વચન એક દિન માટે નહીં જીવનભરનું.
એ વચન એ જ જીવન .
વચન એ આનંદપૂર્ણ જવાબદારી છે, ગળાબંધણી નહીં.
વ્હાલ, વચન અને વિશ્વાસની રાશિ એક છે,
ને એ શ્વાસ સાથે જોડાયેલ છે.
પણ આ વચન
જીવનને બદલે બંધન જેવાં ક્યારે લાગે ? સરળ જવાબ છે,
ગજા બહારનાં આપ્યાં હોય તો !
પ્રેમમાં અપાતાં વચનમાં
વ્હાલ અગત્યનું છે, વહેવાર નહીં.
એમાં પ્રામાણિકતા હોય છે
પણ વાસ્તવિકતા નહીં.
ચાંદ તારા તોડી લાવવા જેવા વચન તો તત્પરતાના સૂચક છે,
એ અંગેની સજ્જતા હજી બાકી હોય છે.
વચનવેળાની મન: સ્થિતિ
ઉન્માદની ય હોય
ને સમજણભર્યા સંવાદની ય હોય.
પ્રેમમાં તરંગ અને ઉમંગ
એકમેકની આંગળી પકડીને ચાલે ત્યારે કવિતા પ્રગટે !
પ્રેમમાં સતત રોટીકપડામકાનની
રોકકળ ન હોય ,
કારણકે એમાં તો સાદ દેતા ગગનમાં
સાથે મળીને ઉડવાનો ઉન્માદ હોય છે.
ડાળનીજરુર તો
માળો બાંધતી વેળા પડે છે.
ભલે ને અવાસ્તવિક પણ
સંગાથે માણવા ધારેલા સુખની તૃષા હોય છે. એ વખતે જીવનને મરુસ્થલ કહો તો
એમાં ય મરુદ્વીપ મળી જાય !
આપણે એકમેકને આપ્યું હતું કોઇ વચન ? તને યાદ છે?
મને તો નથી.
હા,
એકમેકની સાથે હોવાના આનંદ ઉપરાંતની અપેક્ષાઓ હતી એમાં,
પણ પેલી*વાળી શરતની જેમ નહીં.
ને એટલે જ એમાંની કેટલીક
પૂરી ન થયાનો વસવસો ય
અવ્યક્ત -વ્યક્ત ઝૂલતો રહે છે
આપણી વચ્ચે.
ને આપણે
શક્ય હોય તે સુધારતાં
ને અશક્ય હોય તે સ્વીકારતાં
આનંદીએ છીએ આ પ્રવાસને …
પ્રેમ અને દાંપત્ય પછીનું પરમ શીખર છે સપ્તપદીનું સાતમું વચન :
।। સખા સપ્તપદી ભવ ।।
આજે એ આનંદવાનો દિવસ .
તુષાર શુક્લ
Related