ભગવાન મહાવીર સ્વામી કહે છે રાગ અને દ્વેષ કર્મના બીજ છે જેવી આપણે પસંદગી કરી કે કર્મ બંધાઇ જાય છે. રાગ એટલે કોઇ મારું છે દ્વેષ એટલે પરાયું છે. રાગ એટલે કોઇ બચે એવી અભિલાષા છે દ્વેષ એટલે કોઇ નાશ પામે એવી ઇચ્છા છે. રાગ એટલે આ સારુ છે દ્વેષ એટલે આ ખરાબ છે. માણસ આમાંથી પસંદગી કરે છે સારું છે તે થાય અને ખરાબ છે તે ન બને. જવાની ભલે રહે પણ બુઢાપો નહીં. સ્વાસ્થ્ય ભલે પણ બીમારી નહીં. મિત્ર બચ્ચે શત્રુ નાશ પામે. સુખ આવે પણ દુ:ખ નહીં.
આમ રાગ અને દ્વેષનું ચક્ર જીવનમાં ચાલ્યા કરે છે. માણસ વિચારે છે આમ થવું જોઇએ અને આમ ન થવું જોઇએ. જે વસ્તુની પ્રબળ ઇચ્છા હશે તેની પાછળ માણસ પાગલ થશે અને જેની બિલકુલ ઇચ્છા નહીં હોય તેના પ્રત્યે નફરત ઊભી થશે. આવું હોવું જોઇએ અને આવું ન હોવું જોઇએ એવો વિચાર છેવટે રાગ-દ્વેષમાં પરિણમે છે.
આપણા મનમાં એવો વિચાર આવે કે શત્રુ નાશ પામે તો મહાવીર કહે છે હિંસા શરૂ થઇ ગઇ. કર્મ શરૂ થઇ ગયું. કર્મનું પ્રથમ ચરણ વિચાર છે. ધીરે ધીરે આ વિચાર ઘટ્ટ બને છે અને છેવટે તે કૃત્યમાં પરિણમે છે. આજે જે ભાવ હોય છે તે આવતી કાલે ઘટના બની શકે છે એટલે મહાવીર કહે છે માણસે વિચારમાં જાગી જવું જોઇએ. વિચારો ક્યારે કૃત્ય બની જશે તેનો માણસને ખ્યાલ આવતો નથી.
રશિયન લેખક દોસ્તોવસ્કીની એક પ્રસિદ્ધ નવલકથામાં એક યુવાનનું પાત્ર છે. આ યુવાન કોલેજમાં અભ્યાસ કરતો હતો. તેની સામે જ એક વૃદ્ધ મહિલા રહેતી હતી. તેની પાસે ઘણા પૈસા હતા પણ તે બહુ કંજૂસ હતી. વ્યાજ વટાવનું કામ તે કરતી હતી. ચમડી છૂટે પણ દમડી ન છૂટે એવું તેનું વર્તન હતું.
ગરીબોને ચૂસવા એ તેનો ધંધો હતો. તેનું વ્યાજ આકરું હતું અને તે ચડતુ જતું હતું. કોઇ વ્યક્તિ એક વખત તેની ચૂંગાલમાં ફસાયો તો કર્જમાંથી કદી મુક્ત થઇ શકતો નહોતો. ગરીબ સાધારણ માણસો તેનાથી ત્રાસી ગયા હતા.
આ યુવાન બારીમાંથી આ વૃદ્ધાને જોતો રહેતો હતો. તે ગરીબોનું લોહી પીતી હતી તે આ યુવાનને પસંદ નહોતું. ૮૦ વર્ષની આ મહિલા મરવાને આરે હતી પણ લોભ છૂટતો નહોતો.
આ યુવાનના મનમાં વિચાર ઊઠતો હતો કે આ બુઢ્ઢી મરી જાય તો સારું. તેની પાછળ રોવાવાળું કોઇ નથી. તે મરી જાય તો લોકોનો છુટકારો થાય. આખું ગામ ખુશ થશે. ભગવાન તેને કેમ ઉપાડી લેતો નથી?
આ યુવાને કોઇ અપરાધ કર્યો નહોતો પણ તેના મનમાં સતત વિચારો આવતા હતા કે આ સ્ત્રી મરી જાય તો સારું ગરીબો સાથે આ વૃદ્ધા અન્યાય અને ત્રાસ ગુજારતી ત્યારે આ યુવાનના મનમાં ખુન્નસ ઊભું થતું હતું. આ યુવાન જ્યારે આ સ્ત્રીની લોભ લાલસાને જોતો ત્યારે તેના મનમાં આવા વિચારો ઊભા થતા હતા અને ધીરેધીરે આ વિચારો ઘટ્ટ બની રહ્યા હતા. પહેલા એ વિચારતો હતો કે ભગવાન તેને ઉઠાવી લે તો સારું હવે વિચારવા લાગ્યો કે લોકો એને કેમ મારી નાખતા નથી. કેટલીક વખત વિચાર આવતા હતા કે એક ઝાટકે તેને મારી નાખું. પછી પાછો સાવધ થઇ જતો હતો કે મારાથી આ કેમ થઇ શકે. તે જાણે એને તેના કર્મો જાણે. મારે તેની સાથે શું લેવા દેવા? આમ તેના મનમાં વિચારો અને તરંગો ઘુમતા રહ્યા અને ઘટ્ટ થતા રહ્યા.
આ યુવાનની પરીક્ષા નજીક આવી. ફીના પૈસા ભરવાના હતા. પૈસાની વ્યવસ્થા થઇ શકી નહોતી. પોતાની પાસે એક કિંમતી ઘડિયાળ હતી તે ગિરવે મૂકીને પૈસા મેળવવા આ વૃદ્ધા પાસે ગયો.
વૃદ્ધા આ ઘડિયાળ કિંમતી હોવા છતાં કહ્યું : આનું કાંઇ વધારે આવે નહીં. માત્ર મામૂલી રકમ અને વધારે પડતા વ્યાજની વાત કરીને આ ઘડિયાળને યુવાન તરફ ફેંકી. અચાનક આ યુવાનના અજ્ઞાત મનમાં રહેલા વિચારોએ ઘૃણા અને ક્રોધનું ભયંકર સ્વરૂપ ધારણ કર્યું અને આ વૃદ્ધ સ્ત્રી વધુ કાંઇ બોલે તે પહેલાં જોરથી તેનું ગળું દબાવી દીધું. વૃદ્ધા કમજોર હતી. તે ચીસ પણ પાડી શકી નહીં અને મરી ગઇ. એક ક્ષણમાં ન બનવાનું બની ગયું. યુવાનને ખબર પણ ન પડી કે તેણે શું કરી નાખ્યું.
મનમાં રહેલો નાનો સરખો વિચાર ક્યારે કૃત્ય બની જશે તેની ખબર પડતી નથી. આપણે જેવું વિચારીએ છીએ તેવા ધીરે ધીરે બની જઇએ છીએ. વિચાર છેવટે સમય આવ્યે કૃત્ય બની જાય છે.
મહાવીર કહે છે વિચાર્યું એટલે અડધું થઇ ગયું એમ સમજો. બીજ જમીનમાં પડ્યું અડધી વાત પતી ગઇ. હવે વૃક્ષ બનવા માટે સમયની રાહ જોવાની છે. જમીનમાં બીજ પડ્યા વગર વૃક્ષ બનતુ નથી. કોઇ પણ જાતના વિચાર વગર કૃત્ય બનતું નથી. વૃક્ષને બનતું રોકવું હોય તો બીજને જમીનમાં પડતું રોકવું પડશે. રાગ અને દ્વેષ કર્મના બીજ છે. કર્મ જાળમાંથી મુક્ત થવું હોય તો ઇચ્છાના મૂળને કાપવા પડશે. જીવનમાં જે કાંઇ બને છે તેની પસંદગી વગર સહર્ષ તેનો સ્વીકાર કરતા રહીએ તો કોઇ ચીજ આપણને પરેશાન કરી શકશે નહીં.
રાગ અને દ્વેષનું મૂળ છે ક્રોધ, માન, માયા અને લોભ. એ ચારે કષાયો પર વિજય મેળવ્યા વગર સાચું સુખ પ્રાપ્ત થઇ શકે નહીં. આ જીવનના ચાર મહોરાઓ છે. માણસ આ ચારે પરિસ્થિતિમાં સ્થિર રહી શકતો નથી. અને પોતાની જાતને ઓળખી શકતો નથી.
ક્રોધી માણસને એમ લાગે છે કે તે શાંત છે. લોભી માણસ પોતાને ઉદાર સમજતો હોય છે. માન-માયાનો આપણને કશો મોહ નથી એવું કહેનારા માણસો તેનાથી વધુ રંગાયેલા હોય છે. દરેક માણસને એમ લાગે છે કે પોતે જે કરી રહ્યો છે તે સાચું અને સારું છે.
આચાર અને વિચાર માણસના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વિચારો મુજબ માણસનું વ્યક્તિત્વ ઘડાય છે. શુભ અને અશુભ જેવા વિચારો હોય એવું પરિણમે છે. શુભનું ચિંતન માણસને તારે છે અને અશુભનું ચિંતન ડૂબાડે છે.


















































