“મંદીરા, મોહન ગયો દુકાને?”
મગનલાલએ રસોડામાં ડોક્યુ મારતા, એમની પુત્રવધુને પૂછ્યું.
“ના બાપુજી. હજી હમણાં જ ઉઠીને સ્નાન કરવા ગયા.”
લગભગ નવ વાગી ગયા હતા, પરંતુ મગનલાલ ને આ સાંભળીને આશ્ચર્ય ન થયું. છેલ્લા એક મહિનાથી એમના દીકરા, મોહનની આ જ વર્તણુક હતી. દુકાને મોડો જતો, અને સાંજે વહેલો ઘર ભેગો થઈ જતો. તે કામ અને પોતાની જવાબદારી વિષે બેદરકાર તો થઈ જ ગયો હતો, પણ અત્યંત વેમિલો પણ બની ગયો હતો.
તેણે જુદા જુદા રત્નોની વીંટી પહેરવાનું શરૂ કર્યું હતું. ઘરમાં એક લાફિંગ બુદ્ધાની સોનેરી મૂર્તિ લાવીને રાખી. દુકાને લીંબુ મરચા ટીંગાડવાનું શરૂ કર્યું. બાલ્કનીમાં મની ટ્રીનું છોડ પણ વાવ્યું હતું. આ બધાની તો મગનલાલને જાણ હતી. આના સિવાય, મોહન બીજુ કેટલું કરતો હશે, શું ખબર!
મગનલાલને એના દીકરાની આ નવી વહેમ પાડવાની આદત ઉપર એટલો ગુસ્સો નહીં આવતે, અગર તેની મહેનત કરવાની ધગશમાં ફરક ન પડ્યો હોત. પણ દિવસે દિવસે, મોહન બેદરકાર અને આળસુ થઈ ગયો હતો, અને તે વાત મગનલાલને જરા પણ સહન થાય એમ નહોતી.
લાબું ભાષણ કે પ્રવચન આપવાથી બાજી વધુ બગડી જશે. ઘણું વિચાર્યા પછી, એમને એક યોજના મગજમાં આવી.
* * * * * *
એક સાંજે જ્યારે મોહન ઘરે આવ્યો તો મગનલાલ ક્યાંય દેખાતા નહોતા. એણે પોતાની પત્નીને પૂછ્યું,
“મંદીરા, બાપુજી ક્યાં છે?”
“તે સુઈ ગયા.”
“આટલી જલ્દી?”
“હા. એમની તબિયત નહોતી સારી.”
મોહનને ચિંતા થઈ.
“શું થયું બાપુજીને?”
એમને ખૂબ ઉધરસ સાથે તાવ પણ આવ્યો છે.”
“તું એમને દવાખાને લઈ ગઈ?”
“ના.”
આ સાંભળીને મોહનને આશ્ચર્ય થયું અને પત્ની પર ગુસ્સો પણ આવ્યો.
“ના એટલે? બાપુજીની તબિયત ખરાબ છે, તો તારી ફરજ નથી એમને ડોકટર પાસે લઈ જવાની!”
મંદીરા અને મગનલાલ આ સ્કીમમાં એક થઈ ગયા હતા. મોઢું ફરાવી અને હંસી દબાવતા, એણે મોહનને જવાબ આપ્યો.
“બાપુજીએ ના પાડી. કહ્યું કે દવાની જરૂર નથી. કોઈકે એમને હાથ પર ધાગો બાંધી આપ્યો અને સૂચવ્યું કે રૂમમાં એક ડુંગળી કાપીને મૂકી દો, સવાર સુધી સારું થઈ જશે.”
આ વાત કાનમાં પડતા જ મોહનનો પિત્તો ગયો.
“આ શું બકવાસ છે! આવા વેમિલા તુકકાથી બાપુજીની તબિયત વધારે ખરાબ થઈ ગઈ તો? એમને સરખી ડોકટરી ઇલાજની જરૂરત છે.”
મગનલાલ પોતાના રૂમના દરવાજા પાસે કાન અડાડીને ઉભા હતા. દીકરાની વાત સાંભળીને એમના મોઢે એક મીંઢું સ્મિત આવ્યું. તેઓ બહાર આવ્યા અને મોહનના ખભા ઉપર હાથ મુકતા, એની સામે અર્થપૂર્ણ રીતે જોયું.
“તો તું માને છે, કે મારા બીમારી મટાડવાના તુક્કા વેમિલા છે?”
મોહન ચકિત થઈ બોલી ઉઠ્યો.
“હાસ્તો વળી!”
મગનલાલ ડાઇનિંગ ટેબલ પાસે જઈને બેઠા અને હળવેથી મોહનને પૂછ્યું.
“તો પછી તને તારા પૈસા કમાવાના તુક્કા વેમિલા કેમ નથી લાગતા?”
મોહન દંગ રહી ગયો અને એની બોલતી બંધ થઈ ગઈ. મગનલાલએ ઈશારો કર્યો કે તે પાસે આવીને બેસે.
“જો બેટા, ફેંગ શુઇ હોય કે પછી આપણી ભારતીય માન્યતાઓ, આખરે છે તો બધા વહેમ જ, જેમાં કોઈ પુખ્તા સબૂત કે સાબિત કરેલી સચાઈ નથી. અને અગર હશે પણ, તો મહેનત જેવી સફળતા ક્યાંય નથી.”
મોહનને એની ભૂલનો એહસાસ થતા નજર નીચી કરી નાખી. પરંતુ મગનલાલની શિખામણ હજી બાકી હતી.
“મારે તને લાબું ભાષણ નથી આપવું. ટૂંકી ને ટચ વાત કરીશ. મેં એક સરસ કહેવત વાંચી હતી, જે તને લાગુ પડે છે. એમાં લખ્યું હતું, કે,
વહેલા જાગવું હંમેશાં ફાયદાકારક હોય છે, પછી એ ઊંઘમાંથી હોય કે વહેમમાંથી!! સમજ્યો?”
મોહનને બાપુજીની વાત ગળે ઉતરી અને આવનારા દિવસોમાં એની કામ કરવાની પદ્ધતિમાં સુધારો આવી ગયો.
શમીમ મર્ચન્ટ


















































