કોઈ પણ વ્યક્તિને ઊંડાઈથી નિહાળીએ એટલે સમજાય કે એ કંઈક વિચારે છે. માનવી હંમેશા વિચારોની દુનિયામાં ડૂબેલો રહેતો હોય છે. રાત્રે સૂઈ તો જાય છે પણ ત્યાં પણ તેને તેના વિચારો સ્વપ્ન સ્વરૂપે નડે છે. સવારે પથારીમાં બેઠો બેઠો કંઈકેટલાય વિચારો સાથે રમી લે છે, કે આજે આમ કરવું છે, તેમ કરવું છે.. ગઈકાલનું કામ બાકી છે. આવી અઢળક પ્રવૃત્તિઓનું હેઠા મોઢે જ ગહન કરી લેય છે.
તો શું હરેક માનવી પોતાના વિચારોને કાગળ ઉપર ઉતારી શકવા સક્ષમ છે? કે પછી પોતાના અંતઃકરણમાં ચાલતી ભાતભાતની દોડધામને કવિતાના પટાંગણમાં ઉતારવા સક્ષમ છે?
કહેવાય છે કે “જેના ઉપર માં સરસ્વતીનો હાથ હોય તે લેખક બની શકે!” છતાં પણ આજે આપણે કંઈકેટલાય એવા લોકોને પણ જોઈએ છીએ જે પરીક્ષા, ભણતર, લગ્નપ્રસંગ જેવા નીજી કારણોને લીધે પોતાની કળા વેડફી દે છે. કળા તો વેડફે જ છે પરંતુ માં સરસ્વતીએ આપેલા આશીર્વાદનું શું? આવા પવિત્ર આશીર્વાદની પણ એને કિંમત નથી હોતી!
ભણતર, લગ્નપ્રસંગ, કૌટુંબિક પ્રસંગ, પરીક્ષા.. આ બધું તો જીવનમાં આવતા અમુક સમય પૂરતા કાર્યો છે જેમ કે આપણે દરરોજ નાહીએ છીએ, જમીએ છીએ, શનિ રવિ બગીચામાં ફરવા જઇએ છીએ.. પરંતુ લેખન તો સાહેબ જીવનશૈલી છે. જેવી રીતે લગ્ન કરીને આપણે કોઈ વ્યક્તિ સાથે સંબંધમાં બંધાય જઈએ, એ રીતે જ લેખન આપણા (લેખકના) જીવન સાથે સંકળાયેલ પાસું છે. તો પણ ઘણા વ્યક્તિઓ પરીક્ષા, ભણતર જેવા બહાનાઓ કાઢી કાઢીને લેખનથી આજે દૂર કેમ ભાગે છે?
લેખન એક એવી શક્તિ ધરાવે છે જેના થકી તમે વાંચન કરનાર વ્યકિતના મનમાં ધારો એ વિચારો પ્રગટાવી શકો છો! અને છેવટે દુનિયાની સુરત પણ બદલાવી શકો છો. જો આવી શક્તિ તમારી કલમમાં હોય તો પછી શા માટે કલમને ખિસ્સાની અંદર ઢાંકણ દઈને મૂકી દો છો!
પરીક્ષા, પ્રસંગો આ બધું તો આજે છે, કાલે નહિ હોય.. જ્યારે લેખન જીવનમાં અંતિમ શ્વાસ સુધી ખુદની ઝોળીમાં જ રહેવાનું છે. ક્યારેય વિચાર્યું છે, છેલ્લા શ્વાસે પણ કવિતાની બે ચાર લીટી ગણગણાવી જાય એ વ્યક્તિ કેટલું ભાગ્યશાળી હોતું હશે! પણ આજે નહિ લખીએ તો કવિતા કેમ આવડશે? હવે વાત આવી જ છે કવિતાની.. તો આજે આપણે સોશીયલ મીડિયા ઉપર ઘણા લોકોની રચનાઓ નિહાળતા હોઈએ છીએ અને જેને જોઈને એવું પ્રતિત થાય કે આ માણસ સાહિત્ય જગત માટે કલંક છે! ખબર જ નથી કે ક્યાં પ્રકારમાં શું અને કેવી રીતે લખવાનું હોય છે, તો પછી રચનાને પ્રકાર જ શા માટે આપો છો? ગદ્ય લખીને કવિતાનું શીર્ષક આપવું કેટલી હદે યોગ્ય છે? મૌલિક વિચારોને આડાઅવળા કાગળ ઉપર ઉતારી ગઝલનું શીર્ષક આપવું યોગ્ય છે? આવા તો અઢળક ઉદાહરણો છે! પરંતુ શું આ બધું યોગ્ય દિશામાં વળી શકે છે? અને જો વળી શકે છે તો એને વળાંક કોણ આપી શકે? કોઈ એક વ્યક્તિ સો જણાની ભૂલો કાઢશે તો શું એ સો જણા સુધરી જશે? ના રે.. એ સો જણા સુધરવાની જગાએ અંદરોઅંદર વાતોએ ચડશે કે, “એનું તો કામ જ છે ભૂલો કાઢવું! હંમેશા આપણી રચનાને ટોકટોક જ કરતો હોય!”
અને બીજી બાજુ જોઈએ કે, માણસને પોતાનું અભિમાન ક્યારેય આગળ વધવા દેતું નથી. સાહિત્ય જગતમાં ઉંમરને કોઇ લેવાદેવા નથી. દીકરા સમાન લેખકને પણ ઘણીવાર બાપ સમાન ગણવો પડે! પરંતુ, યુવા પેઢીને આવું ક્યાં ગમે છે! એ તો પોતે જ સર્વશ્રેઠ! પોતાને બધું આવડે, પોતે જે કરે છે એ બરાબર! આમાં તો કેમ સાફ થઈ શકે સાહિત્ય જગતમાં ફેલાયેલ ગંદકી!
હું આ લેખમાં ઉદ્દગાર લગાડી લગાડીને થાકી ગયો! જુઓ આ વાક્યને પણ ઉદ્દગાર લગાવવું પડ્યું. કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરશો, પરંતુ મારી નજરને જે સત્ય દેખાયું એ લખી દીધું!
દીપ ગુર્જર


















































