રમદાન ઇસ્લામિક ચંદ્ર કૅલેન્ડર નો નવમો મહિનો છે, અને સૌથી મહત્વપૂર્ણ મહિનો છે. આ મહિનાને મુસ્લિમો ઘણો પાક અને પવિત્ર માને છે. રમદાન માં દુનિયા ભરના તંદુરસ્ત મુસ્લિમો પરોઢિએ થી સાંજ સુધી રોઝા રાખે છે, જે એ લોકો માટે ફરજિયાત પણ છે. પરોઢિએ ના ભોજન ને કહેવાય સહેરી અને સાંજે જ્યારે રોઝો ખોલીએ તો એને કહેવાય ઇફતાર.

આવો, અહીં આજે સમજવાનો પ્રયત્ન કરીએ, કે રમદાન નું એટલું બધું મહત્વ શામાટે છે. પવિત્ર કિતાબ કુરાને મજીદ આ મહિના માં ઉતર્યું હતું. આ સિવાય, એક વ્યક્તિ માટે, ખુદા ના બંદા હોવાના રૂપે પણ, રમદાન નું ઘણું મહત્વ છે. રમદાન માં રોઝા રાખવા મુસ્લિમો માટે ઇસ્લામ ના પાંચ થાંભલાઓ માંથી એક છે (કુરાન, નમાઝ, ઝકાત, રોઝા અને હજ)
રોઝા રાખવા ની પાછળ મૂળ વાત છે – પોતાના નફસ પર કાબુ પામવું. રોઝા રાખવું એટલે ફક્ત ભોજન અને પાણી નો ત્યાગ આપવું નથી. શરીર ની સાથે, મન અને આત્મા નો પણ રોઝો હોવો જોઈએ. રોઝા ની હાલત માં બધી એ વસ્તુ થી પરહેઝ કરવું જોઈએ જે અનૈતિક છે. જુઠું બોલવું, ગુસ્સો કરવો, ગિબત કરવી, અને એ બધી વસ્તુ થી દૂર રેહવું જે નીતિવિરુદ્ધ હોય. એમ સમજો કે આંખ અને જીભ નો પણ રોઝો છે.
રમદાન માં જેટલું બની શકે તેટલુ નમાઝ, દુઆ અને કુરાન પડવું જોઈએ. ઝકાત આપવું (એટલે કે ગરીબો ની મદદ કરવી) ઘણા સવાબ નું કામ છે.
જ્યારે રમદાન ના રોઝા પુરા થાય, પછી સમય છે ખુદા ની આપેલી ભેટનો આનંદ માણવાનો, ઈદ-ઉલ-ફિત્ર, એટલે કે ઈદ. જ્યારે લોકો નવા કપડાં પહેરે, ઇતર લગાડે અને એક બીજાને મળતા “ઈદ મુબારક” કહે. ઘર માં સારા ભોજન ની સાથે શીર ખુરમો બને. ઘર ના મોટા, બચ્ચાઓ ને ઇદી આપે.
રોઝા રાખવું, એક પ્રકાર ની ખુદા ની આરાધના છે, જેથી તમે ખુદા ની નઝદીકી પામો અને જરૂરિયાતમંદ તરફ કરુણાશીલ બનો. રોઝો રાખવાથી દિલ સહનશીલ બને અને ખરાબ આદતો થી છુટકારો મેળવી શકાય.
શમીમ મર્ચન્ટ


















































