રમેશ પટેલ: નીચલા મધ્યમ વર્ગનો દરજી, જેની પાસે કોઈ દુકાન નહોતી. તેણે પોતાના નાના ફ્લેટની બાલ્કનીમાં સીવણ મશીન ગોઠવ્યું હતું અને ઘરેથી કામ કરતો હતો. મર્યાદિત સંસાધનો પરંતુ અમર્યાદિત સપના ધરાવતો માણસ: દિવસે દરજી, રાત્રે બાથરૂમ કલાકાર અને વચ્ચે એક ગુપ્ત યુટ્યુબ શોર્ટ્સ સર્જક હતો.
તે મુંબઈના ઉપનગરમાં બે રૂમના એક સાંકડા ફ્લેટમાં ઘરેથી કામ કરતો હતો, જેમાં એક સીવણ મશીન, એક વધુ પડતી ટીકાત્મક મા, એક કટાક્ષ કરતી પત્ની, જયા, એક મૂંઝાયેલ કિશોર પુત્ર, તપન અને એક ખૂબ જ વાચાળ પોપટ, ગોપી હતો.
સીવતી વખતે રમેશ ઓક્સિજનની જેમ બીજાના યુટ્યુબ શોર્ટ્સને જોયા કરતો. રસોઈની નિષ્ફળતાઓ, પોપટની નકલ, કિશોરોની મસ્તી, પણ તેનું સૌથી મનપસંદ? ટુચકાઓના રીલ્સ. “અરે,” તે કામ વચ્ચે હસતો, “આ માણસને ફક્ત ‘એગ-જેક્ટલી!’ બોલવાના ૫ લાખ વ્યૂઝ મળે છે! એક ઈંડાના જોક માટે, પાંચ લાખ વ્યૂઝ! હું તેના કરતાં વધુ સારું પ્રદર્શન કરી શકું છું.”
“શુહ…” રસોડામાંથી તેની મમ્મી ઠપકો આપતી. “જ્યારે સોય ઝિપ પાસે હોય ત્યારે યુટ્યુબ રીલ્સ ન જોવાય! તું કોઈની ઇજ્જત બગાડીશ.”
રમેશ પાછળ ફરીને કહેતો, “અરે મા, ચિંતા ના કરો, હું મારા કામમાં નિષ્ણાત છું.”
રમેશમાં વાયરલ થવાની ઘેલછા કૂટી કૂટીને ભરેલી હતી. ઘરના દરેક અરીસાએ તેના વિભિન્ન હાવભાવ જોયા હતા: ઊંચી ભમર, નકલી હાસ્ય, આંગળીથી બંદૂક બનાવીને આંખ મારવી અને બાથરૂમમાં તે સંપૂર્ણ નાટકીય રીતે પંચલાઈનનો અભ્યાસ કરતો રહેતો.
એક રાત્રે, પત્ની જયા બાજુમાં ભર ઊંઘમાં સૂતી હતી, ત્યારે તેણે વિચાર્યું, “બસ એક વિડીયો, પ્રભુ. જ્યાં સુધી હું એક ટુચકો પોસ્ટ નહીં કરું ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે!” તેણે હોલમાં પગ મૂક્યો, સીવેલા કપડાંના ઢગલા પર ફોન ગોઠવ્યો, ‘રેકોર્ડ’ ક્લિક કર્યું અને બોલ્યો:
“જો તમે તમારા લગ્નની વર્ષગાંઠ ભૂલી જાવ… અને તમારી પત્ની બે દિવસ સુધી તમારી સાથે વાત ન કરે.” (તેણે સ્મિત કર્યું.)
“પણ બદલામાં મળેલી શાંતિ અને સંતોષ વિશે કોઈ વાત નથી કરતું!” (તેણે આંખ મારી.)
ગોપી પોપટે બૂમ પાડી: “ફ્લોપ જોક! ફ્લોપ જોક!”
બીજા દિવસે સવારે, વીડિયોને મળેલા ૫ લાઈક્સ તેણે જયાને બતાવ્યા . “જો! પાંચ લોકોને મારી વીડિયો ગમી. ૫ લાઈક્સ, તારા ફ્રિજમાં પડેલા ટામેટાં કરતાં પણ વધારે!”
જયાએ આંખો ફેરવી. “પાંચ લાઈક્સ? આ તો ફક્ત તમારા ત્રણ પિતરાઈ ભાઈઓ, એક ગ્રાહક અને તમે પોતે બીજા એકાઉન્ટમાંથી લાઈક કર્યું છે.”
છતાં, રમેશનું મસ્તીભર્યું સ્મિત જોઈને પત્ની ઓગળી ગઈ. “ઠીક છે,” તેણે રાત્રે કહ્યું, “હું પણ તમારી સાથે જોડાઈશ અને આપણે સાથે મળીને રીલ બનાવીશું.”
આ રીતે રમેશ-જયા કોમેડી શો શરૂ થયો.
જોક ૧:
જયા: મારી સાથે દસ વર્ષ એટલે શું?
રમેશ: એક સેકન્ડ.
જયા: અને મારા માટે ₹૧,૦૦૦ એટલે શું?
રમેશ: એક રૂપિયો.
જયા: સારું, મને એક રૂપિયો આપો.
રમેશ (હસ્યો): એક સેકન્ડ રાહ જો.
ગોપીએ બૂમ પાડી: કડક જોક!
જોક ૨:
જયા (ફરિયાદ કરતી): તું મને ક્યારેય ‘આઈ લવ યુ’ કેમ નથી કહેતો?
રમેશ: કહું તો છું. જ્યારે પણ હું કહું કે ‘મને ભૂખ લાગી છે’, ત્યારે તેનો અર્થ એ જ થાય છે.
ગોપી: તો પછી હું પણ તને પ્રેમ કરું છું. મને ખવડાવો!
લાઈક્સનો વરસાદ થયો. રમેશે ગર્વથી પોતાના યુટ્યુબ શોર્ટ્સની લિંક મિત્રો, પરિવાર અને ગ્રાહકો સાથે શેર કરી. તેને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ સ્ટેટસ પર પણ પોસ્ટ કરી. ભરતકામ કરનારા ગ્રાહકો, ડિલિવરી બોય અને દૂધવાળા સાથે પણ.
હવે તેના સબ્સ્ક્રાઇબર્સ ૨૦૦૦ સુધી પહોંચી ગયા હતા અને રમેશના ઉત્સાહનો કોઈ પાર ન રહ્યો.
જયાએ સાઉન્ડ ઇફેક્ટ્સ ઉમેર્યા અને ગોપીએ વિશેષ ટિપ્પણી. પરંતુ દીકરા, તપને ગુસ્સો ભેળવ્યો, “મારા મિત્રોએ જોયું! કોઈએ મને હાસ્ય પટેલ જુનિયર’ કહ્યું! હું ગાયબ થઈ જવા માંગુ છું!”
“બેટા, તેઓ આપણી સાથે હસે છે.”
“ના, પપ્પા. તેઓ આપણા પર હસે છે!”
ગ્રાહકો પણ આ મજાકમાં જોડાયા. એક મહિલાએ પોતાનો ડ્રેસ ઉપાડતા કહ્યું, “અરે રમેશભાઈ, ‘સમયસર કપડાં સીવવા’ પર વિડીયો નથી બનાવી? તમે તો પ્રખ્યાત છો!”
જો કે ખ્યાતિની કિંમત હોય છે. રમેશનું કામ બગડવા લાગ્યું. ઓર્ડરમાં વિલંબ થતો. ઘણીવાર માપ મેળ નહોતું ખાતું. એક કુર્તીમાં ફક્ત એક જ બાંય હતી! “રમેશભાઈ, આ શું છે? સૌ પ્રથમ તો તમે સમયસર ડ્રેસ નથી આપતા અને જ્યારે આખરે આપો છો, તો છબડા વાળેલા હોય છે.”
તેમ છતાં, રમેશે ફરિયાદોને અવગણ્યા અને ગ્રાહકો ઓછા થવા લાગ્યા, ત્યારે પણ તેને ચિંતા ન થઈ. રમેશ તેના રીલ્સની પાછળ ગાંડો ઘેલો થઈ ગયો હતો. ટેલરિંગ ટેબલ હવે સ્ક્રિપ્ટના સંવાદ લખવાનું સ્ટેશન બની ગયું. તેની મમ્મી ખૂબ વઢતી. “તું જોકર બની ગયો છે! આપણે આ જ શેરીમાં ભીખ માંગવાનો દિવસ આવે, તે પહેલા સુધરી જા!” “શાંતિ રાખો મા, બસ એક નાનીકડી ભૂલ હતી,” આ બહાના સાથે રમેશે આખી વાત ફગાવી દીધી.
પછી… સ્કૂલેથી નોટિસ આવી: ૪ મહિનાની ફી બાકી છે. તપન પટેલને બોર્ડની પરીક્ષામાં બેસવા નહીં મળે.
પટેલ પરિવારમાં મૌન છવાઈ ગયું.
આ વખતે તો ગોપીના મોઢે પણ તાળું લાગી ગયું. આંખમાં આંસુ લઈ, તપન ચૂપચાપ બહાર જતો રહ્યો. તે રાત્રે, રમેશ સીવણ મશીન પાસે હાથમાં ચહેરો છુપાવીને બેઠો. “મેં બઉ મોટી ગડબડ કરી નાખી,” તેણે જયાને કહ્યું.
“હું ફક્ત… કંઈ ખાસ… પ્રખ્યાત બનવા માંગતો હતો.”
જયાએ તેના ખભા પર હાથ મૂક્યો. “તું ખાસ છે. અમારા માટે.”
મમ્મી જૂનો સ્ટીલનો ડબ્બો લઈને અંદર આવ્યા, “લે, મારી છેલ્લી બચત. ટપ્પુની ફી માટે.” જયાએ તેની ચાંદીની પાયલ ઉમેરી. રમેશ લજ્જાઈ ગયો પણ તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.
ફી ચૂકવાઈ ગઈ અને તપન સ્કૂલે પાછો ફર્યો. રમેશ નવા જોશ સાથે કામે લાગ્યો. કોઈ મજાક નહીં, કોઈ રીલ નહીં, પૂરું ધ્યાન ઘર ચલાવવા પર કેન્દ્રિત કર્યું. પણ રિલ્ઝ અને ખ્યાતિની ઘેલછા? એક રવિવારે, શર્ટ ઘડી કરતી વખતે, તેણે ગોપીને કહ્યું, “ભાઈ, ચાલને એક રીલ બનાવીએ. બસ એક જ.”
ગોપી ચહેકી ઉઠ્યો. “ફક્ત રવિવાર! ફક્ત રવિવાર!”
જયા રસોડામાં હસી પડી. “જો તું એ બે ડ્રેસ પૂરા કરે, તો જ.”
હવે, રમેશ આખું અઠવાડિયું મશીન ચલાવતો અને ફક્ત રવિવારે જ રેકોર્ડિંગ કરતો. તેમની ચેનલનું લક્ષ્ય? કમસેકમ ૪૦ લાખ વ્યુસ થવા જોઈએ. અને ગોપી? તે દરેક જોકના અંતે ગર્વથી કહેતો, “સબ્સ્ક્રાઇબ કરો, નહીંતર હું ઉડી જઈશ!”
લેખિકા: શમીમ મર્ચન્ટ


















































