નંદ ઘેરા આનંદ ભયો જય હો નંદ લાલકી, જય યશોદા લાલકી. આજે તો જાણે મહેશભાઈના ઘરમાં ગોકુળ ઉતરી આવ્યું છે તેઓ હર્ષોલ્લાસ છે. મહેશભાઈના ઘરે ૨ દિકરી બાદ એક દીકરાનો જન્મ થયો છે, આખું ઘર મેડીથી લઈને ફળિયા સુધી સજાવી દીધું છે અને બધા ખૂબ જ ખુશ ખુશાલ છે. મહેશભાઈના મમ્મી, લીલાબેન કાગડોળે તેના કુલદીપકની રાહ જોય રહ્યા છે અને તેમનો એ આનંદ તેમની આંખોમાં ઊછળી ઉછળીને દેખાય રહ્યો છે.
જેવી કાર, ફળિયામાં પ્રવેશી કે લીલાબેને ભજન ગવડાવાના શરૂ કર્યા, “આજે મારે ઘેર થાય લીલા લેર, દિકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે.” જાત જાતના અને ભાત – ભાતના ગીતો, ભજનો ગવાઈ રહ્યા છે. જેવા મહેશભાઇ દિકરાને લઈને કારમાંથી દરવાજા તરફ આવ્યા કે, લીલાબેન આરતીની થાળી લઈને તેના કુલદીપકનું સ્વાગત કરવા દોડી આવ્યા. “બધાઈ આપો, બધાઈ લીલાબેન તમારા ઘેર સાક્ષાત કાનો જન્મ્યો છે, અમે તો ખુશીથી પૂરા ૫૦૦૧ લઈને જ જશું.” કિન્નરોએ પણ આશીર્વાદનો ઢગલો કરી દીધો. “હા, હા પૂરા ૫૦૫૧ આપીશ કાઇ દિકરી નથી.. મારે તો દિકરો છે દિકરો. પેલા તમે એને સારાવાના કરો ને પછી આ લ્યો બધાઈ.” લીલાબેનની આ વાત જરા બધાને અજુગતી લાગી.
આનંદની વાત છે, દિકરો થયો પરંતુ આજે પણ આપણાં દેશમાં દિકરા અને દિકરીનો ભેદભાવ છે જ. આપણું એવું માનવું છે કે ગામડામાં આ પ્રથા વધુ છે, માફ કરજો મિત્રો ગામડા કરતાં શહેરોમાં આ પ્રથા વધારે છે. ગામડામાં તો દિકરી હોય કે દિકરો આનંદ અને હર્ષોલ્લાસ એક સરખો જ હોય છે. બે દિકરી આવી તે બાદ એક દિકરો આવે, આનંદની વાત છે, પરંતુ શું ક્યારેય એ માતાને પૂછ્યું છે કે, આ ત્રીજી વાર જન્મ આપ્યો અને જે વેદના સહન કરી તેમાં તેમની પૂરેપૂરી સહેમતી હતી? ઘણી પરિસ્થિતિમાં પિતાની ઈચ્છા ના હોવા છતાં પુત્ર ઘેલછામાં, પરિવારના દબાણમાં ત્રીજું સંતાન કરવામાં આવે છે. વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, ત્રીજું સંતાન દિકરો ના પણ આવે તો શું તમે તમારા પહેલાના બે સંતાનથી ખુશ નથી? ત્રીજું પણ કદાચ દિકરી જ આવી તો શું ફરીથી ચોથી વાર પ્રયાસ કરશો દિકરા માટે?
દિકરો આવે તો ખુશીના પેંડા અને દિકરી આવે તો પરાણે પરાણે ખુશીમાં જલેબી આપવાની! કોણે બનાવ્યો આ નિયમ? શું ભવિષ્યમાં દિકરી આગળ વધીને તમારું અને તમારા પરિવારનું નામ રોશન કરશે તો તમને એમાં આનંદ નહીં આવે? દિકરો જ આનંદ આપી શકે? ઘણી જગ્યાએ પરિવર્તન આવ્યું છે, જ્યાં દિકરો અને દિકરી એક સમાન છે અને રાજી ખુશીથી દિકરો હોય કે દિકરી બન્નેને સાચવે છે, પરંતુ હજી પણ ૪૦ %થી વધારે સંખ્યામાં આ ભેદભાવ જોવામાં આવે છે.
ભગવાને આ મનુષ્ય અવતાર આનંદ લેવા માટે, આનંદ કરાવા માટે, ખુશીથી રહેવા માટે, હળી મળીને સાથ આપવા માટે આપ્યો છે, આ અવસરને ભેદભાવ રાખીને વેર વિખેર ના કરીએ. લીલાબેન જેવા કેટલાય સ્ત્રી અને પુરુષો છે જે ભૂલી જાય છે કે તમને જે પિતા, દાદી, દાદા, મામા, કાકા, ફુવા, ફોઇ, કાકી, મામી બનવાની ખુશી એક દિકરીએ જ આપી છે. એ વાત ને ક્યારેય ના ભૂલીએ આ પૃથ્વી પર તમને મનુષ્ય અવતાર આપવાનું સુખ અને આનંદ એક સ્ત્રીની ૯ મહિનાની વેદના સહન કરીને મળ્યું છે.
Related