“માફ કરજો ગાયત્રી બહેન, અમે તમને આપેલું વચન ન નિભાવી શક્યા.”
નજર નીચી રાખતા, નરેશે ધીમા સ્વરે મને કહ્યું. ગિરીશના મિત્રો અમારા દરવાજામાં દોષી બની ઉભા હતા. મેં એમની પાછળ આંખ ફરાવી અને ચિંતિત થઈ પૂછ્યું,
“નરેશ, આ તું શું બોલી રહ્યો છે? ગિરીશ ક્યાં છે?”
પંદર વર્ષનો મારો નાનો ભાઈ, જીદ કરીને, દોસ્તો સાથે નદીકિનારે પિકનીક પર ગયો હતો. મમ્મીએ સતત ના પાડી, પરંતુ એનો મિત્ર, નરેશે વચન આપ્યું,
“પ્લીઝ માસી ગિરીશને અમારી જોડે મોકલો, હું કાળજી રાખીશ, અને એને હેમખેમ પાછો લઈ આવીશ.”
પણ કુદરતને કાંઈક બીજું જ મંજુર હતું. ગિરીશ પોતાનું સંતુલન ન સાંચવી શક્યો, અને નદીના તેજ વહાવમાં તણાઈ ગયો. આસપાસના લોકો, લાઈફગાર્ડ, અને પેરામેડિક્સ બધા આવ્યા. દસ દિવસ સુધી અમે ગિરીશેને ગોત્યો, પરંતુ દૂર દૂર સુધી એનો કોઈ અતો-પતો ન મળ્યો. મારો ભાઈ, એવો ગાયબ થઈ ગયો, જાણે ક્યારે હતો જ નહીં.
ચાર વર્ષ પછી, એનો અભાવ આજે પણ દિલમાં વિરહની આગ પ્રજ્વલ્લિત કરી રહી છે. અવિશ્વસનીય રીતે, અમારી સાથે આટલી મોટી દુઃખદ ઘટના ઘટી ગઈ. એની વસ્તુઓ જોઈ, એની વાતો યાદ કરી, આંસુ રોકાય નથી રોકાતા. હોલમાં એનો હંસતો ફોટો જોઈ દિલમાં ખંજર વાગે છે.
“દીદી પ્લીઝ, રક્ષા બંધન સાથે મસ્તી નહીં. મારી મનપસંદ પાવભાજી અને ગુલાબ જામુન, બીજા દિવસોમાં જે બનાવું હોય તે બનાવ.”
આજે પ્લેટમાં બન્ને વસ્તુ છે, પણ કોડીયો મોઢે નથી આવતો. આરતીની થાળીમાં ચાર રાખડીઓ જોઈ, હું ફરી ગદગદ થઈ ગઈ. હતાશા ભરેલા મારા નિસાસા ક્યારેય ઓછા નહીં થાય.
મમ્મી અને હું અમારા પરસ્પર વેદનામાં ડૂબેલા હતા, જ્યારે ડોરબેલ વાગી. દરવાજો ખોલતા જ હું સ્તબ્ધ રહી ગઈ. મમ્મીએ પાછળથી પૂછ્યું,
“કોણ છે ગાયત્રી?”
મને મારો અવાજ નહોતો ઓળખાઈ રહ્યો,
“ગિરીશ?!?!?”
“શું?” મમ્મી ચીસ પાડી અને દોડીને મારી પાસે આવી.
અમે ત્રણે એક સાથે ભેટી પડ્યા. વિયોગનું દુઃખ ઉભરાઈ રહ્યું હતું. “તું ક્યાં હતો મારા વીરા? અમે તો સાવ આશા મૂકી દીધી હતી.”
જ્યારે ભાવનાઓ શાંત પડી, ત્યારે ગિરીશે અમને જાણ કરી. દૂર સુધી તણાયા પછી, ઘણા દિવસો બેભાન રહ્યો અને એની યાદશક્તિ જતી રહી હતી. એક પ્રેમાળ અને ઉદાર પરિવારે તેને આશરો આપ્યો હતો. “યાદશક્તિ આવી, અને હું પાછો ફર્યો.”
વિરહનો એહસાસ ભગવાન કોઈને ન આપે. પ્રભુનો પુષ્કળ આભાર. જે થયું તે, મારો ભાઈ પાછો ઘર ભેગો થઈ ગયો.
શમીમ મર્ચન્ટ


















































