અનુભવનો છે એને કેમ અફવાનો વિષય સમજ્યા ?
તમે તો યાર ઈશ્વરને ય શંકાનો વિષય સમજ્યા !
જુઓ ! પ્રકૃતિમાં પ્રત્યેક પગલે પાઠ જીવતરનો,
જીવનનું પાઠ્યપુસ્તક છે ને રૂપિયાનો વિષય સમજ્યા.
અમુક નદીઓ બની ગઇ તો અમુક દરિયા બની બેઠા,
મહોબતને ય લોકો ફક્ત મળવાનો વિષય સમજ્યા.
થવાનું તો હતું બેરંગ દુનિયાના ય રંગોથી,
ને વસ્ત્રોને જ લીલા,લાલ,ભગવાનો વિષય સમજ્યા !
ગરીબી,ભૂખ,બેકારી,દમન છે આ જ દુનિયામાં;
અમુક તો ઇશ્ક-મહોબતને જ કવિતાનો વિષય સમજ્યા.
પડ્યા સિવાય એમાં એમ ક્યાં સમજાય છે પાણી,
ઘણા તો ફક્ત કાંઠે રહીને તરવાનો વિષય સમજ્યા !
એ નિરાકાર સુધી પહોંચવાનું એક પગથીયું છે,
તમે મંદિરની મૂર્તિને પથરાનો વિષય સમજ્યા?!
– મોતીજી ઠાકોર


















































