“વેલેન્ટાઇન ડે” એટલે સ્નેહ અને પ્રેમ પ્રદર્શિત કરવાનો દિવસ. જે દર વર્ષની ૧૪મી ફેબ્રુવારીએ લાગણી અને સ્નેહના પ્રતિક સમાન સંત વેલેન્ટાઇનની યાદમાં ઉજવવામાં આવે છે. જેનું નિર્ધારણ western christian church દ્વારા કરવામાં આવ્યું છે. એ દિવસે પ્રેમી પંખીડા પોતાનો પ્રેમ વિભિન્ન ભેટો જેવી કે કાર્ડ, ફૂલ, ભેટ-સોગાદ દ્વારા પ્રદર્શિત કરે છે. ભારતમાં તો પ્રેમનું ખૂબ ઉચ્ચ અને પવિત્ર સ્થાન છે અને પવિત્ર પ્રેમના પ્રતિક સમાન રાધાકૃષ્ણની તો લોકો પૂજા કરે છે. એ વાત જુદી છે કે રાધાકૃષ્ણની પૂજા કરનાર સમાજને ઘણીવાર પ્રેમીપંખીડા સામે તીવ્ર વાંધો હોય છે. વાસ્તવમાં આપણે પ્રેમને તેના સાચા અર્થમાં સમજી જ શક્યા નથી એવું મારૂ દ્રઢપણે માનવું છે. માત્ર વેલેન્ટાઇન ડે જેવા દિવસ ઉજવીને સમજણ વગરનું પ્રેમનું નાટક કરી પોતાની જાતને જ છેતરતા હોઇએ એવું ક્યારેક લાગે છે.

આજીવન રાધા-કૃષ્ણની પૂજા કરનાર સમાજ કે કુટુંબ યુવાનોના પ્રેમને ક્યારેક સમજી કે સ્વીકારી શકતો ન હોય એવા અનેક દ્રષ્ટાંતો આપની નજર સામે હોય છે ત્યારે લાગે કે રાધા-કૃષ્ણની પૂજા કરનાર સમાજને એ ખબર જ નથી કે તેવો રાધા-કૃષ્ણની પૂજા શા માટે કરે છે? રાધાકૃષ્ણ શેના પ્રતિક છે અને શું જીવનબોધ આપે છે? મારી જેમ તમારા બધાનો પણ એ અનુભવ અવશ્ય હશે જ કે રાધા-કૃષ્ણની ભક્તિ-પૂજા જે સમાજમાં થાય છે તે જ સમાજના સંતાનો જ્યારે કોઈના પ્રેમમાં પડે છે ત્યારે માતા-પિતા બાળકોના પ્રેમને સ્વીકારી શકતા નથી. ક્યારેક તો ખૂબ હિંસક બની જાય છે, તેમના પ્રેમને તોડવાનો સફળ કે અસફળ પ્રયત્ન કરે છે. જો આવા પ્રયત્નોમાં સફળ થાય તો પોતાના અહંકારને પોષી કંઈક ઉત્તમ કર્યું હોવાનો આનંદ લે છે અને જો અસફળ રહે તો પ્રેમ કરનાર (પોતાના જ સંતાનો) સાથે માત્ર પ્રેમ કરવાની સજારૂપે સંબંધો તોડી નાખે છે. બંને કિસ્સામાં હાર તો પ્રેમની જ થાય છે.
પ્રેમ તો એક ઊંડી સમજણનું નામ છે, જે મોટાભાગે આપણામાં હોતી જ નથી. પ્રેમના પ્રતિક રાધાકૃષ્ણને પૂજનાર સમાજે એટલું તો સમજવું જ રહ્યું કે રાધાક્રષ્ણની પૂજાનું કોઈ વિશેષ કારણ નથી સિવાય કે બંનેનો એકબીજા પ્રત્યેનો અખૂટ, અસીમ, નિસ્વાર્થ, ઊંડી સમજણ સાથેનો અલૌકિક પ્રેમ. વળી કોઈ પ્રેમને આસક્તિ કે મોહ ન સમજી બેસે કેમ કે પ્રેમમાં નિતાંત આનંદ હોય છે જ્યારે આસક્તિમાં અવિરત પીડા. આસક્તિમા સતત કંઇક મેળવવાની ઇચ્છા અને અપેક્ષા હોય છે જ્યારે પ્રેમમાં સતત આપીને ખુશ રહેવાની ભાવના. પ્રેમ જ્યારે આવો ઊંડો, નિસ્વાર્થ અને અલૌકિક બને ત્યારે તે પૂજા કે ભક્તિનું પ્રતીક બની જાય છે. તો આજના આ વિશેષ દિને આપણાં પ્રેમને નિસ્વાર્થ અલૌકિક બનાવી ભક્તિનું પ્રતિક બનાવી શકાય તો ઉજવણી સાર્થક થાય.

પ્રેમને સમજવો દરેક માટે સરળ નથી. દિવ્યપ્રેમને સમજવા કે તેના યથાર્થ દર્શન માટે દિવ્યચક્ષુની આવશ્યકતા રહે છે. જે સ્વાર્થી અને કપટી જમાનામાં આપણે જીવીએ છીએ ત્યાં તો પ્રેમ શબ્દ એક ગાળ સમાન લાગે છે. કેમ કે પ્રેમના નામે આપણે એકબીજાનું માત્ર શોષણ જ કર્યા કરીએ છીએ. જ્યાં સુધી આપણી ઈચ્છા અને અપેક્ષા પ્રેમીપાત્ર દ્વારા સંતોષાય છે ત્યાં સુધી આપણને તેનામાં રસ કે કહેવાતો પ્રેમ રહે છે. પરંતુ પ્રેમી કે પ્રેમિકા પોતાના સ્વગગનમાં સ્વૈરવિહાર કરવા ઈચ્છે તો તેના પર જબરજસ્તીની બંદીશોનો બોજો લાદી દેવામાં આવે છે. જ્યાં પ્રેમ તો દમ તોડી જ દે છે સાથે સાથે પ્રેમ પરનો ભરોસો પણ ખતમ થઈ જાય છે.
સમાજ બે વ્યક્તિ વચ્ચેના પ્રેમને સમજી કે સ્વીકારી નથી શકતો કેમ કે દરેક સમાજના પ્રેમ અંગેના પૂર્વનિર્ધારિત ધોરણો છે જેના દ્વારા તેઓ સુખ નક્કી કરે છે. જો તે ધોરણો અનુસાર વ્યક્તિ પ્રેમ કરે તો તે માન્ય કે સ્વીકાર્ય બને છે નહીં તો તેનો અસ્વીકાર એક ઝનૂન સાથે કરવામાં આવે છે. જેમ કે ધનદોલત-સંપતિ, સૌંદર્ય, પ્રતિષ્ઠા, ઉચ્ચ કુળ, કહેવાતા સંસ્કાર, ખાનદાન, નાતજાત વગેરે પરિબળોને આધારે પ્રેમ કરવામાં આવે તો તેને ઉમળકા સાથે સ્વીકારવામાં આવે છે. વળી એ વાત પણ એટલી જ સત્ય છે કે આજની યુવાપેઢીને સાચા પ્રેમની પરખ નથી. પ્રેમ કોને કહેવાય તેની જાણકારી કે ઓળખ ન હોવાને કારણે સમસ્યાનું સર્જન સ્વાભાવિક છે. માત્ર ભૌતિક આકર્ષણને તેવો પ્રેમ સમજી બેસે છે અને જીવનભર પસ્તાય છે. અંતે પ્રેમને જ દોષ દે છે. ક્યાંક એની પાછળ પણ વડીલો અને સમાજ જવાબદાર છે એવું મને લાગે છે કેમ કે તેમણે પ્રેમની સાચી ઓળખ કરતા સંતાનોને શીખવાડ્યું જ નથી.

મારું અંગત મંતવ્ય એવું છે કે આપણે લગ્ન માટે લાગણી કે પ્રેમને આવશ્યક માન્યો જ નથી. પ્રેમ કે લગ્નની શરત જો ધનદોલત, શાન-ઓ-શોકત,સુખસાહીબી, સૌંદર્ય, નાત-જાત વગેરે હોય તો એનો સીધો અર્થ એ છે કે સમાજમાં લગ્ન કે સંબંધોના જોડાણ માટે આવશ્યક શરત પ્રેમ છે જ નહીં. માત્ર સુખના સાધનો અને સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્તિની ચાહત છે અને કદાચ એટલે જ આજના સમાજમાં તમામ સુખસાહીબી, ધનદોલત, માનમરતબા વચ્ચે વ્યક્તિ ખૂબ બેચેન, દુઃખી અને અસ્વસ્થ જણાય છે. કેમ કે સ્નેહસભર જીવન જ સાચા સુખની ચાવી છે, જે આપણે સૌ જાણીએ તો છીએ છતાં દેખાદેખી, પરંપરા અને પ્રતિષ્ઠાના ચક્કરમાં જીવનમાંથી સૌપ્રથમ બાદબાકી પ્રેમની જ કરી નાખીયે છીએ અને પછી સંપૂર્ણ સુખસાહ્યબી વચ્ચે સતત અવિરત જીવનભર માત્ર પ્રેમ જ શોધ્યા કરીએ છીએ. પ્રેમની ઝંખના રાખીએ છીએ અને પ્રેમ ન હોવાનો જ અફસોસ કર્યા કરીએ છીએ. પરંતુ જે પ્રેમને આપણે પોતે જ ખૂબ સમજણપૂર્વક તરછોડ્યો છે કહેવાતા ભૌતિક સુખ ખાતર તો પછી તેનો અફસોસ શા માટે?
પ્રેમના પ્રતિક સમાન જે રાધાકૃષ્ણની સમાજ પૂજા કરે છે તેમનામાં ઉમર,નાત-જાત, ધનદોલત, સૌંદર્ય એકેય બાબતની સામ્યતા જોવા મળતી નથી. સમાજ કે સંસાર દ્વારા નિર્ધારિત કોઈ પરિબળો કે ધારાધોરણો પ્રમાણે રાધાકૃષ્ણ સંબંધ યોગ્ય નથી. રાધા અને કૃષ્ણ ન તો ઉંમરની દ્રષ્ટીએ યોગ્ય જોડું છે કે ન તેમના સૌન્દર્યમાં કોઈ મેચિંગ છે. ધનદોલતની દૃષ્ટિએ પણ કોઈ સામ્યતા જોવા મળતી નથી, એક રાજા છે તો બીજો રંક. ઉંમરમાં પણ સ્ત્રી મોટી અને પુરુષ નાનો જેવી અસમાનતા જોવા મળે છે. સૌદર્યની દ્રષ્ટિએ પણ એક શ્યામળો અને એક રૂપાળી. જે સમાજના પૂર્વનિર્ધારિત પરિબળો કે ધોરણો અનુસાર સ્વીકાર્ય વાત નથી છતાં રાધા-કૃષ્ણની પૂજા યુગોથી થાય છે. આવી જ ઊંડી સમજણ અને ઉદાત્ત ભાવના પ્રેમથી ભરેલા યુવાનો પ્રત્યે રાખવામાં આવે તો જીવનમાંથી કદાચ દુઃખોની બાદબાકી થઇ શકે. પરંતુ પ્રેમ અંગે આવી ઉદાત્ત ભાવના સમાજ રાખી શકતા નથી એ જ સમાજની સૌથી મોટી કરુણતા છે.
મને લાગે છે એટલિસ્ટ જે દેશમાં રાધા-કૃષ્ણની પૂજા થાય છે ત્યાં તો અનેક ભૌતિક ધોરણોથી ઉપર ઊઠી પ્રેમનો યથાર્થ આદર-સત્કાર અને સ્વીકાર થવો જોઈએ. એ લોકો ચોક્કસ ધન્ય છે જે રાધા-કૃષ્ણરૂપી પ્રેમને પૂજે છે. પરંતુ એ પૂજા જો માત્ર ભાવ વગરની યાંત્રિક ક્રિયા જ બની રહે તો કદાપિ પરિણામલક્ષી બની શકે નહીં. વાસ્તવમાં આપણે પ્રેમને પસંદ નથી કરતાં એવું બિલકુલ નથી, પરંતુ જો એ પ્રેમ આપણે નિર્ધારિત કરેલ પરિબળો કે ધોરણો (નાત-જાત,ધર્મ, માન-મરતબો, ધનદોલત, સૌંદર્ય, ખાનદાન વગેરે)ને આધીન હોય તો તેના સ્વીકાર અંગે આપણને વિશેષ આપત્તિ ક્યારેય હોતી નથી. પરંતુ જો તે પ્રેમ આવા સાંસારિક ધોરણોને આધીન કે અનુકૂળ ન હોય તો તે પ્રેમ આપણને માન્ય હોતો નથી. એનો અર્થ એ થયો કે આપણા જીવનમાં પ્રેમથી વધુ મહત્વ આવા અનેક પૂર્વનિર્ધારિત ધોરણો અને પરિબળોનું છે. જીવનની શરૂઆતથી જ જ્યારે આપણે જાણે કે અજાણે સંતાનોને આ જ શીખવાડ્યું છે તો સ્વાભાવિક છે કે સંતાનો આવા પરિબળોથી જ આકર્ષાશે અને એને જ પ્રેમ સમજી બેસસે. વળી આવા પરિબળોથી આકર્ષાયા બાદ તે સુખી નહીં થાય ત્યારે પ્રેમને દોષ દેશે અને પ્રેમથી દૂર ભાગશે.

મનુષ્ય સામાજિક પ્રાણી છે અને તેની મૂળભૂત ઉર્જા સ્નેહ, પ્રેમ અને હૂંફ છે. પરંતુ આપણે યુવાનોને તે ઊર્જા અંગે ક્યારેય માહિતગાર કર્યા હોતા જ નથી જેથી તેઓ આપણા શીખવાડેલા પરિબળોને આધારે જીવનભર આવી પ્રેમઉર્જાની શોધમાં રહે છે પરંતુ પ્રેમને આવા પૂર્વનિર્ધારિત ધોરણો કે પરિબળો સાથે કોઈ લેવાદેવા જ નથી. જેથી આપણા સંતાનો ક્યારેય સાચી પ્રેમઊર્જાને પામી શકતા નથી અને જીવનભર પ્રેમ જેવી કોઈ વસ્તુને શોધ્યા કરે છે. જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે એવી માન્યતા દ્રઢ કરે છે કે સમાજમાં પ્રેમ જેવી કોઇ વસ્તુ છે જ નહીં અને એ દ્વારા અવિરત નફરત અને નેગેટિવિટી ફેલાવતા રહે છે. જેના દ્વારા પોતે તો કદી સુખ-શાંતિનો શ્વાસ લઈ શકતા નથી પરંતુ તેની સાથે જોડાયેલા અને અન્ય આજુબાજુ રહેલા લોકોને પણ ખોટા મેસેજ સ્પ્રેડ કરે છે. જેના પ્રભાવમાં બીજા અનેક લોકો આવે છે અને જીવનઊર્જા સમાન પ્રેમને મેળવવાથી વંચિત રહી જાય છે. પ્રેમ જેવી નિર્મળ અને દિવ્યઉર્જાને તેના સાચા સ્વરૂપમાં ઓળખવી અને સમજવી આવશ્યક છે. એ જ સમજણ સંતાનોને આપવી પણ અનિવાર્ય છે. સંતાનોમાં બચપણથી આવા સાચા સ્નેહસભર સંસ્કારોનું સિંચન કરવામાં નહીં આવે તો તે વ્યર્થ આકર્ષણને પ્રેમ સમજી જીવનને બરબાદ કરશે અને સાચા પ્રેમની પ્રાપ્તિ દ્વારા દિવ્યઊર્જા મેળવી જીવનને સાર્થક કરવાથી વંચિત રહી જશે.
આધુનિક માનવ અહંકારયુક્ત મહત્વકાંક્ષાના ગગનમાં એટલો આગળ વધી રહ્યો છે કે પ્રેમની નિકટ પહોંચવાની સુવિધા ઘટતી જાય છે. વૃન્દાવનમાં એક પ્રેમમંદિર છે જ્યાં રાધાનો પગ કૃષ્ણના ખોળામાં છે શું આપણે આવું અનુકરણ કરી શકીશું? પ્રેમમાં અહંકારને તો કોઈ સ્થાન જ નથી. અહંકાર હંમેશા એ વિચારે છે કે તેની પાસે જવાથી શું મળશે? અહંકારમાં હંમેશા પ્રયોજન હોય જ્યારે પ્રેમ નિષ્પ્રયોજન હોય. જીવનની સાધના એ જ સાચી ધર્મસાધના કે પ્રેમસાધના છે, એ સંપૂર્ણ પ્રેમસભર જ હોઈ શકે. જીવનનો આધાર જ પ્રેમ છે જે કદાચ આપણે ભૂલી ગયા છીએ. પ્રેમ જેવા મૂળભૂત આધારસ્તંભને હટાવી બનાવટી ધનદોલત, નાત-જાતના સ્તંભ ઉપર જીવનને ટકાવવાનો અને ખુશહાલ બનાવવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ જે અસંભવ છે એ તો સમજવું જ રહ્યું. તો આવો આજના “વેલેન્ટાઇન ડે” ના વિશેષ દિને પ્રેમની ગહેરાઈને સમજીએ સ્વીકારીએ અને પ્રેમના આ ઉત્સવમાં મહાલીએ. પ્રેમનો આ ઉત્સવ “વેલેન્ટાઇન ડે” જીવનમાં નવી ઉર્જા અને પ્રાણ પૂરે છે જે દ્વારા સમગ્ર જીવન સ્વસ્થ શાંત સુરક્ષિત અને સમૃધ્ધ બને છે. જીવનભર બીજું કઈ ન શીખી શકીએ તો વાંધો નહીં પરંતુ પ્રેમ કરતાં અવશ્ય શિખીએ. વળી પ્રેમને સીમિત ન રાખતા અસીમિત બનાવીએ, તેનું શક્ય એટલું વધુ વિસ્તરણ કરીએ અને સમગ્ર બ્રહ્માંડના જીવોનો તેમાં સમાવેશ કરીએ કેમ કે પ્રેમની તાકાત જેવી દુનિયામાં બીજી કોઈ તાકાત નથી.
Happy valentine day to all.
~ શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ


















































