“એ પપ્પુડા ઉઠ. નાના માલિક જોઈ જશે તો મારુ આવ્યું બનશે. ઉઠ ને જલ્દી.” કમલાએ પપ્પુના રૂમનો દરવાજો જોર જોરથી ખટખટાવ્યો.
મોટા માલિક, તમે જીવતા છો મોટા માલિક. ભગવાન તું પણ કેવી કેવી રમત રમે છે. મોટા માલિક જીવતા છે અને મને મિસ્ટર પરિમલ કહીને સંબોધે છે. હે માલિક તમે કેમ આવું કરો છો? તમારો દીકરો નપાવટ થયો છે. તમારી કળા, તમારો વારસો આગળ લઈ જવા માગતો નથી. માલિક તમે મને કેમ આ બધામાં ફસાવો છો? હું નોકર જ બરાબર છું મને તમે જાદુગર ના બનાવો.
“આ ગાંડો થઈ ગયો કે શું? મોટા માલિક.. મોટા માલિક કરે છે? લાગે છે કે માલિકના અવસાનની પપ્પુના મગજ પર ઊંડી અસર થઈ છે.” કમલાએ રૂમની અંદર બબડાટ કરી રહેલા પપ્પુનો કકળાટ સાંભળ્યો. “નાના માલિક.. નાના માલિક.. જલ્દી ડૉક્ટરને બોલાવો.. પપ્પુ ગાંડો થઈ ગયો.. પપ્પુનું ચસકી ગયું..” કમલા વિશ્વના રૂમ તરફ દોડી.

વિશ્વ નાહીને કાંચમાં જોઈ માથું ઓળવી રહ્યો હતો ત્યાં એને કમલાની બૂમાબૂમ સંભળાઈ.
“&&##, શું માંડ્યું છે આ બધા નોકરોએ? પેલા ઓલો &&## પપ્પુ અને હવે &&## કમલા.” ગાળો સાથે વિશ્વએ રૂમનો દરવાજો ખોલ્યો. “શું છે? શેની બૂમાબૂમ કરે છે?” વિશ્વએ સામે એક મહિલા ઉભી છે એની શરમ પણ ના રાખી.
કમલા વિશ્વની લાલ આંખો જોઈ થોડીવાર માટે ડઘાઈ ગઈ. શું કહેવા આવી હતી એ ભૂલી ગઈ.
“માલિક, પપ્પુ.. પપ્પુ..” કમલાને ગેંગે ફેફે થઈ ગયું.
“ફાટીશ હવે મોઢામાંથી શું છે એ, &&##?” એક એક વાક્યમાં વિશ્વ ગાળો ભાંડતો હતો.
“મોટા માલિક તમે આવી ગયા.. તમે આવી ગયા એવું બડબડ કરે છે.” કમલાએ ડરમાં કહ્યુ.
મોટા માલિક એમ સાંભળીને તો થોડીવાર માટે વિશ્વને થયું કે એના પિતા ભૈરવનાથ જીવતા થઈ ગયા. થોડીવાર માટે મગજમાં કમકમાં આવી ગયા.
“જલ્દી ચાલો, નાના માલિક. એ અડધો ગાંડો પૂરો ગાંડો થઈ જાય એ પહેલા ડૉક્ટરને બોલાવવા પડશે.” કમલાએ વિનંતી કરી.
“કોઈ જરૂર નથી એવી ડૉક્ટરને બોલાવવાની. હું હમણાં એની સામે આવીશ એટલે સાજો.” વિશ્વએ રૂમનો દરવાજો દીધો અને પપ્પુના રૂમ પાસે પહોંચ્યો.
મોટા માલિક, તમે જીવતા છો મોટા માલિક. ભગવાન તું પણ કેવી કેવી રમત રમે છે. મોટા માલિક જીવતા છે અને મને મિસ્ટર પરિમલ કહીને સંબોધે છે. હે માલિક તમે કેમ આવું કરો છો? તમારો દીકરો નપાવટ થયો છે. તમારી કળા, તમારો વારસો આગળ લઈ જવા માગતો નથી. માલિક તમે મને કેમ આ બધામાં ફસાવો છો? હું નોકર જ બરાબર છું મને તમે જાદુગર ના બનાવો.
વિશ્વએ પણ એ જ બબડાટ સાંભળ્યો. પોતાના માટે નપાવટ શબ્દ સાંભળીને એ ગુસ્સામાં નસખોરા ફુલાવવા લાગ્યો. કમલા હજી પપ્પુ માટે ચિંતિત હતી.
“&&## પપ્પુ, દરવાજો ખોલ.” વિશ્વએ ગાળ સાથે બૂમ પાડી.
અંદર હજી એ જ બબડાટ શરૂ હતો. વિશ્વએ જોર જોરથી દરવાજો ખખડાવ્યો. કોઈ જવાબ ના આવ્યો.
“”&&##.. &&##.. &&##.. શું ધારી છે તે? સમજે છે શું મને? અહિયાં તારો ચોકીદારી કરતો ફરું? ખોલ દરવાજો બાકી હમણાં ને હમણાં ભડાકે દઇશ.” વિશ્વએ ગાળોનો વરસાદ કર્યો.
ફરી સામો કોઈ જવાબ ના આવ્યો. અંદર બબડાટ એનો એ જ શરૂ. વિશ્વ કંટાળ્યો, વિચાર્યું કે દરવાજો તોડી નાખે પણ થયું કે એનાથી તો પોતાનું જ નુકસાન થાય. ઘરમાં એક માસ્ટર કી તો હતી જ. કમલાને એ માસ્ટર કી લેવા માટે મોકલી. કમલા વાયુવેગે માસ્ટર કી લેવા માટે ગઈ. કમલા આવે ત્યાં સુધીમાં વિશ્વએ મનમાં ને મનમાં પપ્પુને ઘણી ગાળો ભાંડી. પોતાની સવાર બગડી, ગઇકાલ રાતના નશાનું હેંગઓવર હજી થયું નહોતું ત્યાં ઉપરથી આ ઉપાધી આવી.
“લ્યો માલિક.” કમલાએ સાડીના છેડાથી પરસેવો લૂછતાં લૂછતાં ચાવી આપી.
વિશ્વએ માસ્ટર કી થી દરવાજો ખોલ્યો. અંદર જોયું તો પપ્પુ દેખાયો નહીં પણ એનો બબડાટ શરૂ હતો. થોડીવાર માટે તો કમલા ડરી ગઈ કે નક્કી મોટા માલિકની આત્મા પપ્પુમાં ઘૂસી ગઈ છે. વિશ્વએ આમ તેમ જોયું, પછી ખબર પડી કે પપ્પુનો અવાજ બેડ નીચેથી આવતો હતો.
વિશ્વએ બેડ નીચે જોયું, પપ્પુ ઉભડક બેઠો હતો. વિશ્વને બરાબર યાદ હતું કે પપ્પુ આમ ભૈરવનાથની સામે જ બેસતો. થોડીવાર માટે તો વિશ્વ પણ હેબતાય ગયો. મગજને નિયંત્રણમાં લાવીને પપ્પુને કોલરેથી પકડ્યો અને બેડની નીચેથી કાઢ્યો. સટ.. સટ.. સટ.. કરતાં વિશ્વએ ત્રણ તમાચા જીકી દીધા. પપ્પુના ગાલ ટમેટાંની જેમ લાલ થઈ ગયા. એ તમાચાના અવાજ એટલા ભારે હતા કે કમલા પણ હચમચી ગઈ.
“&&## પપ્પુડા, ક્યારના અવાજ કરીએ છીએ ભાન નથી પડતી જવાબ આપવાની? અહિયાં શું તારા બાપાના અમે નોકર રાખ્યા છીએ?” વિશ્વએ પિત્તો ગુમાવ્યો.
પપ્પુને એ ત્રણ તમાચાથી તમરી ચડી ગઈ. થોડીવાર માટે તો એ ભાન ભૂલી ગયો. સામે કોણ ઊભું છે? શું પૂછે છે? કશું બોલી ના શક્યો.
સટ.. સટ.. સટ.. વિશ્વએ ફરી બીજા ગાલ પર ઉંધા હાથના ત્રણ તમાચા જીકયા.
“નાના માલિક.. નાના માલિક.. મને ના મારો. તમને એક હકીકત કહેવી છે પણ તમે મને મારશો નહીં ને?” પપ્પુ હેબતાયેલો હતો.
“હા તારી હકીકત બધી જાણું જ છું. ગઈકાલે દેશી પી ગયો હોઈશ, આ બધી એની જ બબડાટ છે.” વિશ્વએ નેણ ચડાવીને કહ્યું.
“નહીં.. નહીં.. નહીં.. માલિક સાચું કહું છું. તમને પણ હકીકત જાણીને આંચકો લાગશે.”
“તારા બધા આંચકા ગયાં જન્મની ખાડીમાં. આ કમલાને જો ડરના મારી એનું મોઢું જો કેવું સફેદ થઈ ગયું છે! તોઈ હજી તારે હકીકત કહેવી છે અને આ શું માંડ્યું છે મોટા માલિક આવી ગયા.. મોટા માલિક આવી ગયા. તું ખુદ એનાં અગ્નિસંસ્કાર કરવા ગયો હતો ને. તો એ ક્યાંથી થયા જીવતા, એક નંબરનો &&##.” વિશ્વએ ગાળ સાથે વાત પૂરી કરી.
પપ્પુ સમજી ગયો કે એનો બબડાટ હતો એ આ કોઈ સાચું નહીં માને, ખાસ તો નાના માલિક તો બિલકુલ નહીં માને. એ કેમ હકીકત સમજાવે કે એણે મોટા માલિકને જોયા છે. એ લંડનમાં છે. લંડનમાં બિઝનેસ કરે છે. મોટા માલિકનો પુનર્જન્મ થયો છે.
“આ બધુ આ પુસ્તકને કારણે થાય છે. આ પુસ્તકને જ હું ફાડીને સળગાવી દઇશ. ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી.” વિશ્વએ બેડ પર પડેલું પુસ્તક હાથમાં લીધું.
“નહીં માલિક.. નહીં.. એમાં મારો જીવ છે. એ પુસ્તક રહેવા દો.” પપ્પુએ પગ પકડી લીધા.
વિશ્વ એકનો બે ના થયો. એણે પુસ્તકનું પહેલું પાનું ફાડવાની કોશિશ કરી કે અચાનક જ પપ્પુમાં અલગ જ તાકાત આવી અને વિશ્વને જેમ બળદ ઢીક મારે એમ પપ્પુએ એનું માથું વિશ્વની છાતી પર માર્યું. ફિલ્મોમાં જેમ ગુંડાઓ હીરોના મારથી ઊડે એમ વિશ્વ ફંગોળાઈને રૂમની બહાર પડ્યો. કમલા આ બધુ જોઈને ઘરની બહાર ભાગી. એણે તો નક્કી કરી લીધું કે પપ્પુને વળગ્યું છે. વિશ્વ પપ્પુની ઢીક સહન ના કરી શક્યો. બેભાન થઈને રૂમની બહાર પડ્યો.
પપ્પુએ ફટાફટ પુસ્તકને હાથમાં લીધું. પુસ્તકને સરખું કરીને છાતી સરસું ચાંપી દીધું. એકલો એકલો બબડતો રહ્યો, મોટા માલિકે આપેલું છે. આને હું કાંઇ નહીં થવા દઉં. બબડતા બબડતા પપ્પુએ બેડ પર બેઠી પુસ્તકનું પંદરમું પાનું ખોલ્યું.
જેવું પાનું ખૂલ્યું કે તરત જ ફરી વંટોળિયો આવ્યો. બારી અચાનક ખુલ્લી ગઈ. ઝાડના સુકાઈ ગયેલા પાંદડા ઉડવા લાગ્યા. પપ્પુએ ધ્યાનથી વાંચ્યું. મથાળે એક વાક્ય લખેલું હતું:
“Mystery creates wonder and wonder is the basis of man’s desire to understand.”
“રહસ્ય અજાયબી બનાવે છે અને અજાયબી સમજવી એ માણસની ઈચ્છાનો આધાર છે.”


















































