતાં પણ તમે જોહુકમી સિવાય કશું કર્યું જ નહીં અને તમારાં ખાતામાં તો પુણ્ય કરતા પાપ વધુ છે, તમને કંઈ રીતે સ્વર્ગમાં સ્થાન આપી શકાય.
વેપારી: પ્રણામ પ્રભુ, મેં તો રોજ તમારી પૂજા કરીને જ મારું કાર્ય શરૂ કર્યું છે. આપ તો જાણો જ છો જે ધન કમાયું તે ખૂબ મહેનત કરીને કમાવ્યું છે. દુકાને આવતાં સાધુ-ફકીરને પણ દાન આપ્યું છે, માટે હું તો સ્વર્ગમાં રહેવા પ્રબળ દાવેદાર છું.
પ્રભુ: તે રોજ મારી પૂજા કરી તેમાં ફક્ત લક્ષ્મીની પ્રાપ્તિ અને વેપાર વૃદ્ધિ માટે પૂજા કરી, નિસ્વાર્થ પૂજા કરી નથી, અને કાળાબજારી, ભેળસેળ યુક્ત સામાન તે વેચ્યો જે નીતિથી વિરુદ્ધ છે.
ડોક્ટર: પ્રભુ મારો શું વાંક? મેં તો હંમેશા દર્દીઓને જીવનદાન આપ્યું છે. મારાં કારણે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે. હું એક પ્રતિષ્ઠિત હોસ્પિટલ ચલાવું છું.
પ્રભુ: હા, મને ખબર છે, તારા હોસ્પિટલની ચર્ચા કરવામાં આવે છે. પરંતુ તું ફક્ત એક મુલાકાતમાં હજારો રૂપિયા પડાવે છે, કોઈ ગરીબ કે મધ્યમ વર્ગના દર્દી તારાં પાસે સારવાર અર્થે આવી પણ નાં શકે, શું જ્ઞાનનો ઉપયોગ ફક્ત કમાણી માટે જ કરવો યોગ્ય છે? શું જેની પાસે પૈસા નથી એને જીવનદાન આપ્યું છે કોઈવાર?
શિક્ષક: પ્રણામ પ્રભુ, પ્રણામ દેવી, પ્રભુ હું શિક્ષક, પૃથ્વી પર જે મનુષ્ય પોતાના પદની પ્રાપ્તિ કરે છે તે મારાં કારણે જ છે, ડોક્ટર, વિજ્ઞાનિક, વકિલ, એન્જિનિયર બધાં મારાં દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી આગળ વધે છે, મારાં વગર આ દરેક લોકો કંઈ નાં બની શકે. હું છું તેથી આ લોકોનું અસ્તિત્વ છે.
પ્રભુ: (હસતાં હસતાં) આટલું અભિમાન? તમે તો ગુરૂ છો, તો પણ આટલાં અજ્ઞાની? ગુરુનો નિયમ એવો છે કે બધાને સરખું જ્ઞાન આપવું અને બદલામાં જે ગુરુદક્ષિણા મળે તેમાં ખુશ રહેવું, અને ફક્ત પુસ્તકિયું જ્ઞાન નહિં પણ યોગ્ય જીવન જીવવાની શૈલી શીખડાવી પણ અત્યારે તો શિક્ષણનો સૌથી મોટો વેપાર ખોલ્યો છે.
ખેડૂત: પ્રણામ પ્રભુ, હું તો ગરીબ ખેડૂત, લોકો મને અન્નદાતાના નામથી ઓળખે છે, હું ખૂબ મહેનત કરી અનાજ પકવું છું, છતાં મારે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિનો સામનો કરવો પડે છે, મને હવે તો સ્વર્ગમાં રહેવાનો લાભ મળવો જ જોઈએ.
પ્રભુ: હા ધરતીપુત્રો, પણ તમે ઓછાં સમયમાં વધુ પાક મેળવવાની લાલચમાં પાક ઝડપથી અને વધુ પ્રમાણમાં મેળવવા તેમાં કેમિકલ વાપરો છો, શું તે યોગ્ય છે? મનુષ્યના સ્વાસ્થ્ય સાથે ચેડાં નથી?
નાસ્તિક: મેં તો તમારી કોઈ દિવસ પૂજા નથી કરી, કારણ મને લાગતું હતું કે જે પ્રભુ હોય તે કોઈને દુઃખ આપે જ નહીં, પણ આજે જ્યારે સ્કૂલમાં પરીક્ષા રદ્દ થઈ ત્યારે પરીક્ષાનું મહત્વ સમજાયું.
પ્રભુ: મને એ વાતનો કોઈ હમગમ નથી કે નાસ્તિક લોકો મારી પૂજા નથી કરતાં, પણ જેમ જીવનમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ માટે સ્કૂલમાં પરીક્ષા આપવી પડે છે તેમ જીવનમાં શ્રેષ્ઠ માનવી બનવા માટે પરીક્ષા આપવી પડે છે, જેમ પૃથ્વી પર સારાં પદાધિકારીઓનું માન છે એમ અહીં મારાદ્વારા લેવાયેલ પરીક્ષામાં જે ઉત્તીર્ણ થાય છે તેને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય છે.
સ્ત્રી: પ્રભુ, ખૂબ ખૂબ આનંદ થયો તમારાં દર્શનનો લાભ મળ્યો. હું લાચાર સ્ત્રી છું, મારો ત્રણ મહિનાનો દીકરો મારાં વગર કેમ જીવશે? તમે મને આટલી જલ્દી અહીં કેમ બોલાવી? મારો પરિવાર મારાં વગર શું કરશે? મને સ્વર્ગ નથી જોતું, મારાં પરિવાર પાસે મને મોકલો.
પ્રભુ: સ્ત્રી હમેશાં પૂજનીય હોય છે, પણ ત્યાં સુધી જ જયાં સુધી તે તેની સીમાં પાર નથી કરતી, ઘરનાં સભ્યોને ખુશ રાખવાં એની સર્વપ્રથમ જવાબદારી છે, પણ આજે દરેક સ્ત્રી પોતાના હક્કનો ગેરલાભ ઉઠાવે છે, અને તે કહ્યું કે તારે ત્રણ મહિનાનો દીકરો છે, શા માટે પહેલાં જન્મેલી બન્ને દીકરીઓને દૂધ પીતી કરી દીધી, જન્મ અને મૃત્યુ મારાં દ્વારા નક્કી કરવામાં આવે છે, તમને શું હક્ક છે આવા કૃત્યો કરવાનો?
નારદજી: નારાયણ નારાયણ, પ્રભુ તો શું આમાંથી કોઈપણ સ્વર્ગમાં જવા યોગ્ય નથી? દરેકે થોડાં તો સારાં કાર્ય કર્યા જ હશે?
પ્રભુ: મનુષ્ય આજે પૈસાની લાલચમાં એટલો આંધળો થયો છે કે નીતિથી કોઈ કાર્ય કરતો જ નથી, જેમ પૃથ્વી પર દરેક જગ્યાએ પૈસાની જરૂર પડે એમ સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત કરવા પુણ્ય નામની મુદ્રાની જરૂર પડે, તો તે મુદ્રા નાં હોય તો કેવી રીતે સ્વર્ગમાં સ્થાન મળે?
બધાં મનુષ્ય:(એક સાથે) માફી માંગે છે, પ્રભુ અમને માફ કરી દો, અમે માનવજીવન મળ્યાનો લાભ નાં લઈ શક્યાં, અમને એક તક આપો તો અમે સુધારો કરીશું, અને અમારાં સંતાનોને પણ અહીંની મુદ્રા વધુ જરૂરી છે તેનું જ્ઞાન આપીશું.
પ્રભુ: પૃથ્વી પર જે પણ ઘટનાં ઘટે છે, તે ત્રિદેવ દ્વારા જ ઘટે છે, પણ મનુષ્ય એટલો અભિમાની થયો છે કે મારી પાસે ફક્ત સફળતા પ્રાપ્ત કરવા આવે છે, અને મળ્યા પછી અહમ આવી જાય છે.
બધાં મનુષ્ય(આંખમાં આંસુ સાથે) અમારી ઘણી ભૂલ થઈ છે અમને માફ કરી દયો, અમને અમારાં કરેલા કાર્યો પર પસ્તાવો છે.
પ્રભુ: (થોડો ગુસ્સો શાંત થાય છે) તમારાં આંસુ તમારાં પસ્તાવાની સાબિતી છે તેથી હું તમને બધાને એક તક આપું છું, ધરતી પર તમારી અંતિમક્રિયા હજુ થઈ નથી તેથી તમને બધાને એક વર્ષનું જીવનદાન આપું છું, આ એક વર્ષમાં તમારે પોતાના કાર્ય ખુબજ નિષ્ઠાથી કરવાના, અને તમારાં સંતાનોને પણ સારાં માર્ગ પર ચાલતા શીખડાવવાનું, બરોબર એક વર્ષ પછી આપણે બધાં ફરી મળીશું અને યોગ્યતાના આધારે તમને કર્મો મુજબનું સ્થાન મળશે.
નારદજી: નારાયણ નારાયણ, વાહ પ્રભુ તમારી લીલા અપરંપાર. નારાયણ નારાયણ.
(બધાં મનુષ્ય આભાર વ્યક્ત કરી ફરી પોતાના શરીરમાં પ્રવેશે છે)
નોંધ: આ લેખ દ્વારા હું કોઈપણ ક્ષેત્રનો વિરોધ નથી કરી રહી પણ ખરેખર આપણે બધાં પૈસાની પાછળ એટલાં બધાં ઘેલા થયાં છીએ કે માણસાઈ હારી રહી છે.
મનિષા સેજપાલ.


















































